ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી હતી.
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:
ارم فداك أبي وأمي
તીર માર! મારા માં-બાપ તારા પર કુર્બાન!
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ માટે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુની પહેરેદારી
હઝરત ‘આઇશા રદી અલ્લાહુ ‘અન્હા બયાન કરે છે:
એકવાર મદીના મુનવ્વરા માં હિજરત કર્યા પછી, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને રાત્રે (દુશ્મનના હુમલાના ડરથી) ઉંઘ આવતી ન હતી, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું, કાશ કે કોઈ મુત્તકી માણસ હોત જે મારા માટે આજની રાત્રે ચોકીદારી કરતે.
(મુત્તકી= અલ્લાહ થી ડરવા વાળો, ગુનાહ થી બચવા વાળો, ,દીનદાર)
અમે એ જ હાલતમાં હતા અને અમે હથિયારોનો અવાજ સાંભળ્યો, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે પૂછ્યું: કોણ છે? તે માણસે જવાબ આપ્યો: સઅ્દ બિન અબી વક્કાસ.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને પૂછ્યું: તમે અહીં શા માટે આવ્યા છો? હઝરત સઅ્દ રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ! મને તમારી જાન પ્રત્યે ખૌફ અને ડર પૈદા થયો હતો, તેથી હું તમારી પહેરેદારી (રક્ષા) કરવા આવ્યો છું.
આ સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમના માટે દુઆ કરી અને સૂઈ ગયા.
એક બીજી રિવાયત માં, હઝરત ‘આઇશા રદિ અલ્લાહુ ‘અન્હા બયાન કરે છે કે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ ‘અન્હુમ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પહેરેદારી (સુરક્ષા) કર્યા કરતા હતા; અહિંયા સુધી કે કુરાન શરીફ ની નિમ્નલિખિત આયત નાઝિલ થઈ (ઉતરી):
وَاللّٰہُ یَعۡصِمُکَ مِنَ النَّاسِ ؕ
અને અલ્લાહ ત’આલા લોકો ના (શર) થી તમને બચાવશે.
(શર = બુરાઈ, ખરાબી, ફિતના, ફસાદ, શરારત)
જ્યારે કુરાન શરીફ ની આ આયત નાઝીલ થઈ ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે સહાબાએ કિરામ રદિઅલ્લાહુ અન્હુમને ફરમાવ્યું: ઓ લોકો! જાઓ; કારણ કે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા પોતે મારી હિફાઝત (રક્ષા) કરશે.