બાગે મોહબ્બત (બત્રીસમો અંક)

જીવનસાથીની પસંદગી- ભાગ ૧ 

જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે.

છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ કરે જે તેના બાળકો માટે સારી માં બની શકે અને જે તેના ખાનદાન સાથે ઈજ્જત અને ગરિમાની સાથે રહી શકે.

બીજી બાજુ, છોકરીને પણ એક એવો શૌહર શોધવાની ફિકર હોય છે જે તેની દીની અને દુન્યવી જરૂરિયાતો પૂરી કરી શકે અને જે તેની આર્થિક અને માલી રીતે હિફાજત કરી શકે.

સામાન્ય રીતે નિકાહ સમયે લોકો આ બાબતો વિશે ફિકર મંદ હોય છે; કારણ કે તેઓ જાણે છે કે શાદી જીંદગીનો એક નવો સફર છે; તેથી, જીવનસાથીની પસંદગી કાં તો જીંદગીમાં સુખ, શાંતિ અને ખુશીઓ લાવશે અથવા ગમ, તકલીફ અને જીવનભરનાં અફસોસ અને નદામતનું કારણ બની જશે.

નેક જીવનસાથી ની પસંદગી

ઇસ્લામ આપણને શીખવે છે કે શાદી અને નિકાહ સમયે જેવી રીતે આપણે આ બાબતોનું ધ્યાન રાખે છે કે તે વ્યક્તિ જેની સાથે શાદી થવાની છે તે એક શરીફ ખાનદાન માંથી હોવો જોઈએ, દેખાવમાં ખૂબસૂરત અને આકર્ષક હોવો જોઈએ અને તેની આર્થિક અને માલી સ્થિતિ સારી હોવી જોઈએ; પરંતુ તેની સાથે સાથે આપણી સૌથી મહત્વની અને બુનિયાદી ફિકર આ હોવી જોઈએ કે તે વ્યક્તિની અંદર દીનદારી અને પરહેઝગારી હોવી જોઈએ.

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ નો ઈર્શાદ છે કે ચાર વસ્તુઓમાંથી કોઈ એકને કારણે ઔરત થી નિકાહ કરવામાં આવે છે: – કાં તો તેણીના માલ-ઓ-દૌલત નાં કારણે અથવા તેના ખાનદાની દરજ્જાને કારણે અથવા તેની ખૂબસૂરતીને કારણે અથવા તેની દીનદારી અને દીનને કારણે; તેથી (જીવનસાથીની પસંદગી કરતી વખતે) તમે દીનદાર બીવીની પસંદગી કરીને કામયાબી હાસિલ કરો. (જો તમે નેક બીવી પસંદ ન કરશો) તો તમને પાછળથી અફસોસ થશે.

સહાબા-એ-કિરામ રદી અલ્લાહુ ‘અન્હુમ અને તબી’ઈન રહીમહુલ્લાહુ ‘અલયહીમ તેમની ઔલાદ માટે નેક જીવનસાથીની પસંદગી ની અહમિયત અને મહત્વને ખૂબ સારી રીતે સમજતા હતા. તેઓ જાણતા હતા કે જો શૌહર દીનદાર અને પરહેઝગાર હશે, તો તે તેની બીવીના અધિકારો અને હક્કો પૂરા કરશે અને તેની સાથે સારો વ્યવહાર કરશે. તેનાથી વિપરીત, જો શૌહર દીનદાર અને પરહેઝગાર ન હશે, તો તે તેની બીવીના હક્કો ને અદા કરવામાં બેદરકારી અને લાપરવાહી કરશે અને વાત-વાતમાં તેની સાથે ખરાબ વ્યવહાર કરશે અથવા તેના પર જુલમ કરશે અને તેને ત્રાસ આપશે.

હઝરત હસન બસરી રહીમહુલ્લાહુની નસીહત

એકવાર એક વ્યક્તિ હઝરત હસન બસરી રહિમહુલ્લાહ પાસે આવ્યો. તેણે કહ્યું: મારી પાસે મારી બેટી માટે નિકાહ ના ઘણા માંગા (પ્રસ્તાવ) આવ્યા છે, મહેરબાની કરીને મારી રાહ નુમાઈ ફરમાવો (માર્ગદર્શન આપો) કે હું કોનો પ્રસ્તાવ કબૂલ કરું?

હઝરત હસન બસરી રહિમહુલ્લાહએ જવાબ આપ્યો: તમારી બેટી ના નિકાહ એવા વ્યક્તિ સાથે કરી દો જેના દિલમાં અલ્લાહનો ડર અને ખૌફ હોય. પછી તેમણે તેનું કારણ સમજાવ્યું કે જો તે વ્યક્તિ તેને પસંદ કરશે, તો તે તેની ઈજ્જત અને કદર કરશે અને જો તે તેને નાપસંદ કરે છે, તો કમ સે કમ તેનાં પર જુલમ નહીં કરશે.

હઝરત અબુ દર્દા રદી અલ્લાહુ ‘અન્હુ નું તેમની બેટી ના નિકાહ કરાવી દેવુ

નીચે હઝરત અબુ દર્દા રદી અલ્લાહુ ‘અન્હુની એક પ્રભાવશાળી ઘટનાને નકલ કરવામાં આવી રહી છે કે તેમણે તેમની પ્રિય બેટી માટે કેવા જીવનસાથીની પસંદગી કરી:

એકવાર યઝીદ બિન મુઆવિયાએ હઝરત અબુ દર્દા રદિ અલ્લાહુ ‘અન્હુને તેમની સાહિબઝાદી સાથે નિકાહ કરવા માટે માંગું મોકલ્યુ.

હઝરત અબુ દર્દા રદિઅલ્લાહુ ‘અન્હુએ યઝીદનો પ્રસ્તાવ‌ કબૂલ ન કર્યો, યઝીદ તે સમયે હાકિમ અને ગવર્નર હતો તો પણ.

તે પછી, યઝીદનો એક ખાદીમ, જે એક નેક માણસ હતો, યઝીદ પાસે આવ્યો અને તેને કહ્યું: તમે મને ઈજાઝત આપો કે હું હઝરત અબુ દર્દાને નિકાહનો પ્રસ્તાવ (માંગુ) મોકલું કે તેઓ તેમની બેટી સાથે મારા નિકાહ કરાવી દે.

યઝીદે ગુસ્સે થઈને કહ્યું: અહીંથી ચાલ્યો જા! તારો નાશ થાય! તેમ છતાં તે ખાદીમે કહ્યું: મહેરબાની કરીને મને ઈજાઝત આપી દો, અલ્લાહ તમને ખુશ રાખે! છેલ્લે યઝીદે તેને ઈજાઝત આપી દીધી.

પછી આ વ્યક્તિએ હઝરત અબુ દર્દા પાસે નિકાહનો પૈગામ (પ્રસ્તાવ) મોકલ્યો, હઝરત અબુ દર્દાએ તેમનો પૈગામ (પ્રસ્તાવ) કબૂલ કરી લીધો અને તેમની સાથે પોતાની વ્હાલી દીકરીના નિકાહ કરાવી દીધા.

આ ખબર લોકોમાં ફેલાઈ ગઈ અને લોકો ચર્ચા કરવા લાગ્યા કે કેવી રીતે યઝીદના રિશ્તા અને માંગાને કબૂલ ન કર્યો અને તેના એક ગરીબ ખાદીમ નો પ્રસ્તાવ (માંગુ) સ્વીકાર કરવામાં આવ્યો.

જ્યારે હઝરત અબુ દર્દા રદિ અલ્લાહુ ‘અન્હુને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફરમાવ્યું: મૈં મારી બેટી ના નિકાહ માં દર્દાના ભવિષ્ય વિશે ખૂબ જ વિચાર કર્યો કે જો હું તેના નિકાહ યઝીદ સાથે કરાવી દઉં (તો તેની દીની હાલત કેવી રહેશે?)

પછી હઝરત અબુ દરદા રદી અલ્લાહુ ‘અન્હુએ ઉપસ્થિત લોકોને સંબોધીને કહ્યું:

તમે વિચાર કરો, જો મેં યઝીદ સાથે મારી બેટીના નિકાહ કર્યા હોત તો પહેલી રાત્રે મારી બેટીનો શું હાલ થતે? જ્યારે તે યઝીદના આલીશાન મહેલમાં પ્રવેશતે અને તેની સામે અસંખ્ય નોકર-ચાકરો અને ખાદીમો ને જોતે, તે બેપનાહ માલ-ઓ-દૌલત ની ચમકદમક જોતે. ફક્ત આ વિચાર કરીને કે જો મારી દીકરીની પહેલી રાતની આ હાલત હશે, તો તે દુનિયાની ચમકદમક અને માલ-ઓ-દૌલત થી કેટલી મુતઅસ્સિર (પ્રભાવીત) થશે, તો તે દિવસે તેના દીનની શું હાલત હશે (તેથી જો તે દિવસે તેનો દીન જોખમમાં પડશે, તો પછી તેની આવનારી પૂરી જીદંગીનો શું હાલ થશે, તેથી જ મેં તેના નિકાહ યઝીદ સાથે ન કરાવ્યા, બલ્કે મૈં તેના માટે એક ગરીબ, દીનદાર માણસના રિશ્તાને કબૂલ કર્યો.)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …