(૯) અલ્લાહ તઆલા તરફ સંપૂર્ણ ધ્યાન સાથે દુઆ કરો. ગફલત અને વગર ધ્યાને દુઆ ન કરો અને દુઆ કરતી વખતે આજુ બાજુ ન જુઓ.
હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “તમારી દુઆ સ્વીકારવામાં આવશે તે યકીન (વિશ્વાસ) રાખીને, અલ્લાહ તઆલા થી દુઆ કરો, અને યાદ રાખો કે અલ્લાહ તઆલા ગાફિલ અને બેપરવા દિલની દુઆ કબૂલ નથી કરતા.
(૧૦) તમારી બધી નાની-મોટી જરૂરિયાતો માટે અલ્લાહ તઆલાને દુઆ કરો.
હઝરત અનસ રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તમારામાંના દરેક વ્યક્તિએ તમારા રબ પાસે તમારી જરૂરિયાતો અથવા તમારી બધી જરૂરિયાતો (રાવીને શક છે) માંગવું જોઈએ; અહીંયા સુધી કે જો તમારામાંથી કોઈના ચપ્પલનો તસ્મો (પટ્ટો,દોરી) તૂટી જાય તો તે પણ તેણે અલ્લાહ તઆલા પાસે માંગવું જોઈએ અને (જો તેને મીઠાંની જરૂરત પડે) તો તેણે અલ્લાહ પાસે મીઠું પણ માંગવું જોઈએ.
(૧૧) ફક્ત મુસીબત અને પરેશાનીના સમયે જ દુઆ ન કરો; તેના બદલે, દરેક સંજોગોમાં દુઆ કરો, પછી ભલે તે હાલાત સારા હોય કે ખરાબ.
હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ ઇચ્છે છે કે અલ્લાહ તઆલા મુસીબત અને પરેશાનીના સમયે તેની દુઆ કબૂલ કરે, તો તેણે સારા સમયે ખૂબ દુઆ કરવી જોઈએ.
(૧૨) દુઆ પછી “આમીન” કહેવું.
હઝરત અબુલ-મુસબ્બિહ઼ અલ-મક્રાઈ ફરમાવે છે કે અમે લોકો હઝરત અબૂ-ઝુહૈર નુમેરી રઝ઼િયલ્લાહુ અન્હુ ની પાસે બેસતા હતા, જેઓ એક સહાબી હતા અને તેઓ ખૂબ જ ફસાહ઼ત અને બલાગ઼ત સાથે વાતચીત કરતા હતા. જ્યારે અમારામાંથી કોઈ દુઆ કરતો, ત્યારે તે તેને કહેતા: દુઆ પર આમીનની મહોર લગાવો, કારણ કે “આમીન” કાગળ પરની મહોર જેવી છે, પછી તેઓ ફરમાવતા: શું હું તમને તેના વિશે કહું? એક રાતે જ્યારે અમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે નીકળ્યા તો અમે એક માણસ પાસે પહોંચ્યા, જે ખૂબ જ આજિઝી સાથે દુઆ કરી રહ્યો હતો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ રોકાઈ ગયા અને તેની દુઆ સાંભળવા લાગ્યા, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જો તે તેની દુઆ પર મહોર લગાવી લે, તો તે પોતાના માટે જન્નત વાજીબ કરી લેશે. આ સાંભળીને એક વ્યક્તિએ કહ્યું: શેનાથી તે (તેની દુઆ પર) મહોર લગાવે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આમીન થી. જો તે આમીન થી મહોર લગાવે, તો તે જન્નતને પોતાના માટે વાજીબ કરી લેશે. આ સાંભળીને જે વ્યક્તિએ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સવાલ કર્યો હતો તે દુઆ કરવા વાળા પાસે આવ્યો અને તેને કહ્યું: અય ફલાણા! તમે તમારી દુઆ પર આમીનની મહોર લગાવો અને (રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશખબરથી) ખુશ થઈ જાઓ. (સુનને-અબી-દાઉદ, અર્-રક઼મ: ૯૩૯)
(૧૩) દુઆ પછી દુરૂદ-શરીફ પઢવું.
હઝરત ઉમર બિન ખત્તાબ રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે દુઆ અધ્ધર જમીન અને આસમાન વચ્ચે રહે છે, તે ઉપર જતી નથી; જ્યાં સુધી કે તમે તમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ ન મોકલો. (સુનને-તિર્મિઝી, અર્-રકમઃ ૪૮૬)
(૧૪) દુઆ પછી, તમારી હથેળીઓ તમારા ચહેરા પર ફેરવો.
હઝરત ઉમર બિન ખત્તાબ રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે જ્યારે પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ દુઆ માટે હાથ ઉઠાવતા, ત્યારે તેઓ તેમના હાથ નીચે નહોતા કરતા જ્યાં સુધી તેઓ તેને તેમના મુબારક ચહેરા પર ન ફેરવી લેતા. (સુનને-તિર્મિઝી, અર્-રકમઃ ૩૩૮૬)
(૧૫) એવી કોઈ વસ્તુ માટે દુઆ ન કરો જે નાજાયઝ અથવા નામુમકિન છે (જેમ કે નબી બનવા માટે દુઆ કરવી)
હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: જ્યાં સુધી તે કોઈ ગુનાહ માટે અથવા કતા-રહમી માટે દુઆ ન કરે અને જ્યાં સુધી તે (દુઆના કબૂલ માં) ઉતાવળ ન કરે ત્યાં સુધી તેની દુઆ સતત કબૂલ કરવામાં આવે છે. નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પૂછવામાં આવ્યું કે (દુઆમાં) ઉતાવળ કરવાનો મતલબ શું છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે જવાબ આપ્યો કે તે એમ કહે કે મેં દુઆ માંગી હતી, મેં દુઆ માંગી હતી; પરંતુ તેને કબૂલ થતા ન જોઈ, પછી તે નિરાશ થઈ જાય અને દુઆ કરવાનું બંધ કરી દે.
(૧૬) દુઆમાં વધુ પડતી તફસીલ (વિગતો) બયાન ન કરો; તેના બદલે ખૈર ની દુઆ કરો
(ખૈર = ઉમદા, ઉત્તમ, સારું)
એક વખત હઝરત અબ્દુલ્લા બિન મુગફ્ફલ રઝિયલ્લાહુ અન્હુએ પોતાના વ્હાલા છોકરા ને આ રીતે દુઆ કરતા સાંભળ્યા: હે અલ્લાહ! જ્યારે હું જન્નતમાં દાખલ થઈશ, ત્યારે મહેરબાની કરીને મને જન્નતની જમણી બાજુએ એક સફેદ મહેલ આપજો. આ સાંભળીને હઝરત અબ્દુલ્લા બિન મુગફ્ફલ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું, મારા પુત્ર! તમે અલ્લાહ તઆલા પાસે જન્નત માંગો અને જહન્નમ થી પનાહ માંગો; કારણ કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ફરમાવતા સાંભળ્યા છે કે આ ઉમ્મતમાં કેટલાક એવા લોકો થશે જેઓ તહારત માં (જેમ કે વુઝૂ અને ગુસલ વગેરેમાં) અને દુઆમાં હદ વટાવી જશે.
કુરાને-કરીમ માં છે:
ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ﴿سورة الأعراف: ٥٥﴾
તમારા રબને આજિઝી સાથે (નમ્રતાપૂર્વક) અને ધીમે-ધીમે પુકારો; ચોક્કસ તે હદ પાર કરનારાઓને પસંદ નથી કરતો.