મહોબ્બતનો બાગ (ભાગ: ૮૧)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો

અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ સૌથી ઉમદા અને ઊંચા દરજ્જાનો હતો. અલ્લાહ ત’આલાએ તેમને માનવતાના માર્ગદર્શન (રહનુમાઈ) માટે પસંદ કર્યા હતા, જેથી તેઓ લોકોને શીખવે કે સાચા મુસલમાન કેવી રીતે બનવું અને જિંદગી કેવી રીતે જીવવી.

દરેક નબી ઇસ્લામનો અમલી નમૂનો હતા, પરંતુ તમામ નબીઓમાં અલ્લાહ તઆલાએ આપણા નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને એવો ઇસ્લામ અતા કર્યો જે તમામ નબીઓના ઇસ્લામથી અફઝલ છે.

એટલે જ તમામ નબીઓમાં હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સૌથી અફઝલ રસૂલ અને નબી છે અને તેઓ અલ્લાહ ત’આલાના સૌથી વધુ મહ્બૂબ (પસંદીદા) છે. હઝરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આખરી નબી છે, તેમના પર જ નુબુવ્વતનો સિલસિલો પૂરો થયો અને તેઓ તમામ નબીઓ અને રસૂલોના ઇમામ છે.

આપણા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના દરજ્જા પછી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો દરજ્જો આવે છે.

અલ્લામા સુયૂતી રહ઼્મતુલ્લાહી અલૈહ્એ ઝિક્ર કર્યું છે કે તમામ ઉલમાઓ આ વાત પર સહમત છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો ઇસ્લામ, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ઇસ્લામ પછી સૌથી અફઝલ ઇસ્લામ હતો.

ઉલમા-એ-કિરામ ફરમાવે છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પછી કાં તો હઝરત મૂસા અલૈહિસ્સલામ છે અથવા હઝરત ઈસા અલૈહિસ્સલામ અથવા હઝરત નૂહ અલૈહિસ્સલામ છે. આ વાત પર કોઈ એક રાય નથી કે દરજ્જાના હિસાબે આ ત્રણેયમાંથી ત્રીજા નંબરે કોણ છે. જોકે, બાકીના તમામ નબીઓનો મરતબો આ ત્રણેય નબીઓના (હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામના) દરજ્જા પછી આવે છે.

કુરાન-શરીફમાં અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની ઘણી તારીફ કરી છે. અને ખૂબસૂરત સિફાત બયાન ફરમાવી છે

તેમની કેટલીક ખાસ સિફાત (ખૂબીઓ) નીચે મુજબ છે:

૧. એકલા જ પૂરી ઉમ્મત બરાબર

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એકલા હોવા છતાં તેમનામાં એક આખી ઉમ્મત જેટલી ખૂબીઓ હતી અને તેઓ હંમેશા અલ્લાહના હુકમો માનનારા રહ્યા.

અલ્લાહ તઆલા ફરમાવે છે:

إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ

“બેશક હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એક ઉમ્મત હતા (એટલે કે એવા મુકમ્મલ લીડર જેમાં આખી ઉમ્મતના વખાણવા લાયક ગુણો હોય). તેઓ અલ્લાહ તઆલાના ફર્માંબર્દાર હતા. પૂરી રીતે હક તરફ ઝૂકેલા હતા અને મુશ્રિકોમાંના ન હતા.” (સૂરહ નહલ: ૧૨૦)

આ આયતમાં અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની એક ખૂબીની તારીફ કરી છે તે એ છે કે તેઓ હનીફ હતા—એટલે કે એવા વ્યક્તિ જે હંમેશા અલ્લાહની ફર્માંબર્દારી અને ઇતાઅત પર ડટેલા રહે અને ખોટા રસ્તે જરા પણ ન ઝૂકે.

૨. અલ્લાહની નેમતોનો શુક્ર કરનાર

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને અલ્લાહ તઆલાએ દીન અને દુનિયાની જે પણ બરકતો આપી હતી, તેઓ હંમેશા તેનો શુક્ર અદા કરતા હતા.

અલ્લાહ ત’આલા ફરમાવે છે:

شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ‎﴿١٢١﴾

“(તેઓ) અલ્લાહની નેમતોના શુક્રગુઝાર હતા. અલ્લાહએ તેમનો ઇન્તિખાબ કરી લીધો અને સીધા રસ્તા તરફ તેમની રહનુમાઈ કરી.” (સૂરહ નહલ: ૧૨૧)

૩. દુનિયા અને આખિરતમાં કામયાબી

અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર દુનિયામાં પણ ખાસ ફઝલ કર્યો અને ભલાઈ આપી. તેમજ અલ્લાહ ત’આલાએ ફેંસલો કર્યો કે આખિરતમાં પણ તેઓ નેક લોકોમાં સામેલ હશે.

અલ્લાહ ત’આલા ફરમાવે છે:

وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ‎﴿١٢٢﴾

“અમે તેમને દુનિયામાં ભલાઈ અતા કરી અને બેશક તેઓ આખિરતમાં નેક લોકોમાંના હશે.” (સૂરહ નહલ: ૧૨૨)

૪. દરેક ટેસ્ટમાં ટોપર અને ઇમામનો મરતબો

અલ્લાહ ત’આલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અલગ-અલગ આઝ્માઈશો લીધી અને તેઓ દરેક આઝ્માઈશમાં પૂરી રીતે કામયાબ થયા. જેથી અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતે તેમને ઇમામતનો મન્સબ અતા કર્યો.

અલ્લાહ ત’આલા ફરમાવે છે:

وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ

“અને (યાદ કરો) જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને તેમના રબે કેટલીક વાતો દ્વારા અજમાવ્યા, તો તેમણે તે બધી પૂરી કરી. તો અલ્લાહએ ફરમાવ્યું: હું તને લોકોનો ઇમામ બનાવી રહ્યો છું.” (સૂરહ બકરહ: ૧૨૪)

Check Also

બાગે-મોહબ્બત (ભાગ-૮૦)

ઇસ્લામની કરન્સી આ દુનિયાના જીવનમાં માણસની એક મૈન ફિકર ‘માલ’ (રૂપિયા,પૈસા વગેરે) મેળવવાની છે. તેનું …