હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુએ એકવાર ફરમાવ્યું:
أخلائي من هذه الأمة ثلاثة: أبو بكر وعمر وأبو عبيدة بن الجراح رضي الله عنهم (فضائل الصحابة لأحمد بن حنبل، الرقم: ١٢٧٧)
આ ઉમ્મતમાં મારા ત્રણ ખાસ દોસ્ત છે: અબૂ-બક્ર, ઉમર અને અબૂ-ઉબૈદહ.
હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુનો બુલંદ મકામ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના વફાત પછી, અન્સાર સકીફા બની સાઇદામાં એકઠા થયા; જેથી તેઓ પોતાનામાંથી ખલીફા પસંદ કરે.
તે સમયે હઝરત અબૂ-બક્ર અને હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ઘરે હતા અને તેઓને તેની જાણ ન હતી.
હઝરત અબૂ-બક્ર અને હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ઘરમાંજ હતા કે અચાનક હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ બહારથી એક અવાજ સાંભળ્યો: એ ખત઼્ત઼ાબના પુત્ર! બાહર આવો! (મારે તમને કંઈક કહેવુ છે.)
હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: ચાલ્યા જાઓ; કારણ કે હું અત્યારે કામમાં છું (તે સમયે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો મુબારક જિસ્મ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ઘરમાંજ હતો અને હજુ સુધી દફનાવવામાં આવ્યા ન હતા), પાછો એક અવાજ આવ્યો: “હે ખત઼્ત઼ાબના પુત્ર! બહાર આવો! કારણ કે કંઈક મોટો બનાવ બનવા જઈ રહ્યો છે. અન્સાર પોતાની વચ્ચેથી ખલીફાને પસંદ કરવા માટે એકઠા થયા છે; તેથી તમારી અને તેમની વચ્ચે કોઈ મતભેદ થાય અને તમારી અને તેમની વચ્ચે લડાઈ ઊભી થઈ જાય તે પહેલાં તેમની પાસે જાઓ.
આ સાંભળીને હઝરત અબૂ-બક્ર અને હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમા તરત જ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ઘરની બહાર નીકળ્યા અને સકીફા બની સાઇદા તરફ ચાલી પડ્યા. રસ્તામાં તેઓ હઝરત અબૂ-ઉબૈદહ બિન જર્રાહ઼ રદ઼િયલ્લાહુ અન્હુને મળ્યા, તો તેઓ પણ તેમની સાથે જોડાય ગયા.
સકીફા બની સાઇદા પહોંચ્યા પછી, હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ અને અન્સાર વચ્ચે લાંબી વાતચીત થઈ. હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ એ તેમને સમજાવ્યું કે તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને કહેતા સાંભળ્યા છે કે ખલીફા ફક્ત કુરૈશમાંથી જ બની શકે છે અને કારણ કે તે કુરૈશમાંથી નથી, તેથી તેમનામાંથી ખલીફા ન બની શકે.
તે પછી, હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ એ હઝરત ઉમર અને હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુમાના હાથ પકડીને અન્સારને કહ્યું: હું ખુશ છું કે તમે આ બે મહાપુરુષોમાંથી એકને પસંદ કરો. (એટલે કે આમાંથી તમે જેને ચાહો તેને મુસલમાનોના ખલીફા તરીકે નિયુક્ત કરો.)
તે સમયે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ અન્સારોને સંબોધીને કહ્યું: હે અન્સારના લોકો! શું તમે નથી જાણતા કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે અબૂ-બક્ર ને લોકોને નમાજમાં ઇમામત (આગેવાની) કરવાનો આદેશ આપ્યો હતો? તમારામાંથી કોની અંદર હિમ્મત છે અબૂ-બક્રની સામે ઊભા થવાની? (અને ખલીફા હોવાને નાતે, નમાજ પઢાવે.)
આ સાંભળીને અન્સારોએ કહ્યું: અલ્લાહની પનાહ! અબૂ-બક્ર ની સામે ઉભા થવાથી.
ત્યાર પછી હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુનો હાથ પકડીને તેમનાથી બૈઅત લીધી, ત્યારપછી હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુએ અને અન્સારે બૈઅત લીધી . તે પછી, અન્ય તમામ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમે પણ હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુના હાથ પર બૈઅત લીધી.
(બૈઅત એટલે દીની અને દુન્યવી કામોમાં શરિયતને અનુસરવા માટે કોઈને રહબર અને માર્ગદર્શક બનાવવું)
આ ઘટનાથી આપણને માલૂમ પડે છે કે હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ નું કેટલું બુલંદ મકામ હતું કે તેઓ હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ અથવા હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુને પ્રથમ ખલીફા બનાવવાનો સુજાવ આપ્યો, પરંતુ હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ સહિત તમામ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમે આ મત સ્વીકાર્યો ન હતો અને તેઓ બધા સંમત થયા હતા કે અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ થી મોટો કોઈ સહાબી નથી; તેથી, તે ખલીફા બનવા માટે સૌથી વધુ લાયક છે.