સુરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَهُ كُفُوًا اَحَدٌ ‎﴿٤﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ લોકોને) કહો કે અલ્લાહ એક છે (એટલે ​​કે અલ્લાહ તઆલા તેના સ્વભાવ અને ગુણોમાં યકતા છે) (૧) અલ્લાહ બે-નિયાઝ છે (એટલે કે તમામ મખલૂક તેની મોહતાજ છે અને તે કોઈનો મોહતાજ નથી) (૨) ન તો તેણે કોઈને જણ્યો છે અને ન તો તેને કોઈએ જણ્યો છે (૩) અને ન તો કોઈ તેના બરાબર દરજ્જાનો છે (૪)

તફસીર

આ સૂરતમાં, તૌહીદ ના અકીદા ને (અલ્લાહ ત’આલા ની વહદાનિય્યત તેની ઝાત અને સિફતો માં) બયાન કરવામાં આવી છે, જે ઇસ્લામના બુનિયાદી અકાઈદ માંથી છે.

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમના સમયના મુશરિકો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટે તૌહિદનો અકીદો એક નવી વાત હતી.

મુશરિકોની હાલત આ હતી કે અલ્લાહ પર ઈમાન રાખવાની સાથે સાથે તેઓએ ઘણા મા’બૂદ બનાવ્યા હતા જેની તેઓ ઈબાદત કરતા હતા અને એના થી વધીને ફરિશ્તાઓને અલ્લાહ ત’આલાની બેટીઓ કહેતા હતા.

જ્યાં સુધી ‘ઇસાઈઓની વાત છે, તેઓએ તસ્લીસના અકીદો રાખતા હતા અને ઉલૂહિયત ને ત્રણ ભાગોમાં વિભાજીત કરતા હતા એટલે કે તેઓ કહેતા હતા ખુદા ત્રણ હિસ્સા નો મજમૂઓ છે – બાપ, બેટા અને રુહ-ઉલ-કુદુસ અને આ તેઓ ‘અકીદો પણ રાખતા હતા કે હઝરત ઈસા ઐલહિસ્સલામ ખુદાના બેટા છે.

જ્યાં સુધી અરબના યહૂદીઓનો સંબંધ છે, તેમનો ‘અકીદો આ હતો કે હઝરત ‘ઉઝૈર ઐલહિસ્સલામ ખુદાના બેટા છે.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે લોકોની સામે તૌહીદ નો ‘અકીદો બયાન કર્યો અને તેમને એક અલ્લાહ ત’આલાની ઇબાદત કરવાની દાવત આપી કે તેમની ઝાત-ઓ-સિફાતમાં કોઈને શરીક (ભાગીદાર) ન કરે, ત્યારે તેમની વચ્ચે ઘણા લોકો અલ્લાહ ત’આલા વિશે પૂછવા લાગ્યા અને ભાત ભાત ના સવાલો કરવા લાગ્યા.

જ્યાં સુધી અરબના યહૂદીઓનો સંબંધ છે, તેમનો ‘અકીદો આ હતો કે હઝરત ‘ઉઝૈર ઐલહિસ્સલામ ખુદાના બેટા છે.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે લોકોની સામે તૌહીદ નો ‘અકીદો બયાન કર્યો અને તેમને એક અલ્લાહ ત’આલાની ઇબાદત કરવાની દાવત આપી કે તેમની ઝાત-ઓ-સિફાતમાં કોઈને શરીક (ભાગીદાર) ન કરે, ત્યારે તેમની વચ્ચે ઘણા લોકો અલ્લાહ ત’આલા વિશે પૂછવા લાગ્યા અને ભાત ભાત ના સવાલો કરવા લાગ્યા.

તેથી, અલ્લાહ ત’આલાએ તેમના સવાલોના જવાબમાં આ સૂરત નાઝીલ કરી.

આ સૂરતમાં, અલ્લાહ ત’આલાને લગતી તેમની તમામ ખોટી માન્યતાઓ, ‘અકીદાઓને અને તેમની ગલત-સમજોને એકદમ સ્પષ્ટ રીતે અને અસરકારક અંદાજમાં દૂર કરવામાં આવી છે જેનો અન્ય કોઈપણ ભાષામાં યોગ્ય રીતે તર્જમો અને ભાષાંતર કરવુ શકય નથી.

ખુલાસો આ છે કે આ સૂરતમાં અલ્લાહ ત’આલા સાથેના દરેક પ્રકારના શિર્કને નકારી કાઢવામાં આવ્યા છે અને તૌહીદના બુનિયાદી ઉસૂલ (સિદ્ધાંત) બયાન કરવામાં આવ્યા છે.

સૂરહ ઇખલાસની ફજીલતો

મુબારક હદીસોમાં આ સૂરતની ઘણી ફજીલતો આવેલી છે.

એક હદીસમાં આવ્યું છે કે જે વ્યક્તિ આ સૂરતને એકવાર પઢે તો તેને એક તિહાઈ (ત્રીજા ભાગનું) કુરાન શરીફ પઢવા બરાબર સવાબ મળે છે.

તેવી જ રીતે અન્ય એક હદીસ શરીફમાં આવેલુ છે કે જો કોઈ વ્યક્તિ સવાર-સાંજ ત્રણ કુલ (સૂરહ-એ-ઇખ્લાસ, સુરહ-એ-ફલક અને સૂરહ-એ-નાસ) ની તિલાવત કરે છે, તો આ ત્રણેય સૂરત તેને તે દિવસની તમામ મુશ્કેલીઓ, મુસીબતો અને પરેશાનીઓથી બચાવે છે.

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ લોકોને) કહો કે અલ્લાહ એક છે (એટલે ​​કે અલ્લાહ તઆલા તેના સ્વભાવ અને ગુણોમાં યકતા છે).

જ્યારે કાફિરો એ અલ્લાહ તઆલા વિશે સાંભળ્યું, ત્યારે તેઓએ કટાક્ષ અને ઠેકડી ઉડાવતા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને પૂછ્યું કે તમે અમને અલ્લાહ તઆલાનો નસબ (વંશ) બતાવો.

એટલું જ નહિ; તેના થી વધીને, તેમાંથી કેટલાકે પૂછવા લાગ્યા કે “શું તમે અમને કહી શકો છો કે અલ્લાહ ત’આલા ની તખ્લીક કઈ વસ્તુ અને કયા પદાર્થમાંથી થઈ છે?”

આ અવસર પર આ સુરત નાઝીલ થઈ હતી.

આ સૂરતમાં અલ્લાહ તઆલાને લગતા સવાલોના વિગતવાર જવાબ આપવામાં આવ્યા છે, તેવી જ રીતે કાફિરોના વાંધાઓનો પણ જવાબ આપવામાં આવ્યો છે.

આ સૂરતની પહેલી આયતમાં અલ્લાહ તઆલાએ પોતાની ઓળખ “અહદ” લફ્ઝ થી કરી છે. “અહદ” શબ્દનો અર્થ “એક અને તન્હા” છે.

આ શબ્દ બતાવે છે કે અલ્લાહ ત’આલા તેની ઝાત અને સિફતો માં યકતા છે.

અલ્લાહ તઆલાની તેમની ઝાતમાં યકતા નો મતલબ આ છે કે અલ્લાહ તઆલાનું વુજૂદ (અસ્તિત્વ) ઈન્સાન ના વુજૂદ જેવું નથી કે જે તેના વુજૂદ માટે કોઈ કારણ અથવા માધ્યમ નો મોહતાજ હોય (જેમ કે બાળકો તેમના માતાપિતા નાં જરીયે પૈદા થાય છે, અને માતા પિતા બાળક દુનિયા માં આવે તેનું ‌માધ્યમ બને છે).

તેવી જ રીતે, અલ્લાહ તઆલાનું વુજૂદ ટેમ્પરરી નથી જે એક સમય પછી ખતમ થઈ જશે (ઈન્સાન ના વુજૂદ ની જેમ); તેના બદલે, અલ્લાહ તઆલા નું વુજૂદ હંમેશા હંમેશ છે; કારણ કે અલ્લાહ તઆલાની ન તો કોઈ શરૂઆત છે અને ન તો અંત.

અલ્લાહ તઆલાની તેમના ગુણોમાં યકતાનો મતલબ આ છે કે અલ્લાહ તઆલાની દરેક સિફત કામિલ (સંપૂર્ણ) અને બેમિસાલ છે.

