શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ
શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ હતા, એટલે કે તેઓ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના કુટુંબમાંથી હતા અને જલીલુલ્-કદ્ર આલીમે-દીન હતા. તેમનો જન્મ ૧૨૯૬ હિજરી (૧૮૭૯) માં થયો હતો અને ૧૩૭૭ હિજરી (૧૯૫૭) માં 81 વર્ષની વયે ફાની દુનિયાથી વિદાય થયા હતા.
તેઓ દારુલ-ઉલૂમ દેવબંદના ફાઝિલ હતા અને તેમને 32 વર્ષ સુધી દારુલ-ઉલૂમ દેવબંદમાં પઢાવવાની ખુશકિસ્મતી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન, લગભગ ૩૮૫૬ તલબા-એ-કિરામ (વિદ્યાર્થીઓએ) તેમના હાથ નીચે તાલીમ મેળવી.
અલ્લાહ તઆલાએ તેમને એવી કબૂલિયત અર્પણ કરી હતી કે આજે જો કોઈ વ્યક્તિ દુનિયાની લગભગ કોઈ પણ કન્ટ્રીમાં સફર કરે તો તેને ત્યાં એવા આલિમ મળશે, જેમની સનદે-હદીસ ડાઈરેક્ટલી અથવા ઇનડાઈરેક્ટલી હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહ સુધી પહોંચે છે.
અલ્લાહ તઆલાએ હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહને ઘણી બધી તારીફને કાબિલ અને મિસાલી ખૂબીઓ આપી હતી. તેમાંથી તેમની એક નુમાયાં ખૂબી (ગુણ) આ હતી કે તેઓ જીંદગીની તમામ ફિલ્ડમાં એહતિમામ અને પાબંદી સાથે સુન્નત પર અમલ કરતા હતા.
નીચે કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે સુન્નતે-નબવી પ્રત્યેનો તેમનો ઊંડો પ્રેમ બતાવે છે:
નમાઝમાં મસ્નૂન (સુન્નત) કિરાઅત
હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ નમાઝમાં મસ્નૂન સૂરતોં ની તિલાવત ની ખાસ કાળજી લેતા હતા; તેથી, તેઓ ફજરની નમાઝમાં તિવાલે-મુફસ્સલ (સૂરહ-હુજુરાતથી સૂરહ-બુરુજ સુધીની સૂરતો) સૂરતો ને ખૂબ મહત્વ આપતા હતા, તેવી જ રીતે, તેઓ ઈશાની નમાઝમાં અવ્સાતે-મુફસ્સલ (સૂરહ-બુરુજથી સુરહ-બય્યિનહ સુધી) અને મગરીબની નમાઝમાં કિસારે-મુફસ્સલ (સૂરહ-બય્યિનહથી સુરહ-નાસ સુધી) સૂરતો ની તિલાવત પર ખૂબજ ધ્યાન અને જોર આપતા હતા.
હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ મસ્નૂન કિરાઅત પઢવા નો એટલો બઘો એહતિમામ કરતા હતા કે જો તેઓ કોઈ મસ્જિદમાં નમાઝ પઢતા અને તે મસ્જિદના ઈમામ સાહબે જો મસ્નૂન કિરાઅત ન પઢી, તો તેઓ નમાઝ પછી તેમની પાસે જતા અને તેમને મસ્નૂન કિરાઅત પઢવા પર ઉભારતા.
બીજાઓ ને આરામ આપનાર
એક પ્રસંગે હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અલ્લાહનું કરવું, હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ સાથે ટ્રેનના એ જ ડબ્બામાં એક હિન્દુ હતો.
મુસાફરી દરમિયાન, હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહે જોયું કે હિંદુ ઉભો થયો, તે ડબ્બા માંથી બહાર નીકળ્યો અને પછી પાછો આવ્યો. તે હિંદુએ થોડાક સમય આવું કર્યું અને તેને જોતા એવું લાગી રહ્યું હતુ કે તે બેચેન છે.
હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહે તેને પૂછ્યું કે શું વાત છે? શું હું તમારી કંઈક મદદ કરી શકું? હિન્દુએ જવાબ આપ્યો: મારે બૈતુલ-ખલા (શૌચાલય) નો ઉપયોગ કરવાની જરૂરત છે, પરંતુ બૈતુલ-ખલા ખૂબ જ ગંદી છે, તેથી મને તેનો ઉપયોગ કરવામાં પરેશાની થઈ રહી છે.
આ સાંભળીને હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ થોડીવાર બેસી રહ્યા અને કંઈ જ બોલ્યા નહીં. થોડા સમય પછી, હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ બારી પાસે જઈને ઊભા થઈ ગયા, પછી તેઓ ધીમે ધીમે બૈતુલ-ખલા પાસે પહોંચ્યા, તેમાં પ્રવેશ્યા અને દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કર્યા પછી તેમણે જાતે જ ટોયલેટ સાફ કર્યું.
તે પછી તેઓ બહાર આવ્યા અને તે હિન્દુને કહ્યું: હું હમણાં જ બૈતુલ-ખલા (શૌચાલય) માંથી આવ્યો છું અને હવે તે એકદમ સ્વચ્છ છે.
આ રીતે, હઝરત મદની રહ઼િમહુલ્લાહ એ તે હિંદુને આરામ પહોંચાડયો અને તેની સામે આ પણ જાહેર ન કર્યું કે તેમણે પોતે બૈતુલ-ખલાની સફાઈ કરી છે.
મુસલમાન ભાઈ માટે ફિકર (ચિંતા)
હિન્દુસ્તાનના રાજ્ય યુપીમાં એક આલિમ હતા. તે આલિમ હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ ના શાગિર્દ (સ્ટુડન્ટ) અને મુરીદ હતા અને તેમને હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ સાથે ખૂબ જ ઊંડો સંબંધ હતો.
(મુરીદ= ધર્મગુરુ કા અનુયાયી)
એકવાર તે આલિમ ગંભીર રીતે બીમાર પડ્યા. તેમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે તેમના પરિવારજનોએ માની લીધુ હતુ કે ગમે ત્યારે તેમનો ઇન્તિકાલ થઈ શકે છે.
આ સ્થિતિમાં તેમના બાળકોએ હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ ને પત્ર લખ્યો કે હઝરત! અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા માટે લખી રહ્યા છીએ જે અમને ખૂબ જ પરેશાન કરવા વાળી અને અમારા માટે ચિંતાજનક છે.
અમારા વાલિદ સાહેબ (પિતાજી) ખૂબ બીમાર છે અને મોત ના મુખ સામે છે; પરંતુ જે વસ્તુ અમને પરેશાની કરી રહી છે તે આ છે કે જીંદગી ના બિલકુલ લાસ્ટ સ્ટેજ પર તેમનો વર્તાવ વિચિત્ર છે.
જ્યારે પણ અમે તેમની પાસે જઈએ છીએ ત્યારે તે ફકત માલો-દોલત ની જ વાત કરે છે. તેઓ અમને પૂછે છે કે ફલાણી ફલાણી મિલકતનું શું થયું? તેમાંથી કેટલી આવક થાય છે? ફલાણા ફલાણા ને આટલા પૈસા ઉછીના આપ્યા હતા, શું તેણે તે રકમ પરત કરી દીધી?
અમે તેમની વાતોથી ખૂબ જ પરેશાન છીએ કે તેમની જિંદગીની છેલ્લી ઘડીઓ ચાલી રહી છે અને તેમનું દિલ-દિમાગ ફક્ત દુનિયામાં વ્યસ્ત છે.
લેટર વાંચીને હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહ ખૂબજ ફિકરમાં આવી ગયા; તેથી દર્સ (સબક,પાઠ) પૂરો થતાં જ તેઓ દર્સગાહ છોડીને તરત જ રેલ્વે સ્ટેશન તરફ ચાલી નિકળ્યા. હઝરત મૌલાના મદની રહિમહુલ્લાહ ક્યાંક જઈ રહ્યા છે તે જોઈને દસ જેટલા તલબા-એ-કિરામ (વિદ્યાર્થીઓ) અને ઉસ્તાદો હઝરત સાથે થઈ ગયા.
જ્યારે હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ તે આલિમના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે તેમની સાથે કોઈ વાત-ચીત ન કરી, તેમને કોઈ ઠપકો ન આપ્યો, ઝુહ્દના વિષય પર કોઈ બયાન ન આપ્યું, ન કોઈ હદીસ સંભળાવી; ઉલટાનું, ઘરમાં આવવા પછી, હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહે ફક્ત તેમની ખબર-અંતર પૂછી અને પછી થોડીવાર માથું જુકાવી ને બેસી રહ્યા.
તે સમયે ત્યાં હાજર રહેલા બધા લોકો સાંભળી સકતા હતા કે તે ઘરની છત, દીવાલો, દરવાજા, બારીઓ દરેક વસ્તુમાંથી ઝિકરે-અલ્લાહ ની અવાજ આવી રહી હતી. આ એક કરામત હતી જે અલ્લાહ તઆલાએ હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહના હાથે જાહેર ફરમાવી. તે પછી હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ પાછા ચાલ્યા ગયા.
થોડા દિવસો પછી એ આલિમના દીકરાએ હઝરત મૌલાના મદની રહ઼િમહુલ્લાહ ને બીજો એક લેટર લખ્યો, જેમાં તેમણે લખ્યું કે હઝરત! તમારા આવ્યા પછી અમારા વાલિદ સાહેબ (પિતાજી) ની હાલત બદલાઈ ગઈ છે. ચોવીસ કલાક તેમનુ દિલ-દિમાગ ઝિકરે-અલ્લાહમાં મગ્ન રહે છે. અને અલ્લાહ તઆલા તરફ માઈલ રહે છે.