બાગે-મોહબ્બત (ત્રીસમો એપિસોડ)

નેક-સાલેહ આલિમ સાહેબ થી મશવરહ કરવાનું મહત્વ

(મશવરહ કરવુ= પરામર્શ કરવુ)

“દરેક કામ માં તે કામ ના માહેર લોકો ને પૂછવું જોઇએ” એ એક ઉસૂલ અને નિયમ છે જે સામાન્ય રીતે બયાન કરવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં એને લાગુ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, ધારો કે એક વ્યક્તિ તેના સપનાનું ઘર બનાવવા માંગે છે, તે તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કયા પગલાં લેશે?

સૌ પ્રથમ તે નકશો બનાવવા માટે નિષ્ણાત આર્કિટેક્ટનો સંપર્ક કરશે, પછી તે ઘર બનાવવા માટે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની સેવાઓ લેશે.

જરા વિચારો, જો તે માહેર આર્કિટેક્ટ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મદદ વગર પોતાનું ઘર બનાવવાનું શરૂ કરે તો તેનું પરિણામ શું આવશે? આપણે સારી રીતે અંદાજ લગાવી શકીએ છીએ કે તે પોતાના માટે અને બીજાઓ માટે કેટલી મુશ્કેલીઓ ઊભી કરશે.

યોગ્ય માર્ગદર્શન અને ગાઈડન્સ, અનુભવ અને મહારત વિના, આખે આખું ઘર તૂટી પડે અને તેના જીવન અને અન્ય લોકોના જીવન જોખમમાં મુકાય તેવી સંભાવના છે.

તેવી જ રીતે, જ્યારે આરોગ્યને લગતી કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે બુદ્ધિશાળી અને નિષ્ણાત ડોકટરોની સલાહ લેવામાં આવે છે, તેવી જ રીતે બિઝનેસ વગેરે હિસાબ-કિતાબ ની બાબતમાં એકાઉન્ટન્ટની સલાહ લેવામાં આવે છે અને જ્યારે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય ત્યારે વકીલોની સલાહ લેવામાં આવે છે.

ખુલાસો એ છે કે જીવનના દરેક પગથિયે લોકોની આદત છે કે તેઓ આ સિદ્ધાંત અને ઉસૂલ પર અમલ કરે છે અને તેઓ એવા લોકો પાસેથી મદદ અને ગાઈડન્સ લે છે જેમને તેઓ પોતપોતાના કામમાં નિષ્ણાત, સ્માર્ટ અને અનુભવી માને છે.

જેમ ઇન્સાન માટે જીવનના તમામ ક્ષેત્રો અને કામોમાં આ સિદ્ધાંત અને ઉસૂલનું પાલન કરવું જરૂરી છે, તેવી જ રીતે દીનમાં પણ આ સિદ્ધાંત અને ઉસૂલનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

ઇસ્લામની તાલીમ એ છે કે જ્યારે આપણને કોઈ દીની રહનુમાઈ (ઘાર્મિક માર્ગદર્શન) લેવાની જરૂરત પડે (જુવે દીની બાબતોમાં હોય કે દુન્યવી બાબતોમાં) તો આપણે બુઝુર્ગાને-દીન (દીન ના વડીલો) નેક-સાલેહ આલિમ પાસે જવું જોઈએ.

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેમની ઉમ્મતને કોઈ પણ બાબતમાં કોઈ નિર્ણય લેતા પહેલા નેક-સાલેહ આલિમ ની સલાહ લેવાનું શીખવ્યું છે.

એનું કારણ એ છે કે આલિમ લોકો ની પાસે દીન નો ઇલ્મ (જ્ઞાન) છે; તેથી, તેઓ આપણને ઠીક-ઠીક દીની સલાહ આપી શકે છે અને તેઓ આપણને બરાબર ગાઈડન્સ કરી શકે છે, વધારે માં, જ્યારે માણસ તેમની સાથે મશવરહ કરશે, ત્યારે તે તેના મામલામાં શરિયતના સાચા હુકમ અને મસ્અલા ને જાણશે, પછી તે તેના મામલામાં યોગ્ય નિર્ણય લઈ શકશે. અને તેના કિસ્સામાં અલ્લાહ તઆલાને રાજી કરી શકશે. તેથી, દીનનું ઇલ્મ મેળવ્યા વિના કોઈપણ કેસ અથવા મુદ્દામાં નિર્ણય લેવો એ અંધારામાં તીર મારવા જેવું છે.

નિકાહ અને શાદી ની બાબતમાં પણ ઇસ્લામ શીખવે છે કે વ્યક્તિએ પોતાના વડીલોની સલાહ લેવી જોઈએ અને તેમની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ.

ખાસ કરીને છોકરીના કિસ્સામાં, ઇસ્લામ એ વાત પર ભાર મૂકે છે કે તેણે નેક શૌહર પસંદ કરવા માટે તેના વાલિદૈન (માતાપિતા) અને પરિવારના વડીલો પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. છોકરી માટે પોતાની મેળે જીવનસાથી શોધીને લગ્ન કરવા એ અત્યંત નિંદનીય અને બેશરમી ની વાત છે.

તેથી, હદીસ-શરીફમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ છોકરી તેના વલી (માતા-પિતા વગેરે) વિના જાતે પોતાની રીતે શાદી કરે, તો આવી શાદી અને લગ્ન બરકત અને ભલાઈથી ખાલીખમ રહેશે.

હદીસ-શરીફમાં, છોકરીને તેના વાલિદૈન અથવા વડીલો સમક્ષ તેનો કેસ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કારણ કે સામાન્ય રીતે વાલિદૈન તેમના બાળકો કરતાં વધુ ઇલ્મ, સમજ અને અનુભવ ધરાવે છે; કારણ કે તેઓ આ બાબતોમાંથી પસાર થયા છે અને જીવનના ઉતાર-ચઢાવ જોયા છે; જેથી તેઓ તેમના બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.

ઉપરાંત, છોકરીની સલામતી અને સુખાકારી આમાં છે કે તે તેના માતાપિતાના ઇલ્મ (નોલેજ) અને અનુભવ થી ફાયદો ઉઠાવે; ન કે જીવનસાથી (પતિ)ને જાતે પોતાની રીતે શોધે….

એવા ઘણા ઉદાહરણો છે જ્યાં બેટીઓએ ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો; કારણ કે તેમણે પોતાનો જીવનસાથી પોતે જ પસંદ કર્યો અને તેમના વાલિદૈન (માતા-પિતા) અને વડીલોની સલાહ ન લીધી.

એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બુઝુર્ગાને-દીન અને નેક-સાલેહ આલિમ પાસે પોતાની વાત લઈ જવી એ માત્ર દીન અને દુનિયામાં સલામતી મેળવવાનો રસ્તો નથી; બલ્કે, આ બરકત, ભલાઈ, સુખાકારી, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ચાવી પણ છે.

તેથી જ હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ એ ફરમાવ્યું: બરકત તમારા બુઝુર્ગોની પાસે છે.

બીજી એક હદીસ-શરીફમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: મશવરહ (પરામર્શ) કરવાવાળો પસ્તાસે અને શરમમાં મૂકાશે નહીં.

નીચે એક બોધપાઠ લેવા લાયક ઘટના છે, જે એ હકીકતનું ખૂબ મહત્વ દર્શાવે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા, આપણે આપણા બુઝુર્ગો અને નેક-સાલેહ આલિમો ની સલાહ લેવી જોઈએ અને તેઓ જે કહે છે તેનું પાલન કરવું જોઈએ.

શેખ અલી તંતાવી રહિમહુલ્લાહની પૌત્રીની ઘટના

શેખ અલી તંતાવી રહિમહુલ્લાહ (અલ્લાહ એમના પર રહેમ કરે.) સીરિયાના એક આલિમ હતા.

તેની પૌત્રી કહે છે કે તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેણે અને તેના સમગ્ર પરિવારે કેનેડા ચાલી જવાનું નક્કી કર્યું.

જ્યારે તેમના દાદા, શેખ અલી તંતાવી રહિમહુલ્લાહ ને ખબર પડી, ત્યારે તેમણે તેમને મનાઈ કરી અને તેમને કહ્યું:

કાફિરોની ભૂમિમાં તમારું જીવન જીવવાનો તમારો નિર્ણય તમારી આવનારી પેઢીને માટે દીનથી હાથ ધોવાનું કારણ બનશે; કારણ કે શક્ય છે કે તમે તમારા બાળકોના દીન ની હિફાજત કરી લીઓ; પરંતુ તમે તમારા બાળકોના બાળકના (પૌત્રા,પૌત્રી અને નવાસા,નવાસીના) દીનની હિફાજત અને સલામતીની ખાતરી આપી શકતા નથી; તેથી, તેમના દીનના વિનાશ અને બરબાદીની જવાબદારી તમારા માથા પર ન લો.

શેખ અલી તંતાવી રહિમુલ્લાહની પૌત્રી કહે છે કે તે સમયે હું તેમની વાત સ્વીકારવામાં અચકાતી હતી અને મને લાગ્યું કે તેઓ (મારા દાદા) ખૂબ જ કડક માણસ છે અને તેઓ ફક્ત અને ફક્ત તેમના બાળકોના જીવન પર પોતાનો અંકુશ જાળવી રાખવા માંગે છે.

જો કે, મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને મેં અને મારા પરિવારના સભ્યોએ તેમની સલાહને અનુસરવાનું અને તેમની વાત માનવાનું નક્કી કર્યું.

થોડા વર્ષો પછી, જ્યારે મેં જોયું કે ઘણા લોકોના બાળકો અને બાળકોના બાળકો બિન-મુસ્લિમ દેશોમાં ગયા પછી ઇસ્લામ છોડી ગયા છે, ત્યારે મને મારા દાદાની સલાહ અને માર્ગદર્શનનું મૂલ્ય સમજાયું, પછી મેં તેમના માટે દુઆ કરી કે અલ્લાહ તઆલા તેમના પર રહમ ફરમાવે.

હવે હું તેમના અભિપ્રાય અને વિચાર સાથે સંપૂર્ણ રીતે સંમત છું અને જ્યારે પણ હું એવા લોકોની કોઈ ઘટના જોઉં છું કે જેમના બાળકોએ તેમનો દીન ગુમાવ્યો છે, ત્યારે મને તેમનો સમજદારી પૂર્વક લીધેલો નિર્ણય યાદ આવે છે.

ઉપરોક્ત ઘટનાથી, આપણે સારી રીતે સમજીએ છીએ કે હદીસ-શરીફની તાલીમોનું (એટલે ​​​​કે તમારી બાબત ને હંમેશા નેક-સાલેહ આલિમ અને બુઝુર્ગાને-દીન પાસે લઈ જાઓ) પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે; કારણ કે આમ કરવાથી ઇન્સાન દીન પર યોગ્ય રીતે ચાલશે અને પોતાની જાતને અને પોતાના સંતાનોને દુનિયા અને આખિરતના નુકસાનથી બચાવશે.

Check Also

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭

લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ …