એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું:
ما أنت يا طلحة إلا فيّاض (تاريخ دمشق ٢٥/٩٣)
હે તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (ખૂબ જ સખી) છો.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને બે પ્રસંગોએ “અલ-ફય્યાઝ”નું બિરુદ આપ્યું હતું.
આવી જ એક ઘટનાનો ઉલ્લેખ નીચે મુજબ છે.
ગઝ્વા-એ-ઝી-ક઼રદ દરમિયાન, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ બય્સાનના કૂવા પાસેથી પસાર થયા. એ કૂવાનું પાણી કડવું હોવાનુ મશહૂર હતું.
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે આ કૂવાનું નામ નઅમાન રાખવું જોઈએ. નઅમાન એટલે સારું. એક તરફ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે કૂવાનું નામ બદલ્યું તો બીજી તરફ અલ્લાહ તઆલાએ કૂવાના પાણીને મધુર (મીઠું) બનાવી દીધું.
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ તે કૂવો તેના માલિક પાસેથી ખરીદ્યો અને તેનું પાણી મુસલમાનો માટે વક્ફ કરી દીધુ.
એક રિવાયત માં છે કે એ જ જંગમાં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ એક ઊંટને પણ ઝબહ કર્યું અને તેનું ગોશ્ત લોકોને ખવડાવ્યું. આ મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: ઓ તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (અત્યંત સખી) છો.