સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે તે ફેલાય જાય (૩) ગાંઠોમાં ફૂંક મારવા વાળીઓના શરથી (૪) અને હસદ (ઈર્ષ્યા) કરવા વાળાના શરથી, જ્યારે તે હસદ કરવા લાગે (૫)

(પનાહ= શરણ, બચાવ, હિફાજત)
(શર = દુષ્ટતા, બુરાઈ, શરારત)

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ‎﴿١﴾‏ مَلِكِ النَّاسِ ‎﴿٢﴾‏ إِلَٰهِ النَّاسِ ‎﴿٣﴾‏ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾‏ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ‎﴿٦﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી જવા વાળો છે (૪) જે લોકોના દિલોમાં વસવસો નાંખે છે (૫) પછી ભલે તે (વસવસો નાંખવાવાળો) જીનમાંથી હોય કે લોકોમાંથી (હું પનાહ માંગું છું) (૬) 

(મા’બૂદ = જેની પૂજા અને ઇબાદત કરવામાં આવે, અલ્લાહ)
(વાસવસો = દુષ્ટ વિચાર, ખરાબ ખ્યાલ, દીન વિરોધી વિચાર જે શેતાન પેદા કરે છે)

આ બે સૂરતો (એટલે ​​કે સૂરહ-ફલક અને સૂરહ-નાસ) મદીના મુનવ્વરા ખાતે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની હિજરત પછી નાઝિલ થઈ (ઉતરી) હતી, તેથી જ આ બંને સૂરતોને મદની સૂરત કહેવામાં આવે છે.

શાને-નુઝૂલ

આ બંને સૂરતોનો શાને-નુઝૂલ આ છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર ખતરનાક જાદુ કરવામાં આવ્યો હતો.

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ

હિજરતના છઠ્ઠા વર્ષે, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમે ઉમરા કરવાના ઈરાદાથી મક્કા-મુકર્રમા નો સફર કર્યો. પરંતુ મક્કાના કાફિરોએ તેમને મક્કામાં દાખિલ થતા અટકાવ્યા. આ પછી, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને કાફિરો વચ્ચે સંધિ (સુલહ) થઈ, જેમાં એવી શરત મૂકવામાં આવી કે દસ વર્ષ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ યુદ્ધ કે લડાઈ નહીં થાય. આ સમાધાનને સુલ્હે-હુદૈબિયા કહેવામાં આવે છે.

સુલહ-સમાધાન પછી, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ ઝુલ-હિજ્જાના મહિનામાં મદીના-મુનવ્વરા પાછા ફર્યા.

એક મહિના પછી, મુહર્રમ 7 હિજરીમાં, યહૂદીઓનું એક જૂથ લબીદ બિન આસમ પાસે આવ્યું, જે જાદુટોણા અને મેલી વિધામાં ખૂબ જ માહેર હતો. આ યહૂદીઓએ તેને કહ્યું, કે અમે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ કરવાની અને તેમને કતલ કરવાની કોશિશ કરી; પરંતુ અમારા જાદુટોણા નો તેમના પર કોઈ અસર ન થયો; તેથી કરીને અમે તારો સંપર્ક કરવાનું નક્કી કર્યું; કારણ કે અમે જાણીએ છીએ કે તુ આ ફિલ્ડમાં માસ્ટર છે અને આમાં તારા જેવો બીજો કોઈ નથી.

પછી તેઓએ તેને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મારી નાખવા માટે ત્રણ દીનાર આપ્યા.
(દીનાર = સોનાનો સિક્કો)

કેટલીક રિવાયતમાં છે કે લબીદ એક યહૂદી હતો, જ્યારે અન્ય રિવાયતો જણાવે છે કે તે એક મુનાફિક હતો, અને કેટલીક રિવાયતો અનુસાર, તે મદીના-મુનવ્વરાના અન્સારમાંથી હતો.

હાફિઝ ઇબ્ને-હ઼જર રહ઼િમહુલ્લાહ આ રિવાયતોનું સમાધાન કરતા લખે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના હિજરત કરવા પહેલા, અન્સાર અને યહૂદીઓ વચ્ચે ગાઢ સંબંધો હતા, પરંતુ જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હિજરત કરીને મદીના-મુનવ્વરા પધાર્યા ત્યારે અન્સારોએ ઇસ્લામ કબૂલ કર્યો. અને યહૂદીઓ સાથે સંબંધો તોડી નાંખ્યા. લબીદ બિન આસમ પણ તેમની વચ્ચે હતો. યહૂદીઓ સાથેના તેના ગાઢ સંબંધને કારણે કેટલાક લોકો તેને યહૂદી સમજતા હતા.

લબીદ બનૂ-ઝુરીકના કબીલામાંથી હતો. તે મુસલમાન હોવાનો ઢોંગ કરતો હતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મજલિસમાં હાજરી પણ આપતો હતો, પરંતુ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને ખબર હતી કે તે મુનાફિક છે.

યહૂદીઓ પાસેથી ત્રણ દીનાર લીધા પછી, લબીદે એક યહૂદી યુવકનો કોન્ટેક્ટ કર્યો જે અવાર-નવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના ઘરે આવજાવ કરતો હતો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની ખિદમત કરતો હતો. તેણે તે યુવાન છોકરાને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક વાળ લાવવા કહ્યું, અને તેનો વિશ્વાસ જીતવા, ખોટો ડોળ કર્યો કે વાળનો ઉપયોગ કોઈ સારા હેતુ માટે કરવા માંગે છે; તેથી તે યુવકે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક વાળ અને કાંસકો લાવીને તેને આપી દીધો.

લબીદે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક વાળ અને કાંસકાના દાંતનો ઉપયોગ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ કરવા માટે કર્યો. અન્ય રિવાયતોમાં, એવું કહેવાય છે કે તેણે મીણમાંથી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની તસ્વીર બનાવી હતી અને તેમાં અગિયાર સોય લગાડેલી.

લબીદ બીન આસમનો આખો પરિવાર સાહ઼િર (મેલી વિધા જાણનાર) હતો; તેથી, તેણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ કરવા માટે તેની સગી બેટીઓની પણ મદદ લીધી.

જાદુ કર્યા પછી, લબીદે મદીના-મુનવ્વારામાં ઝરવાન નામના કૂવામાં એક પથ્થરની નીચે તે વસ્તુઓ (જેમાં જાદુ કરવામાં આવ્યો હતો) છુપાવી દીધી.

હઝરત ‘આયશા રદ઼િય અલ્લાહુ અન્હા બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ કરવામાં આવ્યો ત્યારે તેઓ બીમાર પડી ગયા અને ઘણી બધી દુન્યવી બાબતો ભૂલી જવા લાગી. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ભૂલી જતા કે આજે તેમની પાકીઝા બીવીઓમાંથી કોની વારી છે અને બીજી બીવીના ઘરે ચાલ્યા જતા. એ જ રીતે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની ભૂખ પણ ખતમ થઈ રહી હતી અને ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા; જો કે, જાદુનો દીની બાબતો પર કોઈ અસર ન થયો (જેમ કે દીનને ઉમ્મત સુધી પહોંચાડવુ, વહ઼ીને યાદ રાખવુ વગેરે). લગભગ છ મહિના સુધી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર આ બીમારીની અસર રહી.

જ્યારે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સમક્ષ આ સમસ્યા આવી ત્યારે શરૂઆતમાં તેમને લાગ્યું કે આ કોઈ બીમારીની અસર છે; તેથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે સારવાર માટે કપિંગ ઉપચાર કરાવ્યું; પરંતુ જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સ્વાસ્થ્યમાં કોઈ સુધારો દેખાતો નજરમાં ન આવ્યો, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સમજી ગયા કે બીજી કોઈ વસ્તુ સ્વાસ્થ્યને અસર કરી રહી છે.

બે ફરિશ્તા વચ્ચેનો વાર્તાલાપ

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે એક વખત તેમની બીમારી દરમિયાન હઝરત ‘આઇશા રદ઼િયલ્લાહુ ‘અન્હા સાથે વાત-ચીત કરી અને તેમને ફર્માવ્યું કે હું લાંબા સમયથી બીમાર છું અને હું અલ્લાહ તઆલાને લગાતાર દુઆ કરતો રહ્યો કે મારા પર તેની વાસ્તવિકતા અને સચ્ચાઈ ખોલી નાંખો; બસ જ્યારે હું અર્ધી ઊંઘ માં હતો, ત્યારે અલ્લાહ તઆલાએ મારી પાસે બે ફરિશ્તા મોકલ્યા. (હઝરત જીબ્રીલ ‘અલૈહિસ્સલામ અને હઝરત મીકાઈલ ‘અલૈહિસ્સલામ.) એક મારા સિર્હાને અને બીજો મારા પગ પાસે બેઠો.
(સિર્હાને અર્થ માથા પાસે.)

માથા પાસે બેઠેલા ફરિશ્તાએ બીજા ફરિશ્તાને પૂછ્યું કે આને શું થયું છે?કઈ બીમારીથી પીડિત છે? બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો: તેના પર જાદુનો અસર છે.

પછી માથાવાળા ફરિશ્તાએ બીજા ફરિશ્તાને પૂછ્યું કે જાદુ કોણે કર્યો છે? બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો: લબીદ બિન આ’સમ.

માથા પરના ફરિશ્તાએ બીજા ફરિશ્તાને આગળ પૂછ્યું કે તેના પર જાદુ કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો: તેમના વાળ, કાંસકાના દાંત અને ખજૂરના આવરણ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરિશ્તાઓની આ વાતચીત સાંભળી, જેના વતી અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને બીમારીની સાચી હકીકત જણાવી અને આ ખ્વાબમાં અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને જાદુની સામગ્રી એક કુવામાં રાખવામાં આવી હોવાનું પણ બતાવ્યું.

તે પછી, જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ઊંઘમાંથી જાગી ગયા ત્યારે તેમણે ચાર સહાબા-એ-કિરામ (હઝરત ‘અલી, હઝરત ‘અમ્માર, હઝરત જુબૈર બિન અયાસ અને હઝરત ક઼ૈસ બિન મિહ઼્સન) રદ઼િયલ્લાહુ અન્હુમને તે જગ્યાએ જવાનો આદેશ આપ્યો. જ્યાં મંતરેલી વસ્તુઓ મૂકેલી હતી અને તેને ત્યાં થી દૂર કરવાનુ કહ્યું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પણ કૂવા પાસે ગયા અને જે વસ્તુઓ પર જાદુ કરવામાં આવ્યો હતો તેને કુવાના ઊંડાણમાંથી એક પથ્થરની નીચેથી બહાર કાઢવામાં આવી.

સૂરહ-ફલક઼ અને સુરહ-નાસનું નુઝૂલ

(નુઝૂલ અર્થ નીચે ઉતરવું)

આ જ પ્રસંગે, હઝરત જીબ્રીલ અલૈહિસ્સલામ આકાશમાંથી ઉતર્યા અને પોતાની સાથે આ બે સૂરતો (સૂરહ-ફલક઼ અને સુરહ-નાસ) લાવ્યા જે તે સમયે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પર નાઝિલ થઈ હતી.

હઝરત જિબ્રીલ ‘અલૈહિસ્સલ્લામે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ બંને સૂરતોની એક-એક આયતને શરૂઆતથી અંત (છેલ્લે) સુધી પઢવાનો હુકમ આપ્યો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક-એક આયતને પાઠ (તિલાવત) કરવાનું શરૂ કરતાની સાથે જ એક-એક ગાંઠ ખુલતી ગઈ અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મીણના ફોટામાંથી સોય નીકળી ગઈ. જ્યારે સોય બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને થોડો દુખાવો થતો હતો; પરંતુ તે પછી ખૂબ જ રાહત અનુભવી.

(મીણનો અર્થ મધમાખીના મધપૂડામાંથી નીકળતો ચીકણો, નરમ, સફેદ પદાર્થ જેનો ઉપયોગ મીણબત્તીઓ વગેરેમાં થાય છે.)

