હઝરત અબૂ-મૂસા અશઅ઼રી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બયાન કરે છે:
“જ્યારે હું અને મારો ભાઈ યમનથી (મદીના-મુનવ્વરા) આવ્યા, તો કેટલાક ટાઇમ માટે અમે એ જ સમજ્યા કે અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ અને તેમના વાલિદા (મા) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઘરવાળાઓમાંથી જ છે; કારણ કે તેઓ કસ્રતથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઘરે આવ્યા-ગયા કરતા હતા અને તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ખૂબ નજીક હતા.”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું અબૂ-જહલને કતલ કરવું
ગઝવા-એ-બદ્રમાં જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને ફતહ (જીત) હાસિલ થઈ, તો આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામને ફરમાવ્યું: “કોણ જઈને જોશે કે અબૂ-જહલ કયા હાલમાં છે? (એટલે કે શું તે જીવતો છે કે મરી ગયો?)”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તેની શોધમાં નીકળ્યા, તો તેમને માલૂમ થયું કે અફરા રઝ઼િયલ્લાહુ અ઼ન્હાના બે દીકરાઓએ તેને ઝખ્મી કરી દીધો હતો અને તે મરવાના નજીક હતો.
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તેની પાસે આવ્યા અને પોતાનો પગ તેની ગર્દન પર રાખ્યો. હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેની દાઢી પણ પકડી લીધી અને તેને મુખાતબ કરીને કહ્યું: “શું તું જ અબૂ-જહલ છે! એ અલ્લાહના દુશ્મન! અલ્લાહ ત’આલાએ તને રુસવા કરી દીધો!”
અબૂ-જહલે કહ્યું: “શું તમે લોકોએ મારાથી મોટા કોઈ માણસને કતલ કર્યો છે?” તેણે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને એ પણ કહ્યું: “એ નાના ગોવાળિયા! તું એક બુલંદ અને મુશ્કેલ પહાડ પર ચઢવાની કોશિશ કરી રહ્યો છે.” (અબૂ-જહલ મોતના વખતે પણ ફખ્ર અને તકબ્બુરમાં ફૂલેલો હતો).
અબૂ-જહલે કહ્યું: “કાશ કે કોઈ બીજો શખ્સ મને કતલ કરતે, તારા જેવા કિસાન સિવાય (તે મારા માટે ઇઝ્ઝતની વાત હોત).”
અબૂ-જહલે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને એ પણ કહ્યું: “જ્યારે તું મારો સર કલમ કરે (કાપે), તો મારી ગર્દનના નીચલા હિસ્સાથી ખાંધાના નજીકથી કાપજે, એટલા માટે કે જ્યારે લોકો મારા સરને જુએ તો તે લોકો માટે વધારે રોબનો સબબ બને (અને મારો સર બીજા ખપી ગયેલા લોકોના સરોથી વધારે ઊંચો નજર આવે).”
અબૂ-જહલે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને વધારે એ કહ્યું: “જ્યારે તું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસે પાછો જાય, તો તેમને મારી આ ખબર પહોંચાડજે કે આજે મારી નફરત તેમના માટે પહેલા કરતાં ક્યાંય ગણી વધારે છે. એવી જ રીતે હું મારી પૂરી જિંદગીમાં હંમેશા અલ્લાહ ત’આલાનો દુશ્મન રહ્યો; પણ આજે અલ્લાહ ત’આલાથી મારી દુશ્મની પહેલા કરતાં ક્યાંય ગણી વધારે છે.”
તે પછી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ પોતાની તલવારથી અબૂ-જહલનું સર કલમ કરી દીધું અને તેના સરને લઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ખિદમતમાં આવ્યા અને અર્ઝ કર્યું: “આ અલ્લાહના દુશ્મન અબૂ-જહલનું સર છે.”
નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ખુશીથી પૂછ્યું: “અલ્લાહની કસમ! શું હકીકતમાં આ અબૂ-જહલનું સર છે?”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અલ્લાહની કસમ ખાઈને કહ્યું: “હા, આ અબૂ-જહલનું સર છે.”
તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:
الله أكبر، الحمد لله الذي صدق وعده، ونصر عبده، وهزم الأحزاب وحده
“અલ્લાહ સૌથી મોટો છે! તમામ તારીફો અલ્લાહ ત’આલા માટે છે જેણે પોતાનો વાયદો પૂરો કર્યો, પોતાના બંદાની મદદ કરી અને એકલા એ જ તમામ લશ્કરોને શિકસ્ત આપી!”
પછી નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને ફરમાવ્યું: “મને બતાવો કે અબૂ-જહલની લાશ ક્યાં છે?”
જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને અબૂ-જહલની લાશ પાસે લઈને ગયા, તો આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમએ ત્રણ વખત આ કલિમાત ફરમાવ્યા:
الحمد لله الذي أعز الإسلام وأهله
“તમામ તારીફો અલ્લાહ ત’આલા માટે છે, જેણે ઇસ્લામ અને અહલે-ઇસ્લામને ઇજ્જત બક્ષી.”
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે એ પણ ફરમાવ્યું: “આ આ ઉમ્મતનો ફિરઔન છે.”
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને (માલે-ગનીમતમાં થી) અબૂ-જહલની તલવાર અતા ફરમાવી.
(સહીહ બુખારી: ૪૦૨૦, મુસ્નદ અહમદ: ૪૨૪૭, ફતહુલ-બારી: ૭/૨૯૫, શર્હુઝ-ઝરકાની: ૨/૨૯૮, શર્હુલ-સિયરુલ-કબીર: પેજ. ૬૦૦)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી