
لما احتضر سيدنا بلال رضي الله عنه قال: غدا نلقي الأحبة، محمدا وحزبه
فقالت له امرأته حزينة: واويلاه!
فقال سيدنا بلال رضي الله عنه: وافرحاه! (فقد حان وقت لقاء رسول الله صلى الله عليه وسلم والصحابة رضي الله عنهم) (من سير أعلام النبلاء ٣/٢٢٣)
જ્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની વફાતનો સમય નજીક આવ્યો, ત્યારે તેમણે ફરમાવ્યું:
“કાલે અમે દોસ્તોને મળીશું. હઝરત મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને તેમના સાથીઓને મળીશું.”
આ સાંભળીને હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની બીવીએ અફસોસ સાથે કહ્યું કે: “એ મુસીબત!”
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુએ તેમને ફરમાવ્યું: “એ ખુશી!” (એટલે કે હું આ સમયે ઘણો ખુશ છું; કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ સાથે મારી મુલાકાતનો સમય નજીક આવી ગયો છે).
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની મદીના-મુનવ્વરા તરફ વાપસી
અલ્લામા ઝર્કાની રહ઼િમહુલ્લાહએ સહી સનદ સાથે હાફિઝ ઇબ્ને-અસાકિર રહ઼િમહુલ્લાહથી નીચે મુજબનો વાકયો નકલ કર્યો છે:
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની વફાત પછી હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ માટે મદીના-મુનવ્વરામાં રહેવું મુશ્કેલ હતું; કારણ કે તેમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પ્રત્યે બેહદ મોહબ્બત હતી અને મદીના-મુનવ્વરામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ના-કાબિલે ફરામોશ (ક્યારેય ન ભૂલી શકાય તેવી) યાદો હતી.
તેથી હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ મદીના-મુનવ્વરાથી નીકળીને મકામે-દારિયા (જે શામમાં એક જગ્યા છે) ત્યાં રહેવા ચાલ્યા ગયા. થોડા સમય પછી શામમાં રોકાણ દરમિયાન હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુએ એક રાતે ખ્વાબમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને જોયા.
ખ્વાબમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને સંબોધીને ફરમાવ્યું કે: “એ બિલાલ! તમે મારાથી કેમ દૂર થઈ ગયા છો? શું તે સમય નથી આવ્યો કે તમે અમારી મુલાકાત માટે આવો?”
જ્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ ઊંઘમાંથી જાગ્યા, ત્યારે તેઓ એટલા ગમગીન અને ફિકરમંદ થયા કે તેઓ તરત જ પોતાની સવારી પર બેસીને મદીના-મુનવ્વરા માટે રવાના થઈ ગયા.
જ્યારે તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની કબ્ર મુબારક સામે પહોંચ્યા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી બેપનાહ મોહબ્બત અને આપની જુદાઈ પર ગમની તીવ્રતાથી હારી જઈને તરત જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.
ત્યારબાદ હઝરત હસન અને હઝરત હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુમા તેમને મળવા આવ્યા. તેમને જોઈને હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુએ તેમને ગળે લગાવ્યા અને તેમને બોસો આપ્યો; કારણ કે તેમના દિલમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખાનદાન માટે બેહદ મોહબ્બત હતી.
ત્યારબાદ હઝરત હસન અને હઝરત હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુમાએ હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુને ફરમાવ્યું કે: “અમે તમારી અઝાન સાંભળવા માંગીએ છીએ, જે રીતે તમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે અઝાન આપતા હતા.”
તેથી હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ અઝાન આપવા માટે એક ઊંચી જગ્યા પર ચઢી ગયા. જેવા જ તેમણે અઝાન આપવાનું શરૂ કર્યું અને “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર” કહ્યું, તો મદીના-મુનવ્વરાની ગલીઓ તેમના મુબારક અવાજથી ગુંજી ઉઠી.
જ્યારે તેઓ અઝાનના આગળના કલિમાત કહેતા ગયા, મદીના-મુનવ્વરામાં ગુંજ વધતી ગઈ; ત્યાં સુધી કે ઔરતો અને બાળકો ઘરોમાંથી નીકળી આવ્યા. તેઓ બધા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના દૌરે-મુબારકની યાદને કારણે રડી રહ્યા હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ થી તેમની એવી બેમિસાલ મોહબ્બત હતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની વફાત પછી કોઈ દિવસ મદીનાવાળાઓને આટલા રડતા જોયા ન હતા, જેટલા તે દિવસે તેમને રડતા જોવામાં આવ્યા.
(ઝર્કાની: ૭૧/૫)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી