નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું:
أقضاهم علي بن أبي طالب (أي: أعرفهم بالقضاء) (سنن ابن ماجة، الرقم: ١٥٤)
મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન કાઝી અલી બિન અબી તાલિબ છે.
હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ પાસે ખાવા માટે કંઈ નહોતું અને તેમને ખૂબ ભૂખ લાગી હતી.
જ્યારે હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુને ખબર પડી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ખૂબ જ ભૂખ્યા છે તો તેઓ ખૂબ જ ફિકર મંદ અને પરેશાન થઈ ગયા.
તેમના દિલમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે એટલી બધી મહોબ્બત હતી કે આ સાંભળીને તેઓ ખૂબ જ બેચેન અને વ્યાકૂળ થઈ ગયા.
પણ હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ પાસે પણ ખાવા માટે કંઈ નહોતું, જેને તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખિદમતમાં પેશ કરી શકે.
છેવટે હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુ કોઈ કામની શોધમાં પોતાના ઘરની બહાર નીકળ્યા; જેથી તેઓ થોડા પૈસા કમાઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે ખાવાનું ખરીદી શકે.
હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુ કામની શોધમાં એક યહૂદીના બાગ માં આવ્યા અને તે યહૂદીને કહ્યું, “હું તમારા કૂવામાંથી પાણી ખેંચવાનું કામ કરી શકું છું, અને પાણી ખેંચવાના બદલામાં, તમે મને દરેક ડોલ માટે એક ખજૂર આપી દેજો. તે યહૂદીએ હઝરત અલીની વાત માની લીધી.
તે પછી હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુએ કૂવામાંથી સત્તર ડોલ પાણી કાઢ્યું.
જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે યહૂદીએ હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુને તેના બાગમાંથી કોઈપણ પ્રકારની ખજૂર લેવા કહ્યું; તેથી, હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ એ સત્તર અજવા ખજૂર લીધી અને તેને લઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ખિદમત માં પેશ કરી દીધી.
જ્યારે તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ખિદમત માં ખજૂરો પેશ કરી ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમને તેમની કુન્નિયત થી સંબોધીને પૂછ્યું: ઓ અબુલ હસન! તમે આ ખજૂરો ક્યાંથી લાવ્યા?
(કુન્નિયત=એ નામ કે જેમાં અરબી પરંપરા મુજબ કોઈના પિતા, માતા કે પુત્રનો સંબંધ પ્રગટ થાય છે, જેમ કે અબુલહસન અથવા ઉમ્મેકુલસૂમ.)
હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ! મને ખબર પડી કે તમને ભૂખ સતાવી રહી છે; તેથી હું કોઈ કામની શોધમાં નીકળ્યો; જેથી હું કંઈક ખાવાનું લાવું અને તમારી સામે પેશ કરું.
આ સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને પૂછ્યું: શું તમે આ ફક્ત અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત માં કર્યું છે?
હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હાં, એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ!
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: (મારી ઉમ્મતનો) જે બંદાના દિલમાં અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ માટે સાચી મોહબ્બત હશે; તેની ચોક્કસપણે ગરીબી થી આઝમાઇશ અને પરીક્ષા કરવામાં આવશે; તેથી, અલ્લાહ તઆલા અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી સાચી મોહબ્બત કરવા વાળાઓએ કસોટીઓ અને આઝમાઇશો પર સબર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.