شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله صلى الله عليه وسلم للرجل:
لا تؤذ رجلا من أهل بدر، فإن أحدكم لو أنفق مثل أُحُد ذهبا، ما أدرك مد أحدهم (مما أنفقوا في سبيل الله) ولا نصيفه (من صحيح مسلم، الرقم: ٢٥٤١، المعجم الصغير، الرقم: ٥٨٠)
એકવાર હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને એક શખ્સની શિકાયત કરી જેણે તેમને તકલીફ આપી હતી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે શખ્સને ફરમાવ્યું:
ગઝ્વ-એ-બદરમાં ભાગ લેનાર આદમીને તકલીફ ન આપો. તેમની હાલત એવી છે કે જો તમે દીન ખાતર ઉહુદ પહાડ જેટલું સોનું પણ ખર્ચ કરી દો; તો પણ તમે તે લોકોના એક મુદ ના બરાબર (સવાબ) મેળવી શકશો નહીં, જે તેમણે અલ્લાહની રાહમાં ખર્ચ કર્યા, બલ્કે તમે તેમના અડધા મુદ બરાબર પણ સવાબ હાસિલ કરી શકશો નહીં, જે તેમણે અલ્લાહની રાહમાં ખર્ચ કર્યા.
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ પર ખલીફા નિયુક્ત કરવાની જવાબદારી
દુનિયાએ-ફાની છોડવા પહેલા હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ છ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમની એક જમાઅત બનાવી હતી, જેમાં છ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ નીચે મુજબ હતા: હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ, હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ, હઝરત ઝુબૈર રદ઼િયલ્લાહુ અન્હુ, હઝરત તલ્હા રદ઼િયલ્લાહુ અન્હુ, હઝરત સા’દ રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ.
આ છ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ વિશે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે હું આ છ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ કરતાં વધુ કોઈને ખિલાફત માટે લાયક નથી સમજતો કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ દુનિયાથી એવી હાલતમાં રુખ્સત થયા કે આપ આ છ સહાબા-એ-કિરામથી ખૂબ જ ખુશ અને રાજી હતા.
જ્યારે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુનો ઇન્તિકાલ થયો ત્યારે હઝરત મિક઼્દાદ બિન અસ્વદ રદ઼િયલ્લાહુ અન્હુએ આ હઝરાતને હઝરત મિસ્વર બિન મખ્રમા રદ઼િયલ્લાહુ અન્હુના ઘરે ભેગા કર્યા. આ હઝરાત નિર્ણય કરવા ઘરની અંદર બેઠા અને હઝરત અબૂ-તલ્હા રદ઼િયલ્લાહુ અન્હુ દરવાજા પર બેસી ગયા ; જેથી કરીને કોઈ તેમની પાસે ન જાય અને કામમાં દખલગીરી ન કરે.
શૂરાના લોકો આ વાત પર સંમત થયા કે તેમાંથી ત્રણ તેમનો હક શૂરાના કોઈ અન્ય સાથીને ટ્રાન્સફર કરી દે; તેથી હઝરત ઝુબૈરે રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુને ટ્રાન્સફર કર્યો. હઝરત સા’દ રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુને, અને હઝરત તલ્હા રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને.
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ પણ આ શરતે પોતાનો હક છોડવા માટે રાજી થયા કે આ બે હઝરાત (હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ) તેમાંથી કોઈ એકને ખલીફા તરીકે નિયુક્ત કરવાની ઇજાઝત આપે; હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુએ તેમની ઓફર કબૂલ કરી અને તેમના ફૈસલાને દિલથી કબૂલ કરવાનો વાદો કર્યો, જેના પછી શૂરાના લોકો ચાલ્યા ગયા.
પછીના ત્રણ દિવસ અને રાત સુધી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ મદીના-મુનવ્વરાના લોકો પાસે ગયા અને તેમને પૂછ્યું કે બેમાંથી કોને ખલીફા બનાવવામાં આવે.
આ ત્રણ દિવસ અને રાત દરમિયાન, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ ખૂબ ઓછી ઊંઘ લીધી; તે નમાઝ, દુઆ, ઇસ્તિખારા અને લોકોની સાથે મશવરહ કરવામાં મશ્ગૂલ રહ્યા.
