હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું:

سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)

સઈદ જન્નતમાં હશે (એટલે ​​કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી).

હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ગઝ્વ-એ-બદરના સહભાગીમાં સામેલ છે

ગઝ્વ-એ-બદર પહેલા, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને ખબર મળી કે કુરૈશનો તિજારતી કાફલો તેના માલસામાન સાથે શામથી મક્કા-મુકર્રમા તરફ પાછો ફરી રહ્યો છે; તેથી, આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ અને હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુમા)ને કાફલા વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે મોકલ્યા.

દસ દિવસ પછી, અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) સાથે બદર જવા માટે મદીના-એ-મુનવ્વરહથી નીકળી ગયા.

હઝરત તલ્હા અને હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુમા) મકામે-હ઼વ્રો પહોંચીને કાફલાની રાહ જોતા રહ્યા. જ્યારે કાફલો પસાર થઈ ગયો, ત્યારે તેઓ બંને તરત જ મદીના-મુનવ્વરહ તરફ રવાના થયા જેથી અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને કાફલો પસાર થઈ ગયો છે આ વાતની ખબર આપે.

પંરતુ, મદીના-મુનવ્વરહ પહોંચતા પહેલા, અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને કાફલા વિશે સમાચાર મળી ચૂક્યા હતા અને તેઓ સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ)ના એક જૂથ સાથે મદીના-મુનવ્વરહથી નીકળી ચૂક્યા હતા.

મદીના-મુનવ્વરહ છોડતા પહેલા, અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) આ કાફલાનો પીછો કરવા અને તેને રોકવા માટે સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) ને તર્ગીબ આપી. અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેઓને ફરમાવ્યું, “કદાચ અલ્લાહ તઆલા તમને આ કાફલાનો માલ માલે-ગનીમત તરીકે આપશે.”

(તર્ગીબ આપવુ = રગ્બત પૈદા કરવી)

હઝરત તલ્હા અને હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુમા) એ જ દિવસે મદીના-મુનવ્વરહ પહોંચ્યા જ્યારે મુસલમાનોનો મકામે-બદર ખાતે કાફિરોનો સામનો થયો. જંગની ખબર મળતા જ બંને સહાબા (રદ઼િયલ્લાહુ અન્હુમા) હક અને બાતિલની લડાઈમાં હકનો સાથ આપવા માટે તરત જ બદર તરફ રવાના થયા. જો કે, રસ્તામાં, તુર્બાન નામની જગ્યા પર, તેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને મળ્યા જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) અને સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) બદરથી પાછા ફરી રહ્યા હતા.

જો કે હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ અને સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુમા)એ જંગમાં ભાગ લીધો ન હતો, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમને ગનીમતના માલમાંથી હિસ્સો આપ્યો અને તેમને ખાતરી આપી કે બદરમાં ભાગ લેનાર બીજા સહાબા-એ-કિરામ જેટલો જ તેઓને સવાબ મળશે.

કેટલીક રિવાયતોમાં આવ્યું છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમને માલે-ગનીમત માંથી હિસ્સો આપ્યો ત્યારે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને પૂછ્યું: “અને મારો સવાબ?” (એટલે ​​કે, અમને માલે-ગનીમત માંથી હિસ્સો તો મળ્યો પરંતુ શું અમને જંગનો સવાબ મળશે કે નહીં?, તેમને દુનિયાના માલ કરતા આખિરતના સવાબની વધારે ફિકર હતી.) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમને ખાતરી આપી કે તેમને પણ શુરકા-એ-બદર સમાન સવાબ મળશે.

હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સાથે અન્ય તમામ જંગમાં ભાગ લીધો હતો.

Check Also

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર

جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم …