સૂરા લહબની તફસીર

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ‎﴿١﴾‏ مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ‎﴿٢﴾‏ سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ‎﴿٣﴾‏ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ‎﴿٤﴾‏ فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ‎﴿٥﴾‏

અબુ લહબના હાથ ટૂટી જાય અને તેનો સત્યાનાશ થાય (૧) ન તેનો માલ તેનાં કામ માં આવ્યો અને ના તો તેની કમાણી (૨) તે જલ્દી જ ભડકતી જ્વાળા વાળી આગ માં જશે (૩) અને તે જ રીતે તેની બીવી, ઈંધણ ના લાકડા ઉઠાવવા વાળી (૪) તેના ગળામાં એક કાથાનુ દોરડું હશે (૫)

શાને નુઝુલ

જ્યારે પયગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પર આ આયતે કરીમા -وأنذر عشيرتك الأقربين- (અને તમારા નજીકના સગાંઓને આખિરતનાં અઝાબ થી ડરાવો, જો તેઓ ઈમાન ન લાવે) નાઝીલ થઈ, તો આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કોહે સફા પર ચઢી ગયા અને કુરૈશનાં મુખ્તાલિફ કબીલાઓને “યા બની અબ્દે મનાફ, યા બની અબ્દીલ મુત્તલિબ” વગેરે નામો સાથે અવાજ લગાવી.

જ્યારે કુરૈશના વિવિધ કબીલાના લોકોએ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ તેમને સાંભળવા એકઠા થઇ ગયા.

આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમને સંબોધીને ફરમાવ્યું:

જો હું તમને ખબર આપું કે આ પહાડની તળેટીમાં દુશ્મનો છે જે તમારા પર હુમલો કરવા માંગે છે, તો શું તમે લોકો મારાં સાચા હોવાની પુષ્ટી કરશો?

બધાએ એકસાથે કહ્યું કે અમે ચોક્કસપણે તમારા સાચા હોવાની ખરાઈ કરશું કારણ કે અમે તમને ક્યારેય જૂઠું બોલવા વાળા અને ખિયાનત કરવા વાળા જોયા નથી.

પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેઓને ફરમાવ્યું કે જો તમે મારી દાવત (ફક્ત એક અલ્લાહ ને ખુદા માનવાને અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને અલ્લાહ નાં રસૂલ માનવાને) કબૂલ ન કરશો, તો હું તમને આખિરતનાં સખત અઝાબ થી ડરાવું છું.

જ્યારે અબુ લહબ (રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના કાકા) એ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની આ વાત સાંભળી, તો તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને સંબોધીને કહ્યું: تبا لك ألهذا جمعتنا (સત્યાનાશ થાય તારો, શું તે અહીંયા અમને આ વાત માટે ભેગા કર્યા હતા?)

આ અવસર પર આ સુરત નાઝીલ થઈ.

આ સૂરતમાં અલ્લાહ ત’આલાએ અબુ લહબ માટે બદ-દુઆના તે જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે તેણે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે વાપર્યા હતા.

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ‎﴿١﴾‏ 

અબૂ લહબના હાથ તૂટી જાય અને તે બરબાદ થઈ જાય (૧)

આ આયતમાં “યદ” લફઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “યદ” લફઝનો અસલ‌ મા’ના (અર્થ) હાથ છે.

હાથનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે ઈન્સાન નાં કામ પૂરા કરવામાં હાથનો મોટો દખલ છે; તેથી, અલ્લાહ ત’આલાએ આ આયતે કરીમામાં હલાકત અને બરબાદી ને અબૂ લહબના હાથ તરફ સંબંધિત કરી છે.

ઘણી વખત અરબી જબાન માં “યદ” લફઝ બોલવામાં આવે છે; પરંતુ મકસદ તેના થી માથા થી પગ સુધી પૂરે પૂરો ઈન્સાન હોય છે; તેથી, આ આયતે કરીમામાં અબૂ લહબના હાથનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ તેના થી મકસદ તેનું આખું જીસ્મ છે; કારણ કે તેનું આખું શરીર ‘અઝાબ ભોગવશે અને જહન્નમ ની આગમાં બળશે.

આ આયતમાં “યદ” લફઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “યદ” લફઝનો અસલ‌ મા’ના (અર્થ) હાથ છે.

હાથનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે ઈન્સાન નાં કામ પૂરા કરવામાં હાથનો મોટો દખલ છે; તેથી, અલ્લાહ ત’આલાએ આ આયતે કરીમામાં હલાકત અને બરબાદી ને અબૂ લહબના હાથ તરફ સંબંધિત કરી છે.

અબૂ લહબનો ખરાબ અંજામ

અબૂ લહબ લગાતાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ગાળો આપતો રહ્યો, અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું અપમાન કરતો રહ્યો, અને લોકોમાં દીનને ફેલાવવા બદલ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો મજાક ઉડાવતો રહ્યો અને બુરાઈ કરતો રહ્યો ; પરંતુ અલ્લાહ ત’આલાએ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ઈજ્જત અને ગરિમાની હિફાજત કરી અને કુરાન શરીફ માં અબૂ લહબ પર લાનત મોકલી.

જેમ કે, આપણે જોઈએ છીએ કે આ સૂરત નાઝીલ થયા પછી પણ અબૂ લહબ તેના ખરાબ કામો થી પાછો ન હટ્યો અને તે લગાતાર રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને મુસલમાનોને તકલીફ પહોંચાડતો રહ્યો અને ઈસ્લામ ના મિશનને ખતમ કરવાનો પ્રયાસ કરતો રહ્યો.

બીજી તરફ એવું થયું કે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમના વિરોધ અને મુખાલફતને કારણે અબુ લહબની મુસીબતો અને પરેશાનીઓ વધવા લાગી; ત્યાં સુધી કે, ગઝ્વ-એ-બદર નાં સાત દિવસ પછી તાઉન ની ગિલ્ટી નિકળી જેના થી ઘા તેના આખા શરીરમાં ફેલાઈ ગયો.

તેના ઘરવાળાઓ અને બાળકોએ તેને અલગ કરી નાખ્યો; ત્યાં સુધી કે કોઈ તેની નજીક જવા પણ માંગતું ન હતું અને અંતે તે અપમાન અને ઝિલ્લત સાથે લાચાર અવસ્થામાં મરી ગયો.

મરવા પછી તેની લાશ આમ જ પડી રહી; ત્યાં સુધી કે તેની લાશ સડવા લાગી. તેની બીમારીને કારણે કોઈ પણ તેની લાશ ને હાથ લગાડવા તૈયાર ન હતું.

આખરે ગ્રામ વાળાઓ એ હઠ કરી કે તેની લાશ ને ક્યાંક ફેંકી દેવામાં આવે; તેથી, કેટલાક ગુલામોને ભાડે રાખવામાં આવ્યા; જેથી તેઓ ખાડો ખોદીને તેની લાશને તેમાં નાખી દે.

પરંતુ ગુલામોમાં પણ તેની લાશ ને હાથ લગાડવાની હિંમત ન હતી; આથી તેઓએ એક લાકડી વડે તેની લાશને ખાડામાં ફેંકી દીધી અને ઉપર થી પથ્થર ફેંકી દીધો.

આ તે મુસીબત અને બદનામી હતી જે તેને આ દુનિયામાં સહન કરવી પડી અને આખિરતમાં જે સજા અને ‘અઝાબ ભોગવશે તે આના કરતા પણ વધુ દર્દનાક અને ખરાબ હશે, જેવી રીતે કે આ સૂરત માં બયાન કરવામાં આવ્યું છે.

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ‎﴿٢﴾‏

ન તેની સંપત્તિ તેના કામમાં આવી અને ન તેની કમાણી (તેના કામમાં આવી).

અબૂ લહબ હંમેશા તેની સંપત્તિ પર ખૂબ ઘમંડ કરતો હતો અને તેની ઔલાદ પર ગર્વ કરતો હતો જે તેની મદદ‌ અને સહાયતા કરતી હતી.

તે કહેતો હતો કે જ કંઈપણ મુહમ્મદ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ) કહે છે કે મને આખિરતમાં સજા થશે જો તે વાત સાચી હોય તો પણ મારે તેની ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે આખિરતમાં મારી સંપત્તિ અને મારો માલ મને કામ આવશે અને મારી ઔલાદ મારી મદદ કરવા હાજર રહેશે.

