કયામતની નિશાનીઓ – ૪

કયામતની દસ મોટી નિશાનીઓ

જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે.

કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના સમાચાર આપશે. મુહદ્દીસીન-એ-કિરામે ઉલ્લેખ કર્યો છે કે ઇમામ મહદી રદી અલ્લાહુ ‘અન્હુ લોકોની સામે આવશે એ કયામતની સૌથી પહેલી મોટી નિશાની હશે.

કયામતની મોટી નિશાનીઓમાં થી દસ નિશાનીઓ છે જેને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે નીચેની હદીસમાં બયાન કરી છે. જો આપણે આ સંકેતો અને નિશાનીઓ પર ઉંડાણપૂર્વક અભ્યાસ કરીએ, તો આપણને માલૂમ પડે છે કે આ ઘટનાઓ એટલી મોટી અને અસાધારણ (ગૈર મામૂલી) હશે કે તેનો અસર પૂરી દુનિયા અથવા દુનિયા નાં એક મોટા હિસ્સા પર પડશે.

હઝરત હુઝૈફા બિન ઉસૈદ ગિફારી રદી અલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે:

“એકવાર નબી એ કરીમ સલ્લલ્લાહુ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ અમારી પાસે તશરીફ લાવ્યા જ્યારે અમે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પૂછ્યું, “તમે કઈ વાત બાબતે ચર્ચા કરી રહ્યા છો?” અમે જવાબ આપ્યો કે અમે કયામત વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ સાંભળીને, આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી તમે તેના થી પહેલા દસ મોટી નિશાનીઓ ન જોઈ લો.

પછી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે તે દસ મોટી નિશાનીઓનો ઉલ્લેખ કર્યો: ધુમાડો ( એક પ્રકારનો ધુમાડો જે આકાશમાંથી જમીન પર ઉતરશે, જેના કારણે મુસલમાન ને ફક્ત દિમાગ-ઓ-હવાસ ની કદુરત અને શરદી થશે અને કાફિર બેભાન થઈ જશે.) દજ્જાલનું બહાર આવવું, દાબ્બત-ઉલ-અરઝ નું નીકળવું પશ્ચિમમાંથી સૂરજ નું ઊગવું, હઝરત ઈસા ઐલહિ અસ્સલામ નું ઉતરવું, યાજુજ માજુજ નું બહાર આવવું, અને જમીન નું ત્રણ જગ્યા પર ધસી જવું – એક પૂર્વમાં, બીજું પશ્ચિમમાં અને ત્રીજું જઝીરતુલ-અરબમાં અને છેલ્લી નિશાની એ હશે કે યમનમાંથી એક આગ નીકળશે, જે લોકોને મેદાન-એ-હશર (સીરિયા) તરફ લઈ જશે.”

આ હદીસમાં દર્શાવેલ દસ મોટી નિશાનીઓમાંથી, સૌથી પહેલી નિશાની જે આવશે તે દજ્જલનું નીકળવું છે.
(દાબ્બત-ઉલ-અરઝ=તે વિચિત્ર પ્રાણી, જે કયામતના નજીક સફા પહાડ થી પૈદા થશે અને લોકો સાથે વાત કરશે)

દજ્જાલનું નિકળવું

હદીસ શરીફમાં આવ્યું છે કે દુનિયાની પૈદાઈશ થી લઈને કયામત આવવા સુધી દજ્જાલનો ફિત્નો આવનારા તમામ ફિત્નામાં સૌથી મોટો ફિત્નો હશે.

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું:

હઝરત આદમ ‘અલૈહિસ્સલામ ના જન્મથી કયામત સુધી દજ્જાલના ફિત્નાથી વધીને કોઈ ફિત્નો નહીં હશે.

જ્યારે દજ્જાલ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમની ઉમ્મતમાં જાહેર થશે, તો આપની ઉમ્મતે સૌથી મોટા ફિત્નાનો સામનો કરવો પડશે.

દજ્જાલની ફિત્નો કેટલો મોટો અને ખતરનાક હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક નબી એ પોતાની ઉમ્મત ને દજ્જાલ અને તેના ફિત્ના વિશે ખબરદાર કર્યા છે.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુમા થી રિવાયત છે કે, એકવાર નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું:

બેશક, હું તમને દજ્જાલ વિશે ચેતવણી આપું છું, અને કોઈ નબી  દુનિયામાં તશરીફ નથી લાવ્યા; પરંતુ તેમણે પોતાની ઉમ્મતને દજ્જાલથી ડરાવ્યા છે. હઝરત નૂહ ‘અલૈહિસ્સલામે પણ પોતાની ઉમ્મતને દજ્જાલથી ચેતવી છે; જો કે, હું તમને દજ્જાલ વિશે એવી વાત બતાવુ છું, જે કોઈ પણ નબી એ તેમની ઉમ્મત ને નથી બતાવી: તમે જાણો છો કે દજ્જાલ કાણો હશે અને અલ્લાહ ત’આલા ચોક્કસપણે કાણા નથી.

દજ્જાલ કોણ છે?

કેટલાક લોકો માને છે કે દજ્જાલ એક ‘આલમી નિઝામ (આંતરરાષ્ટ્રીય સિસ્ટમ) છે. અન્ય લોકોનો મત છે કે દજ્જાલ એક જીન છે અને ત્રીજો અભિપ્રાય એ છે કે દજ્જાલ ઈન્સાન અને જીનનું સંયોજન છે. આ બધા મંતવ્યો (દૃષ્ટિકોણ, વિચાર) ખોટા છે.

જો કે, અહલે સુન્નત વલ જમાતનો ‘અકીદા છે કે દજ્જાલ એક ખાસ ઈન્સાન છે, જે એક નિયત સમયે દુનિયામાં જાહેર થશે અને દુનિયામાં મોટો ફિત્નો ઊભો કરશે.

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અહલે સુન્નત વલ જમાતના અકીદા ઘણી સાચી હદીસો દ્વારા સાબિત છે.

ઇન્શાઅલ્લાહ, આવનારા પ્રકરણમાં અમે તે હદીસોને બયાન કરીશું જેના થી અહલે સુન્નત વલ જમાતનો અકીદો સાબિત થાય છે.

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …