નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું:
إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما
જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો છો અને અબુબકર અને ઉમર તે લોકોમાં હશે અને તે બંનેનું મકામ કેટલું ઊંચું હશે. (સુન્ન અલ્-તિર્મિઝી, નંબરઃ ૩૬૫૮)
હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુની મહાનતા
હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુ હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુની મહાનતાનો હંમેશા સ્વીકાર કરતા હતા અને તેમણે ક્યારેય પોતાને હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુની બરાબર માનતા ન હતા.
એકવાર કેટલાક લોકોએ હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની તારીફ કરતા કહ્યું:
ઓ અમીરુલ મુમીનીન! અલ્લાહની કસમ, અમે તમારાથી વધુ ન્યાયી, સત્યવાદી અને મુનાફિકો પર વધુ કડક કોઈને જોયા નથી. ખરેખર, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પછી તમે આ ઉમ્મતમાં અફઝલ છો.
આ સાંભળીને હઝરત ઔફ બિન માલિક, રદી અલ્લાહુ અન્હુ એ આ લોકોના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું:
તમે લોકોએ સાચું નથી કહ્યું. અલ્લાહની કસમ, મેં બીજી એક એવી વ્યક્તિને જોઈ છે જે ખરેખર નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પછી શ્રેષ્ઠ છે.
લોકોએ પૂછ્યું: તમે કોની વાત કરો છો? તેણે કહ્યું: મારો મતલબ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ છે (કારણ કે તેઓ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને અંબિયા એ કિરામ અલયહીમુસ્ સલામ પછી આ ઉમ્મતમાં સૌથી અફઝલ છે).
આના પર હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું:
અલ્લાહની કસમ, હઝરત ઔફે સાચી વાત કહી અને તમે લોકોએ સાચી વાત ન કહી. હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ એ સમયે કસ્તુરી કરતાં પણ વધુ સુગંધિત હતા; જ્યારે હું મારા પરિવારના ઊંટ કરતાં પણ વધુ ગુમરાહ હતો અને સાચા માર્ગથી દૂર હતો (હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ એ સમયનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યારે તેમણે ઇસ્લામ કબૂલ કર્યો ન હતો; જ્યારે હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુએ ઇસ્લામ કબૂલ કર્યો હતો અને દીનમાં પ્રગતિ કરી ચૂક્યા હતા).