સલાત ‘અલન્નબી ના મતલબો

ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન કર્યા છે. દરેક જગ્યાએ જે માયના અલ્લાહ ત’આલા, ફરિશ્તાઓ અને મોમિનોના હાલને મુનાસિબ હશે, તે મુરાદ લેવામાં આવશે.

કેટલાક ઉલમાઓએ લખ્યું છે કે સલાત ‘અલન્નબીનો મતલબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સના (તારીફ) અને તાઝીમ, રહમત-શફકત સાથે કરવાનો છે. પછી જે તરફ આ ‘સલાત’ મન્સૂબ થશે, તેની જ શાન અને મરતબાના લાયક તારીફ અને તાઝીમ મુરાદ લેવામાં આવશે.

હઝરત શૈખુલ-હદીસ મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા કાંધલવી રહ઼્મતુલ્લાહ અલૈહ એ નીચે આપેલી મિસાલથી એની વઝાહત ફરમાવી છે;

આપણે કહીએ છીએ કે બાપ તેના બેટા પર મહેરબાન થાય છે, કે બેટો પોતાના બાપ પર મહેરબાન થાય છે, કે ભાઈ પોતાના ભાઈ પર મહેરબાન થાય છે; તો ઝાહિર છે કે જે કિસ્મની મહેરબાની બાપની બેટા પર હોય છે, એ કિસ્મની મહેરબાની બેટાની બાપ પર નહીં હોય, અને ભાઈની મહેરબાની ભાઈ પર બાપ અને બેટા બંનેની મહેરબાનીથી અલગ છે.

અહીં પણ એવો જ મામલો છે. અલ્લાહ ત’આલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર સલાત (દરુદ-શરીફ) મોકલે છે—એટલે કે રહમત અને શફકત સાથે અલ્લાહ ત’આલા આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો એઝાઝ અને ઇકરામ ફરમાવે છે. ફરિશ્તાઓ પણ સલાત (દરુદ-શરીફ) મોકલે છે; પરંતુ ફરિશ્તાઓનું સલાત (દરુદ-શરીફ) મોકલવું તેમના મકામ અને મરતબાના લિહાઝથી હશે. એના પછી મોમિનોને હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના મકામ મુતાબિક હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર સલાત (દરુદ-શરીફ) મોકલે.

‘રૂહુલ-બયાન’ના મુસન્નિફ (લેખક) લખે છે:

કેટલાક ‘ઉલમાએ લખ્યું છે અલ્લાહ ત’આલા તરફથી સલાત ‘અલન્નબી એનાથી મુરાદ એ છે કે અલ્લાહ ત’આલા આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ‘મકામે-મહ઼્મૂદ’ સુધી પહોંચાડે છે; મકામે-મહ઼્મૂદ એટલે કે મકામે-શફાઅતે-ઉઝમા (બડી શફાઅત)ના મકામ પર પહોંચાડે છે, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કિયામતના દિવસે પૂરી ઉમ્મત (અને પૂરી મખ્લૂક) માટે સિફારિશ કરશે.

ફરિશ્તાઓ તરફથી સલાત ‘અલન્નબી થી મુરાદ એ છે કે ફરિશ્તાઓ અલ્લાહ ત’આલા પાસે દુઆ કરે છે કે અલ્લાહ ત’આલા આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના દરજાત ખૂબ બુલંદ ફરમાવે.

મોમિનો તરફથી સલાત ‘અલન્નબી થી મુરાદ એ છે કે મોમિનો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઇત્તિબા (પૈરવી) કરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી મોહબ્બત કરે (દરુદ-સલામ વગેરે પઢીને) અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની બેહતરીન તારીફ કરે.

હઝરત મૌલાના ફઝ્લુર-રહ઼્માન ગંજ મુરાદાબાદી રહ઼્મતુલ્લાહ અલૈહ એ સલાત ‘અલન્નબીનો મતલબ એ બયાન ફરમાવ્યો હતો કે અલ્લાહ ત’આલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર ખાસ મોહબ્બત ફરમાવે છે.

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહ઼્મતુલ્લાહ અલૈહ એ બયાન ફરમાવ્યું કે સલાત ‘અલન્નબીનો ખુલાસો અલ્લાહ ત’આલા પાસે માંગવું અને ઇલ્તિજા કરવી છે કે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર પોતાની કામિલ અને ખાસ રહમત અને બંને જહાનની સલામતી નાઝિલ ફરમાવે.

Check Also

અમ્ર બિલ-મારૂફ અને નાહી અનિલ-મૂન્કરની જવાબદારી નવો ભાગ

ચાર જવાબદારીઓ દીન ની સુરક્ષા માટેની બેસિસ દુનિયામાં દીન સ્થાપિત કરવા માટે અલ્લાહ તઆલા એ …