
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની ઇતાઅત
(ઇતાઅ઼ત = ખુશી-ખુશી કહેવું માનવું.)
એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ મિમ્બર પર તશરીફ લઈ ગયા અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને બેસવાનો હુકમ કર્યો. જે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમ મસ્જિદમાં હાજર હતા, તેઓ તુરંત બેસી ગયા.
તે વખતે હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મસ્જિદની બહાર હતા; પરંતુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો હુકમ સાંભળીને તેઓ મસ્જિદમાં દાખલ થયા વગર તરતજ ત્યાં જ બેસી ગયા એટલે કે તેમણે એવું ન વિચાર્યું કે આ હુકમ ફક્ત તે લોકો માટે છે, જે મસ્જિદની અંદર છે.
સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમ હંમેશાં મોતને પોતાની નજર સામે રાખતા; તેથી હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ વિચાર્યું કે જો મસ્જિદમાં દાખલ થતા પહેલાં જ મારો ઇંતિકાલ થઈ જાય, અને કાલે કિયામતના દિવસે અલ્લાહ તઅ઼ાલા મને સવાલ કરે કે જ્યારે તમે મારા નબી સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો હુકમ સાંભળ્યો હતો કે તેમણે તમને બેસવાનો હુકમ કર્યો હતો, તો તમે તેમની ઇતાઅ઼ત કેમ ન કરી? તેથી, આ જ ખ્યાલથી હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તરત જ ત્યાં બેસી ગયા.
જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમને મસ્જિદની બહાર બેઠેલા જોયા, તો આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “એ ઇબ્ને-મસઊ઼દ! અંદર આવી જાઓ.”
હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે સહાબા-એ-કિરામની ઇતાઅત વ ફરમાંબરદારીનો આ જ દરજ્જો હતો. આની સાથે-સાથે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમના દિલમાં હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે જે મોહબ્બત અને અ઼કીદત હતી, તે સૌથી બુલંદ દરજાની મોહબ્બત અને અકીદત હતી.
દુરૂદ વ સલામ મોકલવાનો ફરીઝો
જેવી રીતે મોમિનને જોઈએ કે તે હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે મોહબ્બત, અકીદત અને ઇતાઅતનો ફરીઝો અદા કરે, તેવી જ રીતે તેને જોઈએ કે તે હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ અને સલામ મોકલવાનો ફરીઝો પણ અદા કરે.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે કિયામતના દિવસે મારી સાથે સૌથી વધારે કરીબ તે લોકો હશે, જેમણે (દુનિયાવી જિંદગીમાં) મારા પર સૌથી વધારે દુરૂદ મોકલ્યું છે.
મોમિનને જોઈએ કે તે દરરોજ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલે; અલબત્તા જુમાના દિવસે તેણે વધુમાં વધુ દુરૂદ મોકલવું જોઈએ; કેમ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે અમને જુમાના દિવસે વધુમાં વધુ દુરૂદ મોકલવાનો હુકમ આપ્યો છે.
હઝરત અબૂ-ઉમામા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે દરેક જુમાના દિવસે મારા પર કસરતથી દુરૂદ મોકલ્યા કરો; કેમ કે દરેક જુમાના દિવસે મારી સામે મારી ઉમ્મતનું દુરૂદ પેશ કરવામાં આવે છે; તેથી જે મારા પર સૌથી વધારે દુરૂદ મોકલશે, તો (કિયામતના દિવસે) તે મારા થી મકામ અને મર્તબાના લિહાઝથી સૌથી નજદીક હશે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી