રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો

આપણે આપણી જિંદગીમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાનો નો જાયઝો લઈએ, તો આપણી જાણમાં આવશે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાન આપણા પર એટલા બધા વધારે છે કે આપણા પર વાજિબ છે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો શુક્રિયા અદા કરીએ. હકીકત એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો મકામ અને મર્તબો એટલો બુલંદ છે કે આપના જ લીધે આખી કાયનાત વુજૂદમાં (અસ્તિત્વમાં) આવી.

શાયરે શું ખૂબ કહ્યું છે:

السلام اے سید اولاد آدم السلام

(સલામ હો તમારા પર એ બની-આદમના સરદાર! સલામ હો)

السلام اے باعث ایجاد عالم السلام

(સલામ હો તમારા પર એ કાયનાતના વુજૂદના ઝરીયા! સલામ હો)

આપણને કુરઆને-મજીદની દૌલત હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળી. આપણને નમાઝ, રોઝા, ઝકાત અને હજનો તોહફો નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળ્યો. દર-હકીકત આપણને પૂરો દીન નબી પાક સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે પહોંચ્યો અને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે જ આપણું કનેક્શન આપણા ખાલિક (સર્જનહાર/પેદા કરનાર) અલ્લાહ ત’આલા સાથે જોડ્યું.

ગર્ઝ એ કે દુનિયા અને આખિરતમાં દરેક દીની નેમત (ભલાઈ) જે આપણને અલ્લાહ ત’આલા તરફથી મળી, આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ જ એનો સબબ અને ઝરીયો છે; તેથી તમામ ઇન્સાનમાંથી હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો આપણા પર સૌથી વધારે છે.

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકોમાંથી નીચે આપેલા ચાર હકો આપણા પર વાજિબ છે:

૧. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે “મોહબ્બત” કરવી

૨. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર “ઈમાન” લાવવું

૩. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની “ઇતાઅત” (ફરમાબરદારી/કહ્યું માનવું) કરવી

૪. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર “દરૂદ અને સલામ” મોકલવા

જો કોઈ શખ્સ આ ચારેય હકોને પૂરા એહતિમામ સાથે અદા કરે, તો ઇન્શાઅલ્લાહ નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો હક અદા કરવા વાળો, અને આપના એ એહસાનાતનો શુક્રિયા અદા કરવા વાળો માનવામાં આવશે જે એને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળ્યા; અને ઇન્શાઅલ્લાહ એવા માણસને હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો અદા કરવા વાળો કહેવામાં આવશે.

મોહબ્બતનો ફરીઝો

પહેલો ફરીઝો એ છે કે આપણે પોતાના દિલમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સાચી મોહબ્બત પેદા કરીએ.

એક હદીસ શરીફમાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે માણસનો ઈમાન ત્યાં સુધી મુકમ્મલ નથી થઈ શકતો, જ્યાં સુધી કે હું એના દિલમાં એની પોતાની જાન, મા-બાપ, ઓલાદ અને તમામ લોકોથી પણ વધારે મહબૂબ ન થઈ જાઉં (એટલે કે મારી મોહબ્બત એના દિલમાં એના મા-બાપ, ઓલાદ અને તમામ લોકોની મોહબ્બતથી વધારે થઈ જાય). (સહીહ બુખારી: ૧૫)

એક વખત હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને કહ્યું: “એ અલ્લાહના રસૂલ! હું તમારાથી મારી જાન સિવાય તમામ ચીજો (અને લોકો)થી વધારે મોહબ્બત કરું છું.” હઝરત સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને ફરમાવ્યું:
“નહીં, એ ઝાતની કસમ જેના હાથમાં મારી જાન છે! (તમે ત્યાં સુધી કામિલ મોમિન નથી થઈ શકતા) જ્યાં સુધી કે તમે મારાથી પોતાની જાનથી પણ વધારે મોહબ્બત ન કરો.” તે પછી હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અર્ઝ કર્યું: “એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ! હું હવે તમારાથી દરેક ચીજથી વધારે મોહબ્બત કરું છું, અહીં સુધી કે પોતાના જાતથી પણ વધારે મોહબ્બત કરું છું.” પછી આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “એ ઉ઼મર! હવે તમારો ઈમાન કામિલ (મુકમ્મલ) છે.” (સહીહ બુખારી: ૬૬૩૨)

જ્યાં સુધી આપણે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી એટલી વધારે મોહબ્બત ન કરીએ કે દરેક ચીજ પર આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને આપના અહકામને તર્જીહ આપીએ, ત્યાં સુધી આપણે અલ્લાહ ત’આલા સુધી પહોંચવામાં કામયામ નથી થઈ શકતા.

(તર્જીહ = બે કે તેથી વધુ વસ્તુઓ, વ્યક્તિઓ કે વિકલ્પોમાંથી કોઈ એકને બીજા કરતા વધારે એહમિયત આપવું કે તેને પસંદ કરવું)

Check Also

સૌથી અફઝલ દુરૂદ

અ઼લ્લામા સખાવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે સૌથી અફઝલ દુરૂદ દુરૂદે-ઇબ્રાહીમ છે; કારણ કે હઝરત રસૂલુલ્લાહ …