અલ્લાહ ત’આલાએ આયતે કરીમામાં તેની વાહિયાત સોચ અને વિચાર નો જવાબ આપતા ઈર્શાદ ફરમાવ્યું કે આખિરતમાં ન તેનો માલ અને સંપત્તિ તેના કામમાં આવશે અને ન તો તેની ઔલાદ તેને નફો પહોંચાડી શકશે, કારણ કે તેઓ તેને આખિરતના હંમેશાના અઝાબ થી બચાવી શકશે નહીં.

છેવટે, આ દુનિયા છોડી ને જતા પહેલાં જ, અલ્લાહ તઆલાએ તેને અઝાબ નો એક નમૂનો ચખાડ્યો જેનો તેણે આખિરતમાં સામનો કરવો પડશે; જ્યારે તે મરવાની અણી પર આવ્યો ત્યારે તેને માલ અને ઔલાદની સખત જરૂર હતી, પરંતુ તે સમયે આ વસ્તુઓ (એટલે કે માલ અને ઔલાદ) તેની પાસે ન હતી.

તેથી, તેની છેલ્લી બિમારી દરમિયાન, જે સમયે તે તેની મૃત્યુ પથારીએ હતો, તે ટાઈમ પર તેની પાસે કોઈ હાજર ન હતું; તેના બદલે બધાએ તેને એકલો છોડી દીધો હતો; જેથી તે લાચારીની હાલતમાં એકલો મરી જાય.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ‎﴿٣﴾‏ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ‎﴿٤﴾‏

તે જલ્દી જ ભડકતી જ્વાળા વાળી આગ માં જશે (૩) અને તે જ રીતે તેની બીવી, ઈંધણ ના લાકડા ઉઠાવવા વાળી (૪)

અબુ લહાબની બીવી, ઉમ્મે જમીલ, તેના શૌહરની જેમ, નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની સખ્ત અને કટ્ટર દુશ્મન હતી અને તે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ અને ઇસ્લામ ના ખિલાફ (વિરુદ્ધ) તેના શૌહરને સંપૂર્ણ સમર્થન અને મદદ કરતી હતી.

તેથી આ આયતે કરીમામાં અલ્લાહ ત’આલાએ તેને પણ આખિરતની આકરી સજા થી ડરાવી છે, જે તે ભોગવશે.

અલ્લાહ તઆલાએ તેને “حمالة الحطب” (ઈંધણ ના લાકડા ઉઠાવનારી) કહ્યું છે.

કેટલીક રિવાયતમાં આવ્યું છે કે તે જંગલમાંથી કાંટાવાળા લાકડા લાવતી હતી અને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમના રસ્તામાં નાંખી દેતી હતી; જેથી કરીને આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમને તકલીફ પહોંચે. આ “حمالة الحطب” એક તફસીર છે.

“حمالة الحطب” નો બીજી તફસીર આ છે કે જે કેટલાક મુફસ્સિરીન નકલ કરવામાં આવી છે તેઓ ફરમાવે છે કે “حمالة الحطب” અરબી ભાષામાં એક મહાવરો (રૂઢિપ્રયોગ) છે અને તેનો ઉપયોગ એવા વ્યક્તિ માટે થાય છે કે જે ચુગલ-ખોરી થી લોકોના દરમિયાન નફરત અને દુશ્મનાવટની આગને ભડકાવે છે.

તેથી, ઉમ્મે જમીલને આ બિરુદ એટલા માટે મળ્યું કારણ કે તે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમના વિશે બેબુનિયાદ વાતો અને કિસ્સાઓ બયાન કરતી હતી અને આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ના ખિલાફ નફરત ફેલાવતી હતી.

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ‎﴿٥﴾‏

તેના ગળામાં એક કાથાનુ દોરડું હશે (૫)

કયામતના દિવસે તેને એવી હાલતમાં ઉઠાવવામાં આવશે કે તેના ગળામાં કાથાનુ દોરડું બાંધેલું હશે.

તે કાથાનુ દોરડું હકીકતમાં જહન્નમની સાંકળ અને લોખંડની તૌક હશે.

(તૌક = ગુનેગારો વગેરેના ગળામાં પહેરવામાં આવતી લોખંડની ભારે વીંટી જેના કારણે તેઓ અહીં કે ત્યાં હટી શકતા નથી અથવા ભાગી શકતા નથી)

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …