
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી.
કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે.
હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં આવ્યું છે કે રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: ઝકાત દ્વારા તમારા માલ ની (રૂપિયા પૈસા વગેરેની) હિફાજત કરો, તમારા બીમારોની સારવાર સદકા દ્વારા કરો અને બલા, મુસીબત મુશ્કેલીઓની મોજો નો દુઆ અને અલ્લાહ તઆલા સામે આજિઝી સાથે આવકાર કરો.
અન્ય એક હદીસમાં જણાવવામાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: જો કોઈ વ્યક્તિ તેના માલની ઝકાત અદા કરે, તો તે માલનો શર (ખરાબી) તેનાથી ચાલી જાય છે. (અલ-મુ’જમુલ-વસ્ત઼, અર્-રક઼મઃ ૧૫૭૯)
ઝકાત – એક લાંબા ગાળાનું રોકાણ
હંમેશા બાકી રહેનારી દોલત કમાવાની દરેકની ખ્વાહિશ હોય છે. એવી દોલત જે ક્યારેય ખતમ ન થાય અને ન જ કોઈ સમયે ઓછી થાય; બલ્કે દરેક પળ તેમાં વધારો થતો રહે અને તેનો નફો વધતો રહે.
અલ્લાહ તઆલાએ આપણને ઝકાત દ્વારા આવી દોલત મેળવવાનો મોકો આપ્યો છે.
જ્યારે કોઈ ઝકાત અદા કરે છે, તો તે એક લાજવાબ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આખિરતનું ઇન્વેસ્ટમેન્ટ મેળવે છે, જે ક્યારેય ઓછું થતું નથી; બલ્કે તેમાં વધારો થતો રહે છે, એટલો વધારે વધારો કે જ્યારે ઝકાત અદા કરનાર આખિરતમાં પહોંચશે, તો તે જોશે કે જે ખજૂર તેણે સદકાના રૂપમાં અલ્લાહ તઆલાની રઝા (ખુશી) માટે ખર્ચ કરી હતી, તેનો અજ્ર (બદલો) અને સવાબ પહાડથી પણ મોટો હશે.
એક હદીસમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ હલાલ કમાણીથી એક ખજૂર બરાબર સદકો કરે છે અને અલ્લાહ તઆલા ફક્ત પાક વસ્તુઓને (હલાલ કમાણીને) જ કબૂલ ફરમાવે છે, તો અલ્લાહ તઆલા તેને પોતાના જમણા હાથથી કબૂલ ફરમાવે છે (એટલે કે અલ્લાહ તઆલા તેને કબૂલ ફરમાવે છે અને તેનાથી ખુશ થાય છે), પછી તેને ખૈરાત કરનાર માટે પાલતા રહે છે, જેવી રીતે તમારામાંથી કોઈ પોતાના ઘોડાના બચ્ચાને પાલે છે અને વધારે છે; ત્યાં સુધી કે તે ખૈરાત (જે બંદો અલ્લાહ તઆલા માટે આપે છે, આખિરતમાં તે ખૈરાતનું વજન) પહાડ બરાબર થઈ જાય છે. (સહીહ અલ-બુખારી, રકમ: ૧૪૧૦)
સહીહ મુસ્લિમની રિવાયતમાં આવ્યું છે કે તે સદકો (વજનમાં) પહાડથી પણ વધારે થઈ જાય છે. (સહીહ મુસ્લિમ, રકમ: ૧૪૧૦)
કુર્આન-એ-કરીમમાં અલ્લાહ તઆલાએ ઝકાત અને સદકાનો અઝીમ (મહાન) અજ્ર અને સવાબ વર્ણવ્યો છે; તેથી અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે:
مَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ ﴿٢٦١﴾
“તે લોકોનું ઉદાહરણ જે અલ્લાહની રાહમાં પોતાનું માલ ખર્ચ કરે છે, તેવું છે, જેમ કે એક દાણો, તેમાંથી સાત ડૂંડીઓ (બાળીઓ) ઊગે, દરેક ડૂંડીમાં સો સો દાણા હોય અને અલ્લાહ તઆલા સવાબ વધારે છે, જેના માટે ચાહે છે અને અલ્લાહ તઆલા ઘણા જ વુસઅતવાળા, જાણનારા છે.” (સૂરહ અલ-બકરહ: ૨૬૧)
અલબત્તા આ ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ)માં કામયાબી માટે શરત એ છે કે ઇન્સાન આ ફરજને ઇખ્લાસ સાથે સુન્નત મુજબ હલાલ માલથી અદા કરે.
અહાદીસે-મુબારકા (મુબારક હદીસો)માં અલ્લાહના રસ્તામાં *નફ્લ સદકાત*ની અપાર ફઝીલતો બયાન કરવામાં આવી છે; અલબત્તા સૌથી વધારે ફઝીલત ઝકાતની બયાન કરવામાં આવી છે; આથી ઝકાત અદા કરવાનો સવાબ નફ્લ સદકાના સવાબ કરતાં ક્યાંય વધારે છે, શરત એ કે આ ઝકાત સાચી રીતે અને ઇખ્લાસ સાથે અદા કરવામાં આવે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી