જે અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી મોહબ્બત કરે છે

ગઝ્વ-એ-ખૈબરના મૌકા પર, નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું:

لأعطين الراية غدا رجلا يفتح على يديه، يحبّ الله ورسوله، ويحبّه الله ورسوله. في الغد، دعا رسول الله صلى الله عليه وسلم عليا وأعطاه الراية (من صحيح البخاري، الرقم: ٣٠٠٩)

આવતીકાલે, હું ઝંડો તે વ્યક્તિને આપીશ જેના હાથ પર (અલ્લાહ ત’આલા મુસલમાનો ને) ફતહ (વિજય) આપશે. તે વ્યક્તિ (જેને હું ઝંડો આપીશ) અલ્લાહ અને તેના રસૂલ થી મોહબ્બત કરે છે અને અલ્લાહ અને તેના રસૂલ તેના થી મોહબ્બત કરે છે. બીજે દિવસે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને બોલાવીને ઝંડો આપ્યો.

ગઝ્વ-એ-ખૈબરમાં હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુની બહાદુરી

ખૈબરના મૌકા પર જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ઇસ્લામનો ઝંડો અર્પણ કર્યો તો હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમ ના લશ્કર ની આગેવાની કરતા જઈને કિલ્લા કમૂસ તરફ રવાના થયા.

તેઓ કિલ્લાની નજીક પહોંચ્યા તો એક યહૂદી યોદ્ધો, જેનું નામ મરહબ હતુ, તેમને પડકાર ફેંકતો બહાર આવ્યો. મરહબ એક બહાદુર યોદ્ધો હતો જેની તાકાત અને બહાદુરી મશહૂર હતી.

તેથી જ્યારે મરહબ નો સામનો હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ અને મુસલમાનો થી થયો, ત્યારે તેણે નીચેના અશ’આર પઢીને જંગ માં તેની બહાદુરી અને હિંમત પર ફખર અને ગર્વ કર્યો:

قَدْ عَلِمَتْ خَيْبَرُ أَنِّيْ مَرْحَبُ

જાણે છે ખૈબરના લોકો સારી રીતે કે હું મરહબ છું.

شَاكِيْ السِّلَاحِ بَطَلٌ مُجَرَّبُ

હું સંપૂર્ણ રીતે સશસ્ત્ર છું, અનુભવી લડવૈયો છું.

إِذَا الْحُرُوْبُ أَقْبَلَتْ تَلَهَّبُ

જ્યારે લડાઈ શરૂ થાય છે અને યુદ્ધની જ્વાળાઓ ભડકે છે. (તે સમયે હું મારી સાચી તાકાત અને બહાદુરી બતાવું છું)

એમ કહીને તેણે મુસલમાનો ને પડકાર ફેંક્યો અને ચેલેન્જ કરી કે તેઓ આગળ આવીને તેનો મુકાબલો કરે.

તેના ચેલેન્જ ના જવાબમાં હઝરત આમિર બિન અકવા રદિ અલ્લાહુ ‘અન્હુ નિકળ્યા. હઝરત ‘આમીર રદિ અલ્લાહુ ‘અન્હુ મરહબ તરફ આગળ વધ્યા અને નીચે ઉલ્લેખિત અશ’આર પઢયા:

قَدْ عَلِمَتْ خَيْبَرُ أَنِّيْ عَامِرُ

જાણે છે ખૈબર ના લોકો સારી રીતે કે હું આમિર છું.

شَاكِيْ السِّلَاحِ بَطَلٌ مُغَامِرُ

હું સંપૂર્ણપણે સશસ્ત્ર છું, એક સાહસી વીર છું.

આ પછી, મરહબે હુમલો કર્યો અને મુકાબલો શરૂ કર્યો અને હઝરત ‘આમીર રદિ અલ્લાહુ’ અન્હુ પર તેની તલવારથી હુમલો કર્યો; પરંતુ હઝરત ‘આમીર રદિ અલ્લાહુ ‘અન્હુએ પોતાની ઢાલ વડે હુમલો રોક્યો. મરહબની તલવારનો માર એટલો જોરદાર હતો કે તે ઢાલની અંદર લાગી ગયો.

હઝરત ‘આમીર રદિ અલ્લાહુ ‘અન્હુએ આ તકનો લાભ લીધો અને મરહબને પોતાની ઢાલના નીચેથી પ્રહાર કર્યો; પણ તેમની તલવાર મરહબ ને ન લાગી; ઉલટાનું, તે તેની તરફ પાછી ફરી, જેના થી તેઓ ગંભીર રીતે જખમી અને ઘાયલ થઈ ગયા.

તે પછી હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ મરહબને ચેલેન્જ કરતા બહાર નીકળ્યા.

મરહબે ફરીથી એ જ અશ’આર પઢયા, જેના જવાબમાં હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુએ નીચે ઉલ્લેખિત અશ’આર પઢયા:

أَنَا الَّذِيْ سَمَّتْنِيْ أُمِّيْ حَيْدَرَهْ

હું એ જ છું જેનું નામ હૈદર રાખ્યું મારી મા એ.

كَلَيْثِ غَابَاتٍ كَرِيْهِ الْمَنْظَرَهْ

ભયાનક, ખૌફનાક જંગલી સિંહની જેમ છું.

أُوْفِيْهِمْ بِالصَّاعِ كَيْلَ السَّنْدَرَهْ

જ્યારે હું કોઈને બદલો આપું છું, ત્યારે હું તેને ભરપૂર માત્રામાં આપું છું.

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ પોતાને ‘અલી ના બદલે હૈદર (બબ્બર શેર) કહ્યું, તેનાં વિશે એક રિવાયત માં આવ્યું છે કે જ્યારે હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુનો જન્મ થયો ત્યારે તેમના વાલિદ (પિતા) અબૂ તાલિબ મક્કા મુકર્રમા ની બહાર સફર માં હતા; તેથી તેમની માતાએ તેમનું નામ હૈદર (એટલે કે બબ્બર શેર) રાખ્યું. તેમની માં એ તેમનું નામ તેમના વાલિદ ના નામ સમાન નામ હૈદર રાખ્યું. તેમના વાલિદનું નામ અસદ હતું.(અસદનો મતલબ શેર છે)

જ્યારે અબૂ તાલિબ મક્કા મુકર્રમા ના સફરથી પાછા ફર્યાં અને તેની બીવીએ તેને બતાવ્યું કે તેમણે તેમના બાળકનું નામ હૈદર રાખ્યું છે, ત્યારે અબુ તાલિબે પોતાના બેટાનું નામ બદલીને ‘અલી રાખ્યું. તે પછી હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ એ જ નામથી મશહૂર થઈ ગયા જે તેમના વાલિદે (પિતાએ) તેમને આપ્યું હતું. જે પણ હોય, આ મૌકા પર હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ એ તેમની વાલિદાએ (માતાએ) આપેલા નામનો ઉપયોગ કર્યો અને પોતાને હૈદર કહ્યા.

એક રિવાયત અનુસાર, મરહબે ગઈકાલે રાત્રે એક સ્વપ્ન જોયું કે સિંહે તેના પર હુમલો કર્યો અને તેનું બદન ફાડી નાખ્યું.

અલ્લામા ઝરકાની રહિમહુલ્લાહએ ઝિકર (ઉલ્લેખ) કર્યું છે કે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ને કશ્ફ થી (ખ્વાબ થી અથવા અન્ય કોઈ રીતે) તેના ખ્વાબ ની જાણ થઈ ગઈ હતી. આ જ કારણ છે કે તેમણે તેમના અશ’આર માં હૈદર નામનો ઉપયોગ કર્યો જેનો મતલબ થાય છે ખૂબ જ ભયંકર સિંહ અને તેમણે તેના ખ્વાબ તરફ ઈશારો કર્યો કે હું એ જ સિંહ છું જેને તે તારા ખ્વાબ માં જોયો હતો.

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુએ પોતાને ખૌફનાક શેર કહેવાનું કારણે, મરહબે મહસૂસ કર્યું કે તેના ખ્વાબે આ વાતની તરફ ઈશારો કર્યો છે કે તેનો અંત અને ખાત્મો હઝરત ‘અલી રદી અલ્લાહુ’ અન્હુની તલવારથી થશે; છેવટે ખૌફ અને ડર તેના પર સવાર થઈ ગયો અને તેની હિંમત તૂટી ગઈ.

પછી જ્યારે બંને વચ્ચે મુકાબલો શરૂ થયો ત્યારે હઝરત ‘અલી રદિઅલ્લાહુ અન્હુએ એક જ જટકા માં તેની ખોપડીના ટુકડા ટુકડા કરી નાખ્યા જ્યારે કે તે ખૈબરનો મશહૂર અને નામવર બહાદુર હતો. પછી અલ્લાહ ત’આલાએ તે કિલ્લાની જીત અને ફતહ હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુના હાથ પર આપી.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …