
“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું
તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને “ખલીલુલ્લાહ” (અલ્લાહના ખાસ દોસ્ત) ના લકબથી નવાજવામાં આવ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આ માન કેવી રીતે મળ્યું, તેના વિશે અલ્લામા ઇબ્ને-કસીર રહ઼મતુલ્લાહી અલૈહિએ નીચે મુજબનો વાકિયો બયાન કર્યો છે:
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આદતે-શરીફા હતી કે તેઓ હંમેશા પોતાના ઘરે મહેમાનોને બોલાવતા હતા જેથી તેઓ તેમની સાથે ખાઈ શકે.
એક મૌકા પર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બહાર ગયા અને કોઈ વ્યક્તિની શોધમાં હતા જેથી તેઓ તેને મહેમાન બનાવીને ઘરે લઈ આવે અને તેની સાથે ખાય; પરંતુ તેમને કોઈ મળ્યું નહીં; તેથી તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા.
ઘરે પહોંચીને તેમણે જોયું કે એક માણસ તેમની ગેરહાજરીમાં તેમના ઘરની અંદર દાખલ થયો હતો અને ત્યાં ઉભો હતો. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેને પૂછ્યું કે એ અલ્લાહના બંદા! તમે મારા ઘરમાં ઇજાઝત વગર કેમ દાખલ થયા? તે માણસે જવાબ આપ્યો કે મને તે ઝાત તરફથી દાખલ થવાની ઇજાઝત આપવામાં આવી છે, જે તમારા ઘરનો હકીકી માલિક છે (એટલે કે અલ્લાહ તઆલાએ મને ઇજાઝત આપી છે).
આ સાંભળીને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તે માણસને પૂછ્યું કે તમે કોણ છો? તેણે જવાબ આપ્યો કે હું મલકુલ-મૌત છું. મારા રબે મને પોતાના એક બંદા પાસે મોકલ્યો છે જેથી હું તેમને આ ખુશખબરી આપું કે અલ્લાહ ત’આલાએ તેમને પોતાના ખલીલ (ખાસ દોસ્ત) બનાવ્યા છે.
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પૂછ્યું કે તે ખાસ માણસ કોણ છે? અલ્લાહના કસમ! જો તમે મને તેમનું નામ અને સરનામું જણાવી દો, તો હું જરૂર તેમની પાસે જઈશ; ભલે તે ગમે તેવા દૂરના વિસ્તારમાં હોય. હું તેમની સાથે રહીશ; જ્યાં સુધી મૌત અમને અલગ ન કરી દે. ત્યારે મલકુલ-મૌતે કહ્યું કે તે ખાસ બંદા તમે જ છો.
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ખૂબ ખુશ થયા અને પૂછ્યું: શું ખરેખર હું તે ખાસ માણસ છું? જ્યારે ફરિશ્તાએ તસ્દીક કરી કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ તે વ્યક્તિ છે, ત્યારે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પૂછ્યું કે અલ્લાહએ મને પોતાના ખલીલ કેમ બનાવ્યા? ફરિશ્તાએ જવાબ આપ્યો: તેનું કારણ એ છે કે તમે હંમેશા લોકોને આપો છો અને લોકો પાસે કંઈ માંગતા નથી.
જ્યારે આપણે આ ઘટના પર વિચાર કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના જીવનમાં એક ખાસ સિફત (ખૂબી) હતી, જે અલ્લાહ તઆલાને બહુ પસંદ હતી, તે ખાસ સિફત એ હતી કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના દિલમાં બંદાઓ માટે હમદર્દી અને શફ્કત (દયા) હતી. તેઓ હંમેશા બીજાને આપતા હતા અને તેમની મદદ કરતા હતા અને તેઓ તેમની પાસે કોઈ ઉમ્મીદ રાખતા નહોતા.
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના હાથે એક મજૂસીનું ઇસ્લામ કબૂલ કરવું
એકવાર એક મજૂસી (અગ્નિપૂજક) હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પાસે આવ્યો અને કંઈક ખાવાનું માંગ્યું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેને કહ્યું: જો તું ઇસ્લામ કબૂલ કરી લે, તો હું તને ખવડાવું. આ સાંભળીને તે મજૂસી જતો રહ્યો.
ત્યારબાદ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તરફ વહ઼ી મોકલી કે એ ઇબ્રાહીમ! તમે તેને ખવડાવવા માંગતા નથી; કારણ કે તે મુસલમાન નથી? પરંતુ અમે સિત્તેર વર્ષથી તેને જમાડી રહ્યા છીએ તેના કાફિર હોવા છતાં. તમે તેને ઓછામાં ઓછી એક રાત કેમ ન જમાડ્યો?
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તરત જ તે મજૂસીને શોધવા ગયા. તેને પાછો બોલાવ્યો અને તેને જમાડ્યો. ત્યારબાદ તે મજૂસીએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પૂછ્યું કે શું કારણ છે કે તમે તમારો ઈરાદો બદલી નાખ્યો અને મને જમાડ્યો?
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જવાબ આપ્યો કે અલ્લાહ ત’આલાએ મને હુકમ આપ્યો છે કે હું તને ખવડાવું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તે મજૂસીને અલ્લાહની વહ઼ી વિશે વાત કરી.
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની વાત સાંભળીને તે મજૂસી ખૂબ મુતાસ્સિર (પ્રભાવિત) થયો અને તેણે પૂછ્યું: શું મારા પર અલ્લાહ ત’આલાની આટલી બધી મહેરબાની છે?
ત્યારબાદ તે મજૂસીએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કહ્યું કે મારા પર ઇસ્લામ રજૂ કરો જેથી હું ઇસ્લામ કબૂલ કરું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે તેની સામે ઇસ્લામ પેશ કર્યો અને તેણે ઇસ્લામ કબૂલ કર્યો.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી