બાગે-મોહબ્બત – છત્રીસમો એપિસોડ

એક મહાન વલી – હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ

હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ પોતાના સમયના મહાન મુહદ્દિસ અને મોટા વલી હતા. અલ્લાહ તઆલાએ તેમને હદીસની ફિલ્ડમાં એટલો બુલંદ મકામ આપ્યો હતો કે હઝરત અબ્દુલ્લા બિન મુબારક રહ઼િમહુલ્લાહ, હઝરત સુફિયાન બિન ‘ઉય્યના રહ઼િમહુલ્લાહ અને ઈમામ શાફિઈ રહ઼િમહુલ્લાહ વગેરે જેવા મહાન મુહદ્દિસોએ તેમની પાસેથી હદીસો રિવાયત કરી છે.

તારીખની કિતાબોમાં ઉલ્લેખ છે કે હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહ તકવાના સૌથી બુલંદ મકામ પર બિરાજમાન થતા પહેલા એક મશહૂર ડાકુ હતા, અલ્લાહ તઆલાએ તેમને તેમના ગુનાહોથી તૌબા કરવાની અને તેમના જીવનને સુધારવાની તૌફીક઼ બક્ષી.

તેમની આપવીતી નીચે મુજબ છે:

એક મૌકા પર, એક કાફલો તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો જ્યાં હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહ લોકોને લૂંટતા અને તેમનો સામાન છીનવી લેતા હતા. કાફલામાં એક કારી સાહેબ પણ હતા, જે ખૂબ જ સુંદર રીતે કુરાન-મજીદ પઢતા હતા.

જ્યારે કાફલો હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહ પાસેથી પસાર થયો, ત્યારે તે કારી સાહેબ કુરાન-મજીદની આ આયત પઢી રહ્યા હતા:

أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَن تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ

શું હજુ ટાઇમ નથી આવ્યો, મુસલમાનો માટે કે નમી જાય તેમના દિલ અલ્લાહની યાદ માટે (સૂરહ-હ઼દીદ, આયત: ૧૬)

આ આયત સાંભળીને, હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહના દિલે જબરદસ્ત અસર લીધો, તેમણે તરત જ અલ્લાહ તઆલા પાસે માફી માંગી અને પોતાના ગુનાહો માટે સાચી-પાક્કી તૌબા કરી.

ત્યાર પછી હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે ઈબાદત અને ઇલ્મે-દીન હાસિલ કરવા માટે ખૂબ જ કોશિશ અને મહેનત કરી. એક સમય એવો આવ્યો જ્યારે તત્કાલીન બાદશાહ હારૂન રશીદ પણ તેમની ખિદમતમાં આવવા લાગ્યા.

આ વાત નકલ કરવામાં આવી છે કે એકવાર હારૂન રશીદ હજ માટે ગયા હતા. હજ પછી, તેમણે ફઝલ બિન રબી’ ને કહ્યું: “હું મારા દિલમાં કમજોરી મહેસૂસ કરું છું, તેથી મને અલ્લાહના કોઈ વલી પાસે લઈ જાઓ, જેથી હું તેમની પાસેથી નસીહત મેળવી શકું અને તેમની સોબતથી લાભ મેળવી શકું.” ફઝલે તેમને હઝરત સુફિયાન બિન ‘ઉય્યના રહ઼િમહુલ્લાહની ખિદમતમાં જવાની સલાહ આપી.

(સોબત = સાથ,મૈત્રી,સંગ)

જ્યારે તે હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો ત્યારે હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહે ખૂબ જ આદર અને સન્માન સાથે તેમનું ઇસ્તિકબાલ કર્યું. હારૂન રશીદે તેમને કહ્યું કે હું તમારી પાસે નસીહત સારુ આવ્યો છું. તમે મને નસીહત કરો; તો હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહે તેમને કેટલીક ઉમૂમી (આમ) નસીહત કરી.

છેવટે, જ્યારે હારૂન રશીદ જવા લાગ્યા, ત્યારે તેમણે હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહને પૂછ્યું કે શું તમારા માથે કોઈ દેવું છે જે ચૂકવવામાં હું તમારી મદદ કરી શકું. હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહે જવાબ આપ્યો: હા. તો હારૂન રશીદે ફઝલને કર્ઝ અદા કરવાનો હુકમ આપ્યો.

હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહના ગયા પછી હારૂન રશીદે ફઝલને સંબોધતા કહ્યું કે હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહથી મેં એટલો ફાયદો ન ઉઠાવ્યો જેટલો હું વિચારતો હતો. (કદાચ હારૂન રશીદ એટલા માટે મુત઼્મઈન ન થયા કે હઝરત સુફિયાન રહ઼િમહુલ્લાહે તેમની ખૂબ ઇજ્જત અને ઇકરામ કર્યો અને તેમને તેમની કોઈ કમજોરી વિશે ખબરદાર ન કર્યા).

તેથી, ફઝલે હારૂન રશીદને ઈમામ અબ્દુર્-રઝ્ઝાક રહ઼િમહુલ્લાહને મળવા જવાની સલાહ આપી. ઇમામ ‘અબ્દુર્-રઝ્ઝાક રહ઼િમહુલ્લાહએ પણ હારૂન રશીદનું ખૂબ એઝાઝ સાથે ઇસ્તિક઼બાલ કર્યું અને તેમની દરખાસ્ત પર તેમને કેટલીક ‘ઉમૂમી નસીહતો કરી.

જતા પહેલા, હારૂન રશીદે તેમને પૂછ્યું: “શું તમારા પર કોઈ દેવું છે જે ચૂકવવામાં હું તમારી મદદ કરું?” ઇમામ અબ્દુર્-રઝ્ઝાક રહ઼િમહુલ્લાહે જવાબ આપ્યો: હા, મારા પર દેવું છે. તો હારૂન રશીદે ફઝલને કર્ઝ અદા કરવાનો હુકમ આપ્યો.