અલ્લાહ ત’આલા ની સિફતો મર્યાદિત નથી, જ્યારે કે ઈન્સાન ની સિફતો મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિમાં જોવાની કુદરત અને તાકાત હોય, તો તે ફક્ત એક હદ સુધી જ જોઈ શકે છે અને તેનાથી આગળ જોઈ શકતો નથી. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ વજન ઉપાડવા માટે કાદિર અને સક્ષમ હોય, તો તે એક મર્યાદિત વજન જ ઉપાડી શકે છે અને તેનાથી વધુ ઉપાડી શકતો નથી. અલ્લાહ ત’આલા ઈન્સાન જેવા નથી. અલ્લાહ તઆલાની સિફતો (ગુણો) મર્યાદિત નથી પરંતુ તે અમર્યાદિત છે.

હાસિલ આ છે કે ઈન્સાન ના દરેક સિફત ની કોઈને કોઈ મર્યાદા હોય છે, જ્યારે અલ્લાહ ત’આલાની સિફતોની કોઈ મર્યાદા નથી; તેથી, અલ્લાહ તઆલા તેની ઝાત અને સિફતો માં દરેક રીતે સંપૂર્ણ અને પરીપૂર્ણ છે.

(યકતા= અદ્વિતીય, જેના જેવો બીજો કોઈ ના હોય)

(તખ્લીક = પૈદા કરવું)

اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏

અલ્લાહ બે-નિયાઝ છે (એટલે કે તમામ મખલૂક તેની મોહતાજ છે અને તે કોઈનો મોહતાજ નથી) (૨)

આ આયતમાં અલ્લાહ ત’આલાએ પોતાના માટે “અસ્-સમદ” શબ્દનો ઉપયોગ કર્યો છે.

“અસ્-સમદ” એટલે બે-નિયાઝ, એટલે કે જેની તમામ મખલૂક મોહતાજ છે, જ્યારે કે તે કોઈનો મોહતાજ નથી;

બીજા શબ્દોમાં સમજીએ કે અલ્લાહ ત’આલા તે ઝાત છે જે એકદમ બે-નિયાઝ છે અને તમામ મખલૂક તેમના વુજૂદ (અસ્તિત્વ), અને તરક્કી (પ્રગતિ) માટે દરેક ક્ષણે તેની મોહતાજ છે, જ્યારે તે કોઈપણ સમયે કોઈનો પણ મોહતાજ નથી; તેથી અલ્લાહ ત’આલાની આ સિફત “અસ્-સમદ” એક એવી સિફત છે જે અલ્લાહ ત’આલા સાથે ખાસ છે.

બુત-પરસ્ત લોકો માનતા હતા કે અલ્લાહ ત’આલા ના ઘણા શરીક છે જેઓ તેને બ્રહ્માંડના કામો ને અંજામ આપવામાં મદદ કરે છે.

આ આયતે-કરીમા માં સાફ રીત જાહેર કરવામાં આવ્યું છે કે અલ્લાહ ત’આલા કોઈપણ બાબતમાં કોઈની મદદનો મોહતાજ નથી, બલ્કે દરેકને દરેક પળે તેની મદદની જરૂરત છે. જે અન્યની મદદનો મોહતાજ છે તે મા’બૂદ અને ખુદા કહેવાને લાયક નથી.

(બુત-પરસ્ત = જે મૂર્તિની પૂજા કરે છે)
(શરીક= ભાગીદાર, સહયોગી)

(મખ્લૂક = અલ્લાહએ બનાવેલી વસ્તુઓ જેમ કે ઇન્સાન, ફરિશ્તા, જીન વગેરે)
(બે-નિયાઝ = જે કોઈ નો જરૂરતમંદ ના હોય , જેને કોઈ જરૂરત ન હોય, એટલે કે ખુદા)

لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏

ન તો તેણે કોઈને જણ્યો છે અને ન તો તેને કોઈએ જણ્યો છે (એટલે ​​કે ન તો તેની કોઈ ઔલાદ છે કે ન તો તે કોઈની ઔલાદ છે.)

 આ આયતે કરીમામાં, અલ્લાહ તઆલા બયાન ફરમાવે છે કે ન તો તેણે કોઈને જણ્યો છે (એટલે ​​કે તેને કોઈ ઔલાદ અને સંતાન નથી) અને ન તો તેને કોઈએ જણ્યો છે.

આ આયતે કરીમામાં મક્કા વાળાઓના સવાલોના જવાબ છે, જે તેઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમ ને અલ્લાહ તઆલાના (નસબના) વંશના સંબંધમાં પૂછ્યા હતા. તેઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને અલ્લાહનો નસબ જણાવવા કહ્યું.

અલ્લાહ તઆલા એમને એમ ફરમાવીને જવાબ આપી રહ્યા છે કે તે એક છે એકલો છે, તેણે ન તો કોઈને જણ્યો છે અને ન તો તેને કોઈએ જણ્યો છે.

બીજા શબ્દોમાં, સમજો કે અલ્લાહ તઆલા અબદી (શાશ્વત) છે, તેની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી.  તેવી જ રીતે, તેનું વજૂદ (અસ્તિત્વ) કોઈ સબબ કે માધ્યમ પર આધારિત નથી. અલ્લાહ તઆલાનું વજૂદ ઇન્સાન ના વજૂદ થી વિપરીત છે;  કારણ કે ઇન્સાનનો જન્મ વાલિદૈન (માતા-પિતા) દ્વારા થાય છે.

કેટલાક ફિરકાઓ, સંપ્રદાયો, જેમ કે મુલ્હિદ (નાસ્તિકો), ખુદામાં માનતા નથી;  તેથી, આ સૂરત તેમની ખોટી માન્યતાઓને રદિયો આપે છે અને સાબિત કરે છે કે અલ્લાહ તઆલા એક છે. અલ્લાહ તઆલા એ વાહિદ (એક) ઝાત છે જે હંમેશા રહેવા વાળી છે અને તેની ઝાત અને સિફત માં યકતા છે.

બીજા ફિરકાઓ, જેવી રીતે ઈસાઈ, એક ખુદા માં માને છે; પરંતુ આ પણ કહે છે કે ખુદા ની કંઇક હદ છે, ઈસાઈ લોકો ની માન્યતા છે કે ઈસાઈ ઐલહિસ્સલામ ખુદા છે અને ખુદા ના બેટા પણ છે.

તેવી જ રીતે, અરબના યહૂદીઓ માનતા હતા કે નબી ઉઝૈર (અ.સ.) ખુદાના બેટા છે.

તેથી, આ ફિરકાઓ (સંપ્રદાયો) ખુદાને મખ્લૂક ની જેમ માને છે, જે તેના વજૂદ માટે માધ્યમ અને સબબ ની મોહતાજ છે.

તેથી, આ આયતે કરીમામાં, અલ્લાહ તઆલા એમને એમ ફરમાવીને જવાબ આપી રહ્યા છે કે અલ્લાહ તઆલાને કોઈ ઔલાદ (સંતાન) નથી અને ન તો તે વાલિદૈન (માતા-પિતા) દ્વારા જન્મ્યા છે અને તે મખ્લુક થી વિપરીત છે, કે જેમના માટે કોઈ હદ હોય.

ઉપરોક્ત ફિરકીઓ (સંપ્રદાયો) સિવાય, અન્ય સંપ્રદાયો જેમ કે બહુદેવવાદીઓ જેઓ માનતા હતા કે અલ્લાહ તઆલા મા’બૂદ બર-હક છે;  (એટલે ​​​​કે, તે વાસ્તવિક ખુદા અને ભગવાન છે) પરંતુ કાયનાતની (બ્રહ્માંડની) વ્યવસ્થાનું સંચાલન કરવા માટે, તેના કેટલાક ભાગીદારો છે જે તેને મદદ કરે છે.

અલ્લાહ તઆલા તેમને જવાબમાં ફરમાવે છે કે તે મખ્લૂક માંથી કોઈનો મોહતાજ નથી, જ્યારે તમામ મખ્લૂક  તેની મોહતાજ અને તેના પર નિર્ભર છે.

(અબદી = અલ્લાહ ની ઝાત હંમેશા થી હતી અને હંમેશા રહેશે)

(મુશરિક = એવી વ્યક્તિ જે એક ખુદામાં માને છે પરંતુ તેની સિફતોમાં અને લક્ષણોમાં અન્યનો સમાવેશ કરે છે.)

(નસબ = વંશાવળી, પિતાની બાજુથી કુટુંબ વંશ)

(મખ્લૂક = અલ્લાહએ બનાવેલી વસ્તુઓ જેમ કે ઇન્સાન, ફરિશ્તા, જીન વગેરે)

وَلَمْ يَكُن لَهُ كُفُوًا اَحَدٌ ‎﴿٤﴾‏

અને ન તો કોઈ તેના બરાબર દરજ્જાનો છે (૪)

આ આયતે-કરીમામાં (શ્લોકમાં), તે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે અલ્લાહ-તઆલાની ઝાત માનવ સમજની બહાર છે; તેથી, દરેક વ્યક્તિએ અલ્લાહ તઆલા પર એવી રીતે ઇમાન (આસ્થા) લાવવુ જોઈએ કે તેણે અલ્લાહ તઆલાના દેખાવ વિશે વિચારવું જોઈએ નહીં એવી જ રીતે અલ્લાહ તઆલાની તુલના કોઈ મખ્લુક સાથે કરવી જોઈએ નહીં.

(મખ્લુક = અલ્લાહ દ્વારા પૈદા કરવામાં આવેલ, ઇન્સાન,ભૂત,ધરતી,આકાશ વગેરે બધી વસ્તુઓ અલ્લાહ દ્વારા પૈદા કરવામાં આવેલ છે.)

જ્યારે માણસ પાસે આ દુનિયામાં અલ્લાહ તઆલાને જોવાની શક્તિ નથી, તો અલ્લાહ તઆલાનો દેખાવ કેવો છે તે જાણવું તેના માટે અશક્ય છે; પરંતુ હા, આખિરતમાં (પરલોકમાં), અલ્લાહ-તઆલા ઇમાન વાળાઓને તેના દીદારનું (દર્શનનું) સન્માન આપશે. (આખિરત માં અલ્લાહ તઆલા ઇમાન વાળાઓ ને તે શક્તિ અને તાકાત આપશે જેનાથી તેઓ અલ્લાહ તઆલા ના દીદાર કરી શકશે.)

હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે ઇમાન વાળાઓ જન્નતમાં (સ્વર્ગમાં) પ્રવેશ કરશે, ત્યારે અલ્લાહ-તઆલા તેમને પૂછશે કે શું તેઓ તેમને આપવામાં આવેલી નેમતો થી ખુશ છે કે નહીં. તેઓ જવાબ આપશે કે અમે ખૂબ જ ખુશ છીએ, પછી અલ્લાહ-તઆલા તેમનાથી સવાલ કરશે, “શું હું તમને જન્નતની તમામ નેમતોથી મોટી એક નેમત ન આપું?” ઈમાનવાળા કહેશે: હે અલ્લાહ! તમારા દ્વારા આપવામાં આવેલી નેમતો કરતાં વધી ને શું નેમત હોઈ શકે? અલ્લાહ-તઆલા કહેશે: હું તમને મારા દીદાર (દર્શન) કરાવીશ. જ્યારે ઇમાન વાળા અલ્લાહ તઆલાને જોશે, ત્યારે તેઓ સમજી જશે કે નિઃશંકપણે (બેશક) નેમત (એટલે ​​કે અલ્લાહ તઆલાના દર્શન) એ સૌથી મોટી અને શ્રેષ્ઠ નેમત છે અને તેના જેવી બીજી કોઈ નેમત નથી.
(નેમત= અલ્લાહ ની કૃપા, ઇનામ, ઉપહાર)

અલ્લાહ-તઆલા આ સૂરતને આ આયતે-કરીમાની સાથે સમાપ્ત કરે છે: “અને ન તો કોઈ તેના બરાબર દરજ્જાનો છે.” આ આયતે-કરીમાથી આપણે સમજીએ છીએ કે અલ્લાહ તઆલા પોતાની ઝાત અને તેના તમામ સિફતોમાં (ગુણોમાં) એવી રીતે યક્તા (અદ્વિતીય,યુનિક) છે કે એના જેવો ઝાત અને સિફતોમાં (ગુણોમાં) કોઈ પણ નથી અને ન તો કોઈ ની સાથે તેની તુલના કોઈ પણ રીતે શક્ય છે.

તફસીરનો ખુલાસો (સારાંશ) આ છે કે આ સૂરતમાં તમામ પ્રકારના શિર્કનું ખંડન કરવામાં આવ્યું છે અને તૌહીદ ના મૂળ સિદ્ધાંતો બયાન કરવામાં આવ્યા છે.
(તૌહીદ, એકેશ્વરવાદ = એક જ ઈશ્વર છે અને તે અલ્લાહ છે, તેના સિવાય કોઈ અન્ય ઈશ્વર નથી.)
(શિર્ક= અલ્લાહ ના વ્યક્તિગત અસ્તિત્વ અથવા ગુણોમાં બીજા કોઈનો સમાવેશ, એક કરતાં વધુ ઈશ્વરમાં વિશ્વાસ, બહુદેવવાદ)

Check Also

સૂરા લહબની તફસીર

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ‎﴿١﴾‏ مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ‎﴿٢﴾‏ سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ‎﴿٣﴾‏ وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ‎﴿٤﴾‏ فِي …