ત્રણ દિવસ અને રાત પછી, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તેમના ભત્રીજા હઝરત મિસ્વર બિન મખ્રમા રદ઼િયલ્લાહુ અન્હુના ઘરે આવ્યા. જ્યારે તે ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે હઝરત મિસ્વર બિન મખ્રમા રદ઼િયલ્લાહુ અન્હુ સૂઈ ગયા છે. હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ તેમને જગાડ્યા અને કહ્યું, ઓ મિસ્વર! શું તમે સૂઈ રહ્યા છો? અલ્લાહની કસમ! મૈં ત્રણ દિવસથી ઘણી ઓછી ઊંઘ લીધી છે.
પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ તેમને કહ્યું કે જાઓ અને હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને બોલાવો. હઝરત મિસ્વર રદ઼િયલ્લાહુ અન્હુએ પૂછ્યું: પહેલા કોને બોલાવું? હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: તમે જેને ચાહો તેને પહેલા બોલાવો.
હઝરત મિસ્વર રદ઼િયલ્લાહુ અન્હુ પછી હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તેમને બોલાવી રહ્યા છે; તેથી તેઓ તેની સાથે ગયા.
જ્યારે ત્રણેય હઝરાત, હઝરત મિસ્વર રદ઼િયલ્લાહુ અન્હુના ઘરે પહોંચ્યા તો તેઓએ જોયું કે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ નમાઝ પઢી રહ્યા છે.
જ્યારે તેઓ નમાઝથી ફારિગ થયા તો હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુની તરફ મુખ કરીને ફરમાવ્યું કે મેં લોકોને તમારા વિશે પૂછ્યું તો મને એવુ કોઈ નથી મળ્યુ કે જે તમારા બંનેથી દરજ્જાની દ્રષ્ટિએ બીજા કોઈને બેહતર અને બરાબર ગણે.
ત્યારપછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ પાસેથી શપથ લીધા કે તેઓ બેમાંથી જે કોઈને ખલીફા તરીકે નિયુક્ત કરશે તે ચોક્કસપણે ન્યાય અને ઇન્સાફથી શાસન કરશે અને જેને ખલીફા તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં તે ફૈસલાથી ખુશ રહેશે અને બીજાને ખલીફા તરીકે સ્વીકારશે.
તે પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ એ અમામો બાંધ્યો જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમના માથા પર બાંધ્યો હતો અને તેમની તલવાર લટકાવી; પછી તે હઝરત અલી અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુમા સાથે મસ્જિદ ગયા.
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ એલાન કરાવ્યું કે લોકો મસ્જિદમાં જમા થઈ જાય; તેથી લોકો મસ્જિદમાં જમા થવા લાગ્યા; અને મસ્જિદ લોકોથી ભરાઈ ગઈ.
હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને બેસવાની જગ્યા ન મળી, તો શરમના લીધે તેઓ મસ્જિદમાં બધા લોકોની પાછળ બેસી ગયા.
પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મિમ્બર પર ચડ્યા અને જે પગથિયે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ બેઠા હતા તેના પર ઊભા થયા. તે ત્યાં લાંબા સમય સુધી ઉભા રહ્યા અને લાંબી દુઆ કરી.
તે પછી તેમણે લોકોને સંબોધીને ફરમાવ્યું, હે લોકો! મેં તમને ગુપ્ત રીતે અને જાહેરમાં, સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે પૂછ્યું હતું અને મેં જોયું કે તમે લોકો બીજા કોઈને આ બંને સહાબાના બરાબર માનતા નથી.
તે પછી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુનો હાથ પકડીને તેમને ખલીફા જાહેર કર્યા. પછી તેમણે હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને મિમ્બરના બીજા પગથિયાં પર બેસાડ્યા જેથી લોકો તેમની પાસે આવે અને તેમના હાથ પર બૈઅત લે.
સૌ પ્રથમ તમામ લોકોમાંથી હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુ આવ્યા અને હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુના હાથ પર બૈઅત લીધી.