પછી જ્યારે હારૂન રશીદ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમણે ફઝલને કહ્યું કે મને ઇમામ અબ્દુર્-રઝ્ઝાક રહ઼િમહુલ્લાહ પાસેથી એટલો ફાયદો મળ્યો નથી જેટલો હું ચાહતો હતો. મારા માટે કોઈ એવો માણસ તલાશ કરો જેનાથી હું કામિલ રીતે ફાયદો ઉઠાવી શકું, પછી ફઝલે તેમને મશવરો આપ્યો કે તેઓ હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ઼િમહુલ્લાહ ની ઝિયારત માટે તશરીફ લઈ જાઓ.

(કામિલ રીતે = સંપૂર્ણપણે, પૂરે પૂરો)

હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહને મળ્યા પછી હારૂન રશીદે તેમને દરખાસ્ત કરી કે મને કંઈક નસીહત કરો. હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું કે જ્યારે હઝરત ઉમર બિન અબ્દુલ્-અઝીઝ રહ઼િમહુલ્લાહને ખલીફા તરીકે મુકર્રર (નિયુક્ત) કરવામાં આવ્યા ત્યારે તેમણે હઝરત સાલિમ બિન અબ્દુલ્લા, હઝરત મુહ઼મ્મદ બિન કઅબ અને હઝરત રજા બિન હ઼ય્વહ્ રહ઼િમહુમલ્લાહને બોલાવ્યા. અને તેમને કહ્યું કે ખિલાફતની જવાબદારી મારા માટે આઝ્માઇશ છે; તો મને નસીહત કરો.

હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે પછી ફરમાવ્યું: હઝરત ઉમર બિન અબ્દુલ્-અઝીઝ રહ઼િમહુલ્લાહને ખિલાફતની એટલી ફિકર હતી કે તેઓએ તેને આઝ્માઇશ સમજી , જ્યારે તમે તેને એક નેમત સમજો છો. (અને હઝરત ઉમર બિન અબ્દુલ્-અઝીઝ રહ઼િમહુલ્લાહની જેમ, તમને ફિકર નથી).

હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે તેમને તંબીહ કરી (ચેતવણી આપી) કે જો તેઓ શરીયતના હુકમો મુજબ ખિલાફતની બાબતોને અંજામ ન આપશે, તો તેઓને જહન્નમની સજા ભોગવવી પડશે. આ તંબીહની હારૂન રશીદ પર એટલી અસર થઈ કે તેઓ બેહદ રડવા લાગ્યા.

આ પછી જ્યારે હારૂન રશીદ જવા લાગ્યા ત્યારે તેમણે હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહને પૂછ્યું કે શું તમારા માથે કોઈ દેવું છે જે હું તમારા તરફથી અદા કરું?

હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે જવાબ આપ્યો: હા, મારા પર દેવું છે, જે મારા રબના હકો છે. જો તમે ચાહો, તો તે હકોને અદા કરવામાં મારી મદદ કરી શકો છો. જ્યારે હારૂન રશીદે જોયું કે આ હકો (એટલે ​​કે અલ્લાહ તઆલાના હકો) એવા નથી કે જેને હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહ તરફથી અદા કરી શકે, તો તેમણે હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહને કંઈક ભેટ આપવાનું નક્કી કર્યું.

ચુનાંચે હારૂન રશીદે હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહને પૈસા પેશ કર્યા અને કહ્યું કે આ એક હજાર દીનાર છે. તેને મારી તરફથી ભેટ તરીકે સ્વીકારો અને તમારા ઘરના લોકો પર ખર્ચ કરો.

હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહે જવાબ આપ્યો: સુબ્હ઼ાન-લ્લાહ! મેં તમને નજાતનો રસ્તો બતાવ્યો અને તમે મને તેનો બદલો આ રીતે આપો છો? તમે આ માલ એવા માણસને આપી રહ્યા છો જેને તેની કોઈ જરૂરત નથી. બહેતર છે તમે આ માલ એવા માણસને આપો જેની તેને જરૂરત હોય.
(નજાત = છુટકારો, મુક્તિ)

ત્યાર પછી જ્યારે હારૂન રશીદ અને ફઝલ હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહના ઘરેથી નીકળ્યા ત્યારે હારૂન રશીદે ફઝલને કહ્યુંઃ ઓ ફઝલ! જ્યારે તમે મને અલ્લાહના કોઈ વલી સાથે મારી મુલાકાત કરાવવા માંગો, તો મને એમના જેવા કોઈ માણસ સાથે મુલાકાત કરાવો. બેશક, તે બધા મુસલમાનોના સરદાર છે.

હારૂન રશીદ હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહના આ ઉમદા સિફતોને કારણે ખૂબ જ મુતાસ્સિર (પ્રભાવિત) થયા, એટલે કે આખિરતમાં હિસાબનો ડર, બુલંદ દરજાનો તકવા, દુનિયામાં બે-રગ઼્બતી (અરુચિ), શરિયત અને સુન્નત પર સાબિત કદમી, અને બાદશાહને આ વાતની મુખ઼્લિસ઼ાના નસીહત કે તેઓ કેવી રીતે ખિલાફતના કામોને અંજામ આપે.

ખુલાસા વાત એ છે કે હારૂન રશીદે આ વાતની ગવાહી આપી કે હઝરત ફુઝૈલ રહ઼િમહુલ્લાહ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક સુન્નત માટે ઠોસ દાખલો હતા.

Check Also

અમ્ર બિલ-મારૂફ અને નહી અનિલ-મુન્કરની જવાબદારી – 8મો એપિસોડ

રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત …