રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું:
إن لكل نبي حواريا وإن حواريي الزبير بن العوام. (صحيح البخاري، الرقم: 3719)
બેશક, દરેક નબીનો કોઈનો કોઈ હ઼વારી (ખાસ મદદગાર) છે અને મારો હ઼વારી ઝુબૈર બિન ‘અવ્વામ છે.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના હવારી બનવાનું બિરુદ
ગઝવ-એ-અહઝાબ (ગઝવ-એ-ખંદક તરીકે પણ ઓળખાય છે) ના મૌકા પર, મુસલમાનોને સમાચાર મળ્યા કે બનૂ-કુરૈઝાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ સાથેનો તેમનો કરાર તોડી નાખ્યો છે અને દુશ્મનો સાથે જોડાઈ ગયા છે.
આ ખબરની સચ્ચાઈ જાણવા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ ને પૂછ્યું કે કોણ છે જે મારી પાસે આ લોકો (એટલે કે બનુ-કુરૈઝા)ના સમાચાર લઈને આવે? હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂએ તરત જ જવાબ આપ્યો: હું તેમના સમાચાર લાવવા તૈયાર છું.
થોડા સમય પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરી પૂછ્યું, “કોણ છે જે મારી પાસે આ લોકો (એટલે કે બનુ-કુરૈઝા) ના સમાચાર લઈને આવે?” ફરી એકવાર હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂએ પોતાનું નામ રજૂ કર્યું.
અંતે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ત્રીજી વખત પૂછ્યું, “કોણ છે જે મારી પાસે આ લોકો (એટલે કે બનુ-કુરૈઝા) ના સમાચાર લઈને આવે?” આ વખતે પણ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂએ તરત જ જવાબ આપ્યો કે હું તેમના સમાચાર લાવીશ.
આ અવસરે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ થી ખૂબ જ ખુશ થયા અને ફરમાવ્યું: ચોક્કસ દરેક નબીના માટે કોઈને કોઈ હ઼વારી (ખાસ મદદગાર) હતો અને મારો હ઼વારી ઝુબૈર બિન ‘અવ્વામ છે.