ઇયાદતની સુન્નતો અને આદાબ – ૩

(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે.

હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને જહન્નમથી સિત્તેર વર્ષની મુસાફત (ડિસ્ટન્સ) બરાબર દૂર રાખવામાં આવશે.” (સુનન અબી-દાઉદ, રકમ: ૩૦૯૭)

(૨) જ્યારે કોઈ બીમાર શખ્સની ઇયાદત માટે જાઓ, તો ત્યાં વધારે વાર ન રોકાઓ; કારણ કે તેનાથી બીમારને તકલીફ થાય છે. તેથી, થોડી વાર રોકાઓ અને પછી પાછા આવી જાઓ.

હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમાથી મન્કૂલ છે કે આ વાત સુન્નતમાંથી છે કે (બીમાર માણસની) ઇયાદતના સમયને મુખ્તસર (ટૂંકો) કરવામાં આવે અને તેની પાસે શોર-બકોર ન મચાવવામાં આવે. (રઝીન, જેમ કે મિશ્કાતુલ-મસાબીહમાં છે, રકમ: ૧૫૮૯)

(૩) બીમારને તસલ્લી આપો. તેનાથી હિંમત વધારનારી વાતો કહો અને તેને સેહતયાબી (સાજા થવા) ની ઉમ્મીદ અપાવો. ડૉક્ટર કે કોઈ પણ મુલાકાતીએ દર્દીને એવું બિલકુલ ન કહેવું જોઈએ કે ‘હવે આના બચવાની કોઈ ઉમ્મીદ નથી’.

હઝરત અબૂ-સઈદ ખુદ્રી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જ્યારે તમે કોઈ બીમાર શખ્સની ઇયાદત માટે જાઓ, તો તેનાથી હિંમત વધારનારી વાતો કહો અને તેને જિંદગીની ઉમ્મીદ અપાવો; કારણ કે (જિંદગીની) ઉમ્મીદ અપાવવાથી તકદીર તો નહીં બદલાય, પરંતુ આ વાત દર્દીના દિલ માટે ખુશી અને સુકૂનનું સબબ (કારણ) બનશે.”

હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમાથી રિવાયત છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ એક બીમાર દેહાતીની ઇયાદત માટે તશરીફ લઈ ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આદતે-શરીફા એ હતી કે જ્યારે આપ કોઈ બીમારની ઇયાદત માટે તશરીફ લઈ જતા, તો આ દુઆ પઢતા:

لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ

“ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી)

(૪) બીમારની મુલાકાત (ઇયાદત) વખતે નીચે લખેલી દુઆ પઢો:

لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ

ગભરાવાની કોઈ જરૂર નથી. તમે આ બીમારીથી પાક-સાફ થઈ જશો, ઇન્શાઅલ્લાહ.

નીચે લખેલી દુઆ પણ સાત વાર પઢો:

أَسْألُ اللهَ الْعَظِيْمَ رَبَّ الْعَرْشِ الْعَظِيْمِ أَنْ يَّشْفِيَكَ

હું તે અલ્લાહ પાસે સવાલ કરું છું, જે ખૂબ જ અઝીમ છે અને અર્શે-અઝીમનો પરવરદિગાર છે કે તે તમને શિફા આપે.

હઝરત ઇબ્ને-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અન્હુમાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ સાત વાર ઉપર ઝિક્ર કરેલી દુઆ કોઈ એવા બીમાર માણસ પર પઢે, જેનું મોત આ બીમારીમાં મુકદ્દર ન હોય, તો અલ્લાહ ત’આલા તે માણસને આ બીમારીમાંથી શિફા અતા ફરમાવશે. (સુનન અબી-દાઊદ, અર્-રકમ: ૩૧૦૬; સુનન અત્-તિર્મિઝી, અર્-રકમ: ૨૦૮૩)

(૫) જો બીમાર માણસને તકલીફ ન હોય, તો તેનાથી દરખ્વાસ્ત કરો કે તે તમારા માટે દુઆ કરે.

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: જ્યારે તમે કોઈ બીમાર માણસની ઇયાદત માટે જાઓ (અને તમે તેની પાસે તમારા માટે દુઆની દરખાસ્ત કરી શકતા હોવ) તો તેની પાસે પોતાના માટે દુઆ કરાવો; કારણ કે તેની દુઆ ફરિશ્તાઓની દુઆ જેવી હોય છે (એટલા માટે કે બીમારીના કારણે તે ગુનાહોથી પાક હોય છે). (સુનન ઇબ્ને-માજહ, અર્-રકમ: ૧૪૪૧)

(૬) આ સુન્નત (એટલે કે બીમાર માણસની મુલાકાત લેવી) ફક્ત સગા-વ્હાલાઓ કે દોસ્તો પૂરતી મહદૂદ (મર્યાદિત) નથી. જો તમને કોઈ મુસલમાનના બીમાર હોવાના સમાચાર મળે અને તમે તેની ઇયાદત કરી શકતા હોવ, તો તમે ચોક્કસ તેની ઇયાદત કરો.

નોંધ: એક રિવાયતમાં આવ્યું છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક યહૂદી બાળકની ઇયાદત ફરમાવી, જે બીમાર હતો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેને ઇસ્લામની દાવત આપી, તો તેણે ઇસ્લામ કબૂલ કરી લીધો અને થોડી વાર પછી તે વફાત પામ્યો).

આ રિવાયતની રોશનીમાં ઉલમા-એ-કિરામ ફરમાવે છે કે જો કોઈ કાફિર બીમાર થઈ જાય, તો તેની ઇયાદત કરવી જાયઝ છે. તેની ઇયાદત વખતે તમારી નિયત એ હોવી જોઈએ કે તમે તેને ઇસ્લામની દાવત આપશો.

આ વાત બરાબર યાદ રહે કે કાફિરની ઇયાદત ફક્ત એ જ શરત સાથે જાયઝ થશે કે તમને આ વાતની ખાતરી હોય કે તેની ઇયાદતથી તમારા દીનને કોઈ નુકસાન નહીં પહોંચે; તેથી જો ત્યાં શરિયતની વિરુદ્ધ કોઈ વસ્તુ હોય (દાખલા તરીકે: ઘરમાં સલીબ/ક્રોસ હોય, મ્યુઝિક ચાલી રહ્યું હોય, મરદ અને ઓરતનું મુક્તપણે મળવા-જુલવાનું હોય, તસવીરો હોય વગેરે), તો આ બધી પરિસ્થિતિઓમાં કાફિરની ઇયાદત તમારા માટે જાયઝ નહીં રહેશે.

Check Also

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૪

બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ પેહલી દુઆઃ لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ “ગભરાવાની કોઈ …