દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ
મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ છે કે દજ્જાલ એક મનુષ્ય છે અને કયામત પહેલા ચોક્કસ સમયે દુનિયામાં ઉમ્મત માટે એક મોટો ફિતન (કસોટી) બની ને સામે આવશે.
(ફિતનો અર્થ જાંચ, કસોટી, પરખ, પરીક્ષા)
નીચે દજ્જાલના દસ જિસ્માની અને ઇન્સાની લક્ષણો છે, જે મુબારક હદીસમાં વર્ણવવામાં આવ્યા છે:
પ્રથમ લક્ષણ: દજ્જાલના વાળ વાંકડિયા હશે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: એક રાત્રે મેં (સ્વપ્નમાં) જોયું કે હું કાબાની નજીક હતો, પછી મેં એક ઘઉં રંગના માણસને જોયો, જે ઘઉં રંગ વાળા લોકોમાં સૌથી સુંદર હતો. વાળ તેના કાન અને ખભા વચ્ચે હતા. તેના વાળ ઓળેલા હતા અને ત્યાંથી પાણીના ટીપા ટપકતા હતા, તે બે માણસોના ખભા નો સહારો લઈને કાબાનો તવાફ (પરિક્રમા) કરી રહ્યો હતો. મેં પૂછ્યું આ કોણ છે? મને બતાવવામાં આવ્યું કે આ મસીહ (ઈસા) બિન મરિયમ (અલૈહિસ્સલામ) છે. પછી મેં સખત વાંકડિયા વાળવાળા એક પસ્તા-કદ માણસને જોયો, અને તે જમણી આંખે કાણો હતો; જાણે તે ફૂલેલી દ્રાક્ષ જેવો દેખાતો હતો. મેં પૂછ્યું આ કોણ છે? મને કહેવામાં આવ્યું કે આ મસીહ દજ્જાલ છે. (સહીહ મુસ્લિમ, અર-રકમઃ 169)
(મસીહ અર્થ મસીહ ઇઝરાયેલી ભાષામાં એક શબ્દ છે, વાસ્તવમાં મસીહ, માશીહ અથવા મશીહા હતો જેનો અર્થ થાય છે શુભ, ભલુ કરનાર)
(પાસ્તા કદનો મતલબ પસ્તનો અર્થ નીચો અને કદનો અર્થ લંબાઈ અર્થાત ઠીંગણો, ઠિંગુજી)
બીજું લક્ષણ: દજ્જાલની આંખો એબ-દાર હશે
(એબ-દાર અર્થ ખામી વાળી)
દજ્જાલની બંને આંખો એબ-દાર હશે; જો કે, એક આંખ સંપૂર્ણપણે ચામડીથી ઢંકાયેલી હશે, જ્યારે બીજી આંખ દ્રાક્ષની જેમ ફૂલેલી હશે (ઉપરની હદીસમાં જણાવ્યા મુજબ).
હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ચોક્કસ! હું સારી રીતે જાણું છું કે દજ્જાલ પાસે શું હશે. તેની સાથે બે વહેતી નહેરો હશે. તેમાંથી એકમાં પાણી સાફ દેખાશે, જ્યારે બીજી નહેર સાફ રીતે ભડકતી આગ દેખાશે. તે સમયે જો કોઈ ત્યાં હાજર હોય, તો તેણે તે નહેર પર જવું જોઈએ જ્યાં તે આગ જુએ, પછી પોતાનુ માથું નમાવીને તેમાંથી પીવું જોઈએ; કારણ કે તે ઠંડુ પાણી હશે. બેશક, દજ્જાલની આંખ ઢંકાયેલી હશે, તેની ઉપર ચામડીનું જાડું આવરણ હશે. તેની આંખોની વચ્ચે “કાફિર” શબ્દ લખેલો હશે, જેને દરેક મોમિન વાંચશે, પછી ભલે તે ભણેલો હોય કે અભણ.
(મોમિન અર્થ માનનાર અર્થાત અલ્લાહ તઆલા અને તેના રસૂલ ની વાત માનનાર, મુસલમાન)
ત્રીજુ લક્ષણ: દજ્જાલ પસ્તા-કદનો અને ભારે શરીરનો હશે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: કોઈ શક નહિ, મસીહ દજ્જાલ ઠિંગુજી હશે, તેની એડીઓ દૂર હશે અને તેના પગ અંદરની તરફ હશે, તેના વાળ ખૂબ જ વાંકડિયા હશે, તેની એક આંખ ખામીયુક્ત હશે, અને બીજી આંખ ભૂંસાઈ ગયેલી હશે (સપાટ હશે) ન તો ઉભરેલી હશે ન અંદર ની તરફ ધસેલી. જો તમે શંકામાં પડો (દજ્જાલ વિશે), તો યાદ રાખો કે તમારો રબ કાણો નથી (જ્યારે દજ્જાલ કાણો હશે).
