નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ અને હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ વચ્ચે ગાઢ સંબંધ

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ફાતિમા રદિ અલ્લાહુ ‘અન્હાને ફરમાવ્યું:

إني وإياك وهذا النائم – يعني عليا – وهما – يعني الحسن والحسين – لفي مكان واحد يوم القيامة (أي في الجنة) (المستدرك للحاكم، الرقم: ٤٦٦٤)

કયામતના દિવસે જરૂર હું અને તું અને આ માણસ જે અહીં સૂઈ રહ્યો છે (હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ તરફ ઈશારો કર્યો) અને આ બંને ને (નવજુવાન છોકરાઓ – હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ ‘અન્હુમા ની તરફ ઈશારો કર્યો) એક જગ્યાએ એકઠા કરવામાં આવશે. (એટલે ​​કે આપણે બધા જન્નતમાં સાથે ભેગા થઈશું).

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમના દિલમાં હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે બેપનાહ મહોબ્બત

હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ ફરમાવે છે:

એકવાર હું બીમાર થઈ ગયો.તો જ્યારે હું બીમાર હતો ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ મારી મુલાકાત માટે તશરીફ લાવ્યા.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ મારા ઘરમાં દાખલ થયા ત્યારે હું આરામ કરવા માટે આડો પડેલો હતો. મને તે હાલતમાં જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ‌ મારી કરીબ આવ્યા અને જે ચાદર આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પોતાની ઉપર ઓઢી હતી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે તેને ઉતારીને મને ઓઢાડી દીધી.

જ્યારે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે મારી કમજોરી જોઈ, તો આપ ઊભા થયા, મસ્જિદે ગયા અને ત્યાં થોડી નફલ નમાઝ પઢી. નફલ નમાઝ અદા કર્યા પછી, આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે અલ્લાહ ત’આલા થી મારી તંદુરસ્તી અને શિફા માટે ખાસ દુઆ કરી.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ મારી પાસે તશરીફ લાવ્યા અને મારા બદન પરથી તેમની ચાદર લીધી અને મને સંબોધીને ફરમાવ્યું: એ અલી! ઉભા થઇ જાઓ! કારણ કે તમે સાજા (તંદુરસ્ત) થઈ ગયા છો.

તેથી હું ઉભો થયો તો હું એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હતો. મેં પોતાની જાતને એવી જોઈ કે મારી અંદર કોઈ પણ જાતની બીમારી કે કમજોરી નું નામો‌ નિશાન બાકી ન રહ્યુ.

પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: જ્યારે પણ મેં અલ્લાહ ત’આલાને દુઆ કરી, ત્યારે અલ્લાહ ત’આલાએ મારી દુઆ કબૂલ કરી અને મેં જે પણ માંગ્યું તે મને આપ્યું, અને (આ મૌકા પર) જે કંઈ પણ મેં મારા માટે માંગ્યું મેં તે જ વસ્તુ તમારી માટે પણ માંગી (અને મેં ખાસ કરીને તમારી શિફા અને તંદુરસ્તી માટે દુઆ કરી).

આ વાકિઆ પરથી આપણે સારી રીતે અંદાજો લગાવી શકીએ છીએ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમના દિલમાં હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુ માટે કેટલી બધી મહોબ્બત હતી.

એવી જ રીતે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમના મુબારક અમલ (કામ) થી, આપણે આ સબક લઈએ છીએ કે જ્યારે આપણે બીમાર થઈ જાય, ત્યારે આપણે અલ્લાહ ત’આલા તરફ રુજુ’ કરવું (વળવું) જોઈએ, અલ્લાહ ત’આલા થી દુઆ કરવી જોઈએ અને તેની પાસે તંદુરસ્તી માંગવી જોઈએ ; કારણ કે દરેક વસ્તુ અલ્લાહ ત’આલાની કુદરત અને કબજામાં છે.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …