મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ

અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન નાખ્યા અને તેઓ દરેક ઇમ્તિહાન અને આઝમાઈશમાં પૂરેપૂરી ફરમાબરદારી બતાવીને કામયાબ થયા.

હકીકતમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની રઝા માટે જે પોતાની જિંદગીમાં અઝીમ કુરબાનીઓ આપી હતી, તેનાથી સાબિત થાય છે કે તેઓ મુકમ્મલ તાબેદારીનો એક જીવતો-જાગતો નમૂનો હતા. તેમણે અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતના દરેક હુકમ સામે પોતાનું દિલ, દિમાગ, શરીર અને આખી જિંદગી સોંપી દીધી હતી જેથી તેઓ દરેક મોકા પર અલ્લાહ તઆલાનો દરેક હુકમ પૂરો કરી શકે.

આ જ કારણ છે કે અલ્લાહ તઆલાએ ખાસ કરીને ઇસ્લામને “હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો” ગણાવ્યો છે.

ઘર છોડવાની કસોટી

સૌથી પહેલી કુરબાની જે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની ખુશી માટે આપી હતી, તે પોતાનું ઘર અને શહેર છોડવાની કુરબાની હતી.

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના વાલિદ અને તેમના કબીલાના લોકો મૂર્તિપૂજક હતા અને શિર્ક (અલ્લાહ સાથે બીજાને શરીક કરવા) અને કુફ્રમાં ડૂબેલા હતા. હકીકતમાં તેમના વાલિદ એક મૂર્તિ બનાવનાર (બુત-સાઝ) હતા અને તેમનું ઘર મૂર્તિ બનાવવાનું કારખાનું હતું.

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના વાલિદ પાસે ગયા અને ખૂબ જ મોહબ્બત અને આદર સાથે તેમને મૂર્તિપૂજા છોડીને ઇસ્લામ કબૂલ કરવાની દાવત આપી.

તેમના શબ્દો કુરાને-કરીમમાં આ મુજબ છે:

یٰۤأَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا

“એ મારા વહાલા પિતાજી! તમે આ (મૂર્તિ)ને કેમ પૂજો છો, જે ન સાંભળી શકે છે, ન જોઈ શકે છે અને ન તમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે?”

પરંતુ તેમના વાલિદે અક્કલ વાપરવાને બદલે નારાજ થઈને કહ્યું:

أَرَاغِبٌ أَنتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا

“એ ઇબ્રાહીમ! શું તું મારા દેવોથી મોઢું ફેરવી રહ્યો છે? જો તું આ કામ બંધ નહીં કરે તો હું તને પથ્થરો મારી-મારીને જીવથી મારી નાખીશ, તું મારાથી લાંબા સમય માટે દૂર થઈ જા.”

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના વાલિદ અને તેમની ફેમિલીના લોકો દીને-ઇસ્લામના વિરોધી હતા; હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પૂરી કોશિશ અને મહેનત છતાં તે લોકો પોતાની ભૂલ સુધારવા તૈયાર ન થયા.

જ્યારે આપે આ જોયું, તો આપે પોતાનું ઘર અને ફેમિલી છોડી દીધી, કારણ કે ત્યાંનો માહોલ કુફ્ર અને શિર્કનો માહોલ હતો.

વતન છોડવાની કસોટી

ત્યારબાદ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાની કોમને અલ્લાહ તઆલા તરફ બોલાવી. આપે તેમને પૂછ્યું:

مَا هَٰذِهِ التَّمَاثِيلُ الَّتِي أَنتُمْ لَهَا عَاكِفُونَ

“શું આ જ (વાહિયાત) મૂર્તિઓ છે, જેની સાથે તમે ચીપકેલા છો?”

તેમની કોમે જવાબ આપ્યો કે અમે અમારા બાપ-દાદાને તેમની પૂજા કરતા જોયા છે, તેથી અમે પણ પૂજા કરીશું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેમને જણાવ્યું કે તમારા બાપ-દાદા ખોટા રસ્તા પર હતા. પછી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેમને અલ્લાહ તઆલા તરફ બોલાવ્યા.

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેમને કહ્યું:

بَل رَّبُّكُمْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ الَّذِي فَطَرَهُنَّ وَأَنَا عَلَىٰ ذَٰلِكُم مِّنَ الشَّاهِدِينَ

(ના) બલ્કે તમારો રબ આસમાન અને જમીનનો રબ છે, જેણે તેમને પેદા કર્યા અને હું આ વાતની ગવાહી આપનારાઓમાંથી છું.

પરંતુ જ્યારે કોમ પોતાની જિદ પર અડી રહી અને ઇસ્લામ કબૂલ કરવાનો ઇનકાર કરી દીધો, તો એક દિવસ જ્યારે બધા લોકો પોતાના તહેવાર માટે બહાર ગયા, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેમના મંદિરે ગયા અને બધી મૂર્તિઓ તોડવાનું શરૂ કર્યું. આપે ફક્ત એક સૌથી મોટી મૂર્તિને રહેવા દીધી અને તેના ગળામાં કુહાડી લટકાવી દીધી.

જ્યારે લોકો પાછા આવ્યા અને પોતાની મૂર્તિઓના ટુકડે-ટુકડા જોયા, તો ખૂબ નારાજ થયા. તેમને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર શંકા ગઈ અને તેમને બધાની સામે બોલાવવામાં આવ્યા.

તેમણે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પૂછ્યું કે એ ઇબ્રાહીમ! શું તમે અમારી મૂર્તિઓ સાથે આવું કર્યું છે?

આપે તરત જ તકનો લાભ ઉઠાવી તેમને ઇસ્લામ તરફ દાવત આપી અને સમજાવ્યું કે તેમની મૂર્તિઓ નકામી અને લાચાર છે.જે કંઈ નથી કરી સકતા અને ન જ કોઈની મદદ કરી શકે છે.

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે સૌથી મોટી મૂર્તિ તરફ ઈશારો કર્યો જેના ગળામાં કુહાડી હતી અને કહ્યું: “ના, બલ્કે, આ મોટા બુતે (મૂર્તિએ) આવું કર્યું છે. તમે તેને જ પૂછો જો તે બોલી શકતી હોય.”

આખરે કોમના લોકો શરમિંદા થયા અને માનવા મજબૂર થયા કે તેમની મૂર્તિઓ નકામી અને બેજાન છે અને તેમને પોતાની હાર માનવી પડી.

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કોમે તેમને કહ્યું કે તમે જાણો છો કે આ મૂર્તિ વાત કરી શકતી નથી. તો હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેમને ફરમાવ્યું:

أَفَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْئًا وَلَا يَضُرُّكُمْ أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ ۖ أَفَلَا تَعْقِلُونَ

“તો શું તમે અલ્લાહને છોડીને તેમની (મૂર્તિઓની) ઇબાદત કરો છો, જે ન તમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન નુકસાન? અફસોસ છે તમારા પર અને તેમના પર જેમની તમે અલ્લાહ સિવાય પૂજા કરો છો! શું તમે સમજતા નથી?”

ભૂલ સાવ સ્પષ્ટ (સાફ) હોવા છતાં તેમની કોમ એક અલ્લાહ પર ઈમાન ન લાવી. તેથી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના બાપ-દાદાના વતન અને પોતાના લોકોથી દૂર થઈ ગયા જે અલ્લાહ પર ઈમાન લાવવા તૈયાર નહોતા.

Check Also

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે …