સલામની સુન્નતો અને આદાબ – ૧

સલામ દીને-ઇસ્લામનું તહિય્યા (અભિવાદન/ગ્રીટિંગ) છે. જેવી રીતે દીને-ઇસ્લામ અમન અને અમાન (શાંતિ અને સુરક્ષા)નો દીન છે, એવી જ રીતે તહિય્યા-એ-ઇસ્લામ (એટલે કે “અસ્સલામુ અ઼લૈકુમ”) અમન અને અમાનનું તહિય્યા છે અને અમન અને અમાનનો પૈગામ આપે છે. સલામ ઇસ્લામી તાલીમાતમાંથી એક અહમ તાલીમ છે, જેનાથી મુસલમાનોની ઓળખ થાય છે. મુબારક હદીસોમાં આની ખૂબ વધારે અહમિયત બયાન કરવામાં આવી છે.

હઝરત અબ્દુલ્લાહ બિન-સલામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બયાન કરે છે:

“જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ હિજરત કરીને મદીના તય્યિબા તશરીફ લાવ્યા, તો મદીના તય્યિબાના લોકો આપના ઇસ્તિકબાલ માટે દોડી પડ્યા. મેં એક શખ્સને ત્રણ વાર આ એલાન કરતા સાંભળ્યો કે અલ્લાહના રસૂલ આવી ગયા! અલ્લાહના રસૂલ આવી ગયા! અલ્લાહના રસૂલ આવી ગયા!’

હું પણ એ લોકો સાથે નીકળ્યો, જેથી કરીને હું પોતે એ શખ્સિયતને જોઉં (જેમના વિશે લોકો કહી રહ્યા હતા કે તેઓ અલ્લાહના રસૂલ છે; જોકે એ વખત સુધી મેં ઇસ્લામ કબૂલ કર્યો ન હતો). જેવી જ મારી નજર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ચહેરા-એ-અન્વર પર પડી, મને યકીન થઈ ગયું કે આ ચહેરો કોઈ ધોખેબાજ કે જૂઠા માણસનો ચહેરો ન હોઈ શકે.

આ મુબારક મોકા પર લોકોથી ખિતાબ કરતા સૌથી પહેલા અલ્ફાઝ, જે મેં આપની ઝબાને-મુબારકથી સાંભળ્યા, તે આ હતા:
‘એ લોકો! (એ મુસલમાનો!) તમારી અંદર સલામને આમ કરો (એટલે કે મુલાકાતના વખતે એક-બીજાને સલામ કરો), મખલૂક (લોકો)ને ખાવાનું ખવડાવો, પોતાના ખાનદાન સાથે સિલા-રહમી (સગા-સંબંધિઓ સાથે સારો વ્યવહાર) કરો, અને રાતમાં નફલ નમાઝ પઢો જ્યારે લોકો ઊંઘતા હોય, તો તમે જન્નતમાં અમન અને સલામતી સાથે દાખિલ થઈ જશો.’ (સુનન તિર્મિઝી: ૨૪૮૫)

હદીસ શરીફમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે બયાન ફરમાવ્યું છે કે સલામ કરવું આપસી મોહબ્બત પેદા કરવાનો ઝરિયો છે અને જન્નતમાં દાખિલ થવાનો બાઈસ (કારણ) છે.

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “તમે એ વખત સુધી જન્નતમાં દાખિલ નહીં થાઓ, જ્યાં સુધી કે તમે ઈમાન ન લાવો; અને તમારું ઈમાન એ વખત સુધી કામિલ નહીં થાય, જ્યાં સુધી કે તમે આપસમાં મોહબ્બત ન કરો. શું હું તમને એક એવો તરીકો ન બતાઉં, જેનાથી આપસમાં મોહબ્બત પેદા થઈ જાય? આપસમાં સલામને આમ કરો (એટલે કે મુલાકાતના વખતે એક-બીજાને સલામ કરો).” (સહીહ મુસ્લિમ: ૫૪)

મુસલમાનને સલામ કરવું એ છ હકોમાંથી એક હક છે, જે દરેક મુસલમાન પર પોતાના મુસલમાન ભાઈ માટે વાજિબ છે.

જ્યારે કોઈ માણસ પોતાના મુસલમાન ભાઈને સલામ કરે છે, તો તે તેને ત્રણ રીતે ફાયદો પહોંચાડે છે:

(૧) સલામ કરવાથી તે પોતાના મુસલમાન ભાઈ માટે દુઆ કરે છે કે અલ્લાહ ત’આલા તેને અમન અને સલામતીમાં રાખે; કારણ કે “અસ્સલામુ અલૈકુમ” દર-હકીકત સલામતીની દુઆ છે.

(૨) સલામ કરવાથી તે પોતાના મુસલમાન ભાઈને યાદ અપાવે છે કે અલ્લાહ ત’આલા તેની સાથે છે અને અલ્લાહ ત’આલા તેને દરેક વખતે જોઈ રહ્યા છે; કારણ કે “અસ્સલામ” અલ્લાહ ત’આલાના મુબારક નામોમાંથી એક નામ છે.

(૩) સલામ કરવાથી તે પોતાના મુસલમાન ભાઈને બતાવી રહ્યો છે કે મારો આ સલામ સલામતીનો સલામ છે; એટલા માટે યકીનન હું તારો ખૈર-ખ્વાહ (ભલું ચાહવા વાળો) છું અને હું તને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડું (ન જબાની, ન જિસ્માની અને ન કોઈ બીજી રીતે).

Check Also

તાઝિયત (દિલાસો આપવા)ની સુન્નતો અને આદાબ – ૨

(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) …