જે વ્યક્તિ એવા લોકોને નસીહત કરે છે જેઓ દીનથી દૂર છે અને તેમની પાસે દીનની યોગ્ય સમજ નથી, તો તેના માટે જરૂરી છે કે તે તેમની સાથે નરમી થી અને હળવાશ થી વાત કરે. નરમીથી વાત કરવાની સાથેસાથે તેને જોઈએ કે તે કોઈ પણ રીતે તેમને નીચા ન પાડે અને તેમને શર્મિંદા ન કરે.
લોકો સાથે નરમીથી વાત કરવું અને તેમને શર્મિંદા ન કરવું એ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો મુબારક તરીકો અને અંબિયા-એ-કિરામ ‘અલયહીમુસ્સલામ નો મસ્નૂન તરીકો હતો.
સહાબાએ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ અને આપણા બુઝુર્ગાને કિરામ રહીમહુલ્લાહુ ‘ઐલહિમ પણ જ્યારે લોકોને ઇસ્લામ ની દાવત આપતા અથવા તેમને અથવા તેમને નસીહત કરતા અથવા તેમની ઈસ્લાહ કરતા, ત્યારે તેઓ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ અને અંબિયા-એ-કિરામની આ મુબારક સુન્નત પર ‘અમલ કરતા હતા.
ફિર’ઔન ને ઈસ્લામ ની દાવત આપવું
જ્યારે અલ્લાહ ત’આલાએ હઝરત મુસા અને હઝરત હારૂન ‘ઐલહિમુસ્સલામને હુકમ આપ્યો કે તેઓ ફિર’ઔન ની પાસે જાય અને તેને ઇસ્લામની દાવત આપે, ત્યારે અલ્લાહ ત’આલાએ નરમાશથી વાત કરવાનો હુકમ આપ્યો.
અલ્લાહ ત’આલા નું ફરમાન છે:
فَقُولَا لَهُ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشَىٰ
તમે બંને, તેની સાથે (ફિર’ઔન સાથે) હળવાશથી વાત કરજો, કદાચ તે નસીહત કબૂલ કરી લે અથવા (અલ્લાહથી) ડરી જાય.
આ વાત ધ્યાન દેવા ને કાબિલ અને નોંધનીય છે કે ફિર’ઔને ખુદા હોવાનો દાવો કર્યો હતો, જે સૌથી મોટો ગુનો છે, તેમ છતાં અલ્લાહ ત’આલાએ હઝરત મુસા અને હઝરત હારુન ‘અલયહીમુસલ્લામ ને હુકમ આપ્યો કે જ્યારે તેઓ તેને દીનની દાવત આપે ત્યારે તેઓ નરમી અને સભ્યતા થી વાત કરે.
ખલીફા હારૂન રશીદ રહિમહુલ્લાહની એક વ્યક્તિને નસીહત કરવી
ખલીફા હારૂન રશીદ રહિમહુલ્લાહ વિશે એક ઘટના બયાન કરવામાં આવી છે કે એક માણસ તેમની પાસે આવ્યો અને લોકોની સામે તેમની સાથે કઠોર અને સખ્ત લહેજા માં વાત કરી અને તેમને કહ્યું: એ હારૂન! અલ્લાહ થી ડર.
જ્યારે હારુન રશીદ રહિમહુલ્લાહ એ તે માણસનું સખ્ત વર્તન (વર્તાવ) જોયું, ત્યારે તે તેને નસીહત કરવા માટે એક બાજુ લઈ ગયા અને તેને કહ્યું:
એ ફલાણા! મારી સાથે ઈન્સાફ કરો! મને બતાવો, હું વધારે ખરાબ છું કે ફિર’ઔન વધારે ખરાબ હતો?
તેણે જવાબ આપ્યો: ફિર’ઔન તમારા કરતા વધારે ખરાબ હતો.
તે પછી, હારુન રશીદ રહિમહુલ્લાહએ તેમને પૂછ્યું: શું તમે બેહતર અને સારા છો કે નબી મુસા ‘ઐલહિસ્સલામ બેહતર છે?
તે માણસે જવાબ આપ્યો: નબી મુસા ‘ઐલહિસ્સલામ મારા કરતા ઘણા સારા છે.
પછી ખલીફા હારુન રશીદ રહિમહુલ્લાહએ તેને કહ્યું:
શું તમે નથી જાણતા કે જ્યારે અલ્લાહ ત’આલાએ હઝરત મુસા ઐલહિસ્સલામ અને તેમના ભાઈ હારૂન ઐલહિસ્સલામને ફિર’ઔન પાસે મોકલ્યા ત્યારે અલ્લાહ ત’આલાએ તેમને ફિર’ઔન સાથે હળવાશ અને નરમાશથી વાત કરવાનો હુકમ આપ્યો. આની વિપરીત અને ખિલાફ તમે લોકોની સામે મારી સાથે સખ્ત લહેજામાં વાત કરી અને તમે તે તરીકો ન અપનાવ્યો જેનો અલ્લાહ ત’આલાએ હઝરત મુસા ઐલહિસ્સલામ અને હઝરત હારૂન ઐલહિસ્સલામને હુકમ આપ્યો હતો અને ન તમે અલ્લાહ ત’આલાના નેક બંદાઓના ઉમદા અખ્લાકને અપનાવ્યા.
એ વ્યક્તિ એક મુખ્લિસ માણસ હતો; તેથી તેણે પોતાની ભૂલ કબૂલ કરી અને હારૂન રશીદ રહિમહુલ્લાહ પાસે માફી માંગી અને તેને કહ્યું: મારાથી ભૂલ થઈ ગઈ. હું અલ્લાહ ત’આલા પાસે મગફિરત તલબ કરું છું.
હારુન રશીદ રહિમહુલ્લાહએ આ વ્યક્તિ માટે પોતાના દિલમાં કોઈ મેલ ન રાખ્યો અને તેને આ કહીને તરત જ માફ કરી દીધો કે અલ્લાહ ત’આલા તને માફ કરે.
તે પછી, હારુન રશીદ રહિમહુલ્લાહએ હુકમ આપ્યો કે આ વ્યક્તિને હદિયા તરીકે વીસ હજાર દિરહમ આપવામાં આવે; પરંતુ તેણે તે લેવાની ના પાડી.
આના પરથી આપણને માલૂમ પડે છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને નસીહત કરે અથવા તેની ઈસ્લાહ કરીએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે તો હઝરત મુસા ઐલહિસ્સલામથી મોટા નથી અને હું જેને નસીહત કરું છું તે ફિરઆનથી વધારે ખરાબ નથી. તેથી, આપણે તેની સાથે નરમ અને હળવે રહીને વાત કરવી જોઈએ અને તેને કોઈપણ રીતે નીચો દેખાડવાની કોશિશ કરવી જોઈએ નહીં.