એકવાર, નબી એ કરીમ સલલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ માટે ખાસ દુવા કરતા, ફરમાવ્યું:
رحم الله عمر، يقول الحق (بكل صراحة) وإن كان مرا (للناس)، تركه الحق وما له صديق (يراعيه عند قول الحق) (سنن الترمذي، الرقم: ٣٧١٤)
અલ્લાહ ઉમર પર રહમ કરે! તે (ખુલ્લેઆમ) હક વાત કહે છે; ભલે તે (હક વાત લોકોને) કડવી લાગે. હક વાતે તેમને આ હાલતમાં છોડ્યા કે તેમનો કોઈ દોસ્ત નથી (જેનો તે સત્ય બોલતી વખતે લિહાજ કરે ).
હઝરત ઉમર (ર.અ.) અને નમાઝની ફિકર (ચિંતા)
સવારે જ્યારે હઝરત ઉમર (ર.અ.)ને ખંજર (છરો) મારવામાં આવ્યો ત્યારે હઝરત મસૂર બિન મખ્રમા (ર.અ.) તેમની બિમારપુરસી કરવા આવ્યા. જ્યારે તે પહોંચ્યાં તો તેમણે જોયું કે હઝરત ઉમર (ર.અ.) ને એક ચાદરથી ઢાંકેલા છે અને તે બેભાન છે.
હઝરત મસૂર બિન મખરમા રદિઅલ્લાહુ અન્હુએ ત્યાં હાજર લોકોને પૂછ્યું: તેમને કેમ છે? તેઓએ જવાબ આપ્યો કે તેઓ બેભાન છે, જેમકે તમે જુઓ છો.
ફજરનો સમય પૂરો થઈ રહ્યો હોવાથી, હઝરત મસૂર બિન મખ્રમા રદિઅલ્લાહુ અન્હુએ હાજર લોકોને કહ્યું: નમાઝ બોલીને તેમને જગાડો; કારણ કે તમે તેમને એવી કોઈ પણ વસ્તુથી જગાડી શકતા નથી જે નમાજ કરતાં વધુ મહત્વપૂર્ણ અને જરૂરી હોય.
તો તેમણે કહ્યું: અમીરુલ મોમીનીન! “નમાઝ”. આટલું કહેતા જ હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ તરત જ હોશમાં આવી ગયા અને કહ્યું: હા, અલ્લાહની કસમ, જે નમાઝ છોડી દે છે તેનો ઇસ્લામમાં કોઈ હિસ્સો નથી, પછી હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ નમાઝ અદા કરી, તેમના ઘા માંથી લોહી વહેતું હોવા છતાં.