
قال سيدنا أبو ذر رضي الله عنه من شدة خشية المحاسبة بين يدي الله: والله لوددت أن الله عز وجل خلقني يوم خلقني شجرة تعضد ويؤكل ثمرها (فلا أحاسب على أعمالي بين يدي الله عزّ وجلّ) (حلية الأولياء ١/١٦٢)
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અલ્લાહની સામે પેશી અને હિસાબ-કિતાબના સખત ખોફના કારણે એક વખત ફરમાવ્યું:
“અલ્લાહની કસમ! મારી તો એ તમન્ના હતી કે જે દિવસે અલ્લાહ અઝ્ઝ-વ-જલ્લે મને પેદા કર્યો, તો એક એવું ઝાડ બનાવ્યો હોત જેને કાપી નાખવામાં આવત અને તેનું ફળ ખાઈ લેવામાં આવત. (અને તેનો મામલો પૂરો થઈ જાત અને અલ્લાહ તઅ઼ાલાની સામે એક ઝાડ હોવાના કારણે પોતાના આમાલનો હિસાબ આપવો ન પડત.)”
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ (મોટો) અદબ અને એહતિરામ
કબીલા બનૂ-સુલૈમના એક શખ્સ બયાન કરે છે:
હું એક વખત એક મજલિસમાં બેઠેલો હતો, જેમાં હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પણ મોજૂદ હતા. મારા ઝેહનમાં એવો ખ્યાલ હતો કે કદાચ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ, હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી નારાજ હશે; કારણ કે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને હુકમ આપ્યો હતો કે તેઓ મદીના-મુનવ્વરા છોડીને ‘રબ્ઝહ’ મુન્તકિલ (શિફ્ટ) થઈ જાય.
મજલિસ દરમિયાન એક માણસે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ખિલાફ કોઈ ખોટી વાત કહી. જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ વિશે તે માણસની બૂરી વાત સાંભળી, તો તેમણે તરતજ ટોકતા જવાબ આપ્યો અને તે માણસને કહ્યું: “તમે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ વિશે ભલાઈ અને સારી વાત સિવાય બીજું કંઈ ન કહો; કારણ કે હું ગવાહી આપું છું કે હું એક એવા મોકા પર મોજૂદ હતો, જ્યાં મેં હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની સાથે એક ખાસ વાકિયો જોયો, જેને હું ક્યારેય ભૂલી શકું નહીં.”
(પછી તેમણે તે વાકિયો બતાવતા ફરમાવ્યું:)
એક વખત મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી તન્હાઈમાં બેસવાની ઇજાઝત માંગી; જેથી હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી ઇલ્મ હાસિલ કરી શકું અને તેમની નસીહતો સાંભળી શકું.
હું થોડીવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે તન્હાઈમાં રહ્યો, પછી હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયા, તે પછી હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તશરીફ લાવ્યા અને પછી હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ આવ્યા. આ બધા હઝરાત એક પછી એક, થોડા-થોડા વક્ફા (સમયના ગાળા) પછી હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાસે હાજર થયા.
જ્યારે અમે બધા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં મોજૂદ હતા, તો એ જ દરમિયાન આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે કેટલીક કંકરીઓ પોતાના મુબારક હાથમાં લીધી. કંકરીઓને હાથમાં લેતા જ, તે કંકરીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક હાથમાં તસ્બીહ પઢવા લાગી.
તે કંકરીઓની તસ્બીહનો અવાજ એટલો સાફ અને બુલંદ હતો કે તે અમને મધમાખીઓના ગણગણાટની જેમ સંભળાઈ રહ્યો હતો.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે કંકરીઓ હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના હાથમાં આપી, તો તેમના હાથમાં પણ કંકરીઓ તસ્બીહ પઢતી રહી. જ્યારે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને પાછી જમીન પર મૂકી, તો તે ખામોશ થઈ ગઈ.
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે કંકરીઓને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના હવાલે કરી, તો તે તેમના હાથમાં પણ તસ્બીહ પઢવા લાગી. આ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસેથી લઈને જમીન પર મૂકી દીધી, તો તે ખામોશ થઈ ગઈ.
ત્યારપછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે કંકરીઓને હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના હાથમાં આપી, તો તે તેમના હાથમાં પણ (એ જ રીતે) તસ્બીહ પઢવા લાગી; પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસેથી લઈને જમીન પર મૂકી દીધી, તો તે ખામોશ થઈ ગઈ.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી