ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો
સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર બયાન કરવામાં આવી રહ્યો છેઃ
એહરામ
એહરામ તે હાલતનું નામ છે જેમાં માણસનાં માટે અમુક વસ્તુઓથી બચવુ જરૂરી છે (જેવી રીતે ખુશ્બુ લગાવવુ, વાળ કાપવા, સીવડાવેલા કપડાનું પેહરવુ મર્દોનાં માટે વગૈરહ) ઈન્સાને તે એહરામનાં મમનુઆતથી પરહેજ કરવુ જરૂરી છે, અહિંયા સુઘી કે તે હજ્જ અથવા ઉમરહનાં કામો મુકમ્મલ કરી લે અને એહરામની હાલતથી નિકળી જાય.
જે માણસે ઉમરહ અદા કરવાનો ઈરાદો હોય, તેને જોઈએ કે તે મીકાતથી પસાર થઈને પેહલા એહરામમાં દાખલ થઈ જાય, તેથી જો કોઈ હવાઈ જહાઝથી સફર કરી રહ્યો હોય, તો તેને જોઈએ કે તે હવાઈ જહાઝમાં બેસવાથી પેહલા એહરામ બાંઘી લે અથવા હવાઈ જહાઝનાં અંદર એહરામ બાંઘી લે જે સમયે હવઈ જહાજમાં મીકાતનાં કરીબ આવવાનું એલાન થાય.
મર્દોનો એહરામ
મર્દોનાં એહરામમાં બે કપડા હોય છે, એક કપડાથી જીસ્મનો ઉપર વાળો હિસ્સો ઢાંકવામાં આવે છે અને બીજા કપડાને લુંગીની જેમ બાંઘવામાં આવે છે, જેથી કે જીસ્મનો નીચલો હિસ્સો ઢંકાય જાય. એહરામની હાલતમાં આ જરૂરી છે કે કદમનો તે હિસ્સો જ્યાં તસ્મો (દોરી) બાંઘવામાં આવે છે ખુલ્લો રેહશે (એટલે કદમનો ઉપર વાળો ભાગ જ્યાં હાડકુ ઉભરેલુ રહે છે) તથા કદમનો તે ઉપર વાળા હિસ્સાથી ઉપરનો હિસ્સો ઘૂંટી સાથે ખુલ્લો રાખવુ જરૂરી છે.
ઔરતોનો એહરામ
ઓરતોનાં માટે સીવડાવેલા કપડા જે આખા શરીરને ઢાંકી લે પેહરવુ જાઈઝ છે. તથા તેઓનાં માટે એવા જોડા પેહરવુ પણ જાઈઝ છે જેનાંથી આખો કદમ ઢંકાય જાય. અલબત્તા ઔરતો એહરામની હાલતમાં ચેહરા પર એવુ કપડુ ન નાંખે જે ચેહરાને લાગે, પણ ઔરતોએ અજનબિ મર્દોની સામે ચેહરો ખોલિને બેપરદા થવુ મનાઈ છે. એટલા માટે તેઓને જોઈએ કે ટોપી વાળો નકાબ પેહરે જેનું કપડુ ચેહરાની સામે લટકેલુ રહે અને ચેહરાને ન લાગે.