બીજી હદીસમાં, હઝરત તમીમ દારી રદ઼િયલ્લાહુ અન્હુ એ દજ્જાલ વિશે વાત કરતા કહ્યું: પછી અચાનક તેમાં (એટલે કે ટાપુ પર બનેલા ચર્ચમાં) એક ખૂબ જ વિશાળ શરીર ધરાવતો માણસ હતો, જેને અમે જોયો.
ચોથું લક્ષણ: દજ્જાલ ફિડ્ડો હશે (ફિડ્ડો એટલે કે જેના પગનો આગળનો ભાગ ચાલવામાં નજીક નજીક પડે અને એડી દૂર દૂર)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ચોક્કસ, મસીહ દજ્જાલ પસ્તા-કદનો હશે અને ફિડ્ડો હશે.
પાંચમું લક્ષણ: દજ્જાલના વાળ ખૂબ જ વધારે અને ગીચોગીચ હશે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: દજ્જાલની ડાબી આંખ કાણી હશે અને તેના વાળ ઘણા ને ગીચ હશે. તેની સાથે જન્નત (સ્વર્ગ) અને જહન્નમ (નરક) હશે. તેની જહન્નમ (અસલમાં) જન્નત હશે અને તેની જન્નત (અસલમાં) જહન્નમ હશે.
છઠ્ઠું લક્ષણ: દજ્જાલનું કપાળ પહોળું હશે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે ગુમરાહનો મસીહ એ માણસ છે જેની પેશાની (કપાળ) ચોડી હશે , જેની ડાબી આંખ ભૂંસાઈ ગયેલી હશે, અને ગરદનનો નીચેનો ભાગ ચોડો હશે; જાણે કે તે અબ્દુલ-‘ઉઝ્ઝા બિન કતન છે.
(ગુમરાહ અર્થ ગેરમાર્ગ અર્થાત સીધા રસ્તા થી હટેલ, ખોટા રસ્તા પર ચાલનાર)
સાતમું લક્ષણ: દજ્જાલને કોઈ સંતાન નહીં હોય
સહીહ-મુસ્લિમની હદીસમાં છે કે શું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એવું નથી ફરમાવ્યું કે દજ્જાલ વાંઝિયો હશે અને તેની કોઈ ઔલાદ નહીં હોય?
આઠમું લક્ષણ: દજ્જાલનો રંગ સાફ હશે
જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને દજ્જાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફરમાવ્યું: મેં તેને જોયો કે તે જાડો અને સાફ રંગનો હતો. તેની એક આંખ જાણે ચમકતો તારો હોય તેમ ફૂલેલી હતી. તેના વાળ ઝાડની ડાળી જેવા હતા.
નવમું લક્ષણ: દજ્જાલની આંખોની વચ્ચે “કાફિર” શબ્દ લખેલ હશે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તેની આંખોની વચ્ચે “કાફિર” શબ્દ લખેલો હશે. દરેક મોમિન તેને વાંચશે, પછી ભલે તે ભણેલો હોય કે અભણ.
દસમું લક્ષણ: અબ્દુલ-‘ઉઝ્ઝા બિન ક઼ત઼નનો દેખાવ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: હું માનું છું કે તે (દજ્જાલ) અબ્દુલ-‘ઉઝ્ઝા બિન ક઼ત઼ન જેવો દેખાય છે.
ઉપરોક્ત હદીસો કે જેમાં દજ્જાલની દસ જીસ્માની લાક્ષણિકતાઓ બયાન કરવામાં આવી છે તેમાંથી આપણે સમજીએ છીએ કે દજ્જાલ એક ઇન્સાન છે. જો દજ્જાલ એક આલમી નિઝામ (દુન્યવી વ્યવસ્થા) અથવા ભૂત-જીન હોત અથવા ઇન્સાન અને ભૂત-જીન બંનેનું મિશ્રણ હોત, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેની શારીરિક (જીસ્માની) અને માનવીય (ઇન્સાની) લાક્ષણિકતાઓનું વર્ણન ન કર્યું હોત.