જો કે, કેટલીક હદીસમાં ઉલ્લેખ છે કે જાદુનો અસર ખતમ થયા પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને એટલી બધી રાહત મળી કે જાણે તેઓ લાંબા સમય સુધી સાંકળોથી બંધાયેલા હતા અને છેવટે તેમાંથી છુટકારો મળ્યો હોય.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત ‘આઇશા રદ઼િયલ્લાહુ ‘અન્હાને તે કૂવાના ઝાડ અને પાણી વિશે ફર્માવ્યું કે તેનું પાણી એવું હતું કે જાણે તેમાં મહેંદી નાંખીને તેને ઘેરો કાળો કરી નાખવામાં આવ્યું હોય અને કૂવામાં ઉગવા વાળા ઝાડ શેતાનોના માથા જેવા હતા (એટલે ​​કે, તે વૃક્ષોની ડાળીઓ સાપના માથા જેવી હતી, એટલા માટે કે અરબના લાકો કેટલાક સાપને તેમની કુરૂપતાને કારણે શેતાનની સાથે સરખામણી કરે છે.) આ તે ભયાનક અને ખતરનાક જગા હતી જ્યાં મંતરેલી અને જાદુ કરેલી વસ્તુઓને દાટવામાં આવી હતી.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો બુલંદ કિરદાર

જ્યારે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર થી જાદુની અસર ખતમ થઈ ગઈ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ખૂબ જ હળવાશ અનુભવી ત્યારે હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મશવરહ આપ્યો કે લોકોને બોલાવીને એલાન કરો કે ફલાણાએ તમારા પર જાદુ કર્યો હતો અને લોકોની સામે જાદુને ખાકિસ્તર કરે.

કેટલીક રિવાયતોમાં આવ્યુ છે કે હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મશવરહ આપ્યો હતો કે આ વ્યક્તિ (લબીદ બિન આસમ) ને મદીના-મુનવ્વરામાંથી હાંકી કાઢો. પરંતુ, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તરત જ જવાબ આપ્યો: ઓ આઇશા! અલ્લાહે મને શિફા આપી દીધી છે, (તેથી મને તેની જરૂર નથી) અને મને એ પસંદ નથી કે શર અને ફિત્નો લોકોમાં ફેલાય.

કેટલાક સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને બદલો લેવા માટે આ વ્યક્તિને મારી નાખવાનો મશવરહ આપ્યો હતો. પરંતુ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે જવાબ આપ્યો કે તેને અલ્લાહ તઆલા તરફથી જે અઝાબ મળશે તે વધારે સખ્ત હશે.

પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હુકમ આપ્યો કે કૂવો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આદતે-શરીફા એવી હતી કે તેઓ પોતાની જાતની બાબતોમાં ક્યારેય કોઈનાથી બદલો લેતા ન હતા; તેના બદલે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હંમેશા તે લોકોની સાથે અફ્વ-દરગુઝર નો મામલો કરતા હતા જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે ખરાબ વર્તાવ કરતા હતા; અહિંયા સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તે લોકો સાથે પણ સારો વર્તાવ કરતા હતા, જેઓ એ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જુલમ કર્યો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મજલિસોમાં લબીદ બિન આસમ આવ્યા કરતો હતો, કારણ કે તે મુનાફિકોમાંનો એક હતો. તેમ છતાં, આ ઘટના પછી પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેની સાથે ક્યારેય આ વિશે વાતચીત ન કરી અને ન તો તેની સાથે કોઈ અલગ વર્તાવ કર્યો.

સૂરહ ફલક અને સૂરહ નાસ ના નુઝૂલ નો મકસદ

અગાઉ બયાન કર્યુ તેમ, આ બંને સૂરતો ત્યારે નાઝિલ થઈ જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જાદુ કરવામાં આવ્યો હતો. અલ્લાહ તઆલાએ બિલ્-ખુસૂસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની હિફાજત અને ઇલાજ માટે નાઝિલ ફરમાવી અને બિલ્-ઉમ્મુમ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઉમ્મતની હિફાજત માટે.

તેથી, કેટલીક હદીસોમાં, સૂરહ ફલક અને સૂરહ નાસને મુઅવ્વઝતય્ન (હિફાજતની બે સૂરતો) કહેવામાં આવી છે.

ઉલામા-એ-કિરામ બયાન કરે છે કે પહેલી સૂરત (એટલે ​​​​કે સૂરહ ફલક) બિલ-ખુસૂસ (ખાસ કરીને) તમામ જિસ્માની પરેશાનીઓ અને આફતોથી હિફાજત માટે નાઝિલ કરવામાં આવી હતી અને બીજી સૂરત (એટલે ​​કે સૂરહ નાસ) બિલ-ખુસૂસ (ખાસ કરીને) તમામ રૂહાની નુકસાન અને આફતથી હિફાજત માટે નાઝિલ કરવામાં આવી હતી.

Check Also

સુરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …