قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يقرأ القرآن رطبا كما أنزل فليقرأه على قراءة ابن أم عبد (عبد الله بن مسعود) (مسند أبي يعلى، الرقم: ١٩٤)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:
“જે શખ્સ કુરઆને-મજીદને એ જ રીતે તાજુ પઢવા માંગતો હોય જે રીતે તે (અલ્લાહ ત’આલા તરફથી) નાઝિલ થયું છે, તો તેણે જોઈએ કે તે ઇબ્ને-ઉમ્મે-અ઼બ્દ (અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ)ની કિરાઅત મુજબ પઢે.”
(ઇબ્ને-ઉમ્મે-અ઼બ્દ = અ઼બ્દની વાલિદાનો છોકરો)
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની તિલાવતની તારીફનો વાકિઓ
એક વાર હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ આ વાકિઓ સંભળાવ્યો:
ઇશાની નમાઝ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ સાથે મુસલમાનોના મામલાઓ વિશે વાતચીત ફરમાવતા અને મશવરો કરતા હતા.
એક વાર ઇશાની નમાઝ પછી જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ સાથે મશવરો કરી રહ્યા હતા, તો હું પણ તેમની સાથે બેઠેલો હતો. જ્યારે મશવરો પૂરો થયો, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ ઊભા થયા અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઘરમાંથી નીકળ્યા, અને અમે પણ આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે ચાલી નીકળ્યા.
ચાલતા ચાલતા જ્યારે અમે મસ્જિદ પાસેથી પસાર થયા, તો અમે મસ્જિદની અંદરથી એક સહાબીનો અવાજ સાંભળ્યો, જે નમાઝમાં કુરઆને-મજીદની તિલાવત કરી રહ્યા હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ તેમની તિલાવત સાંભળવા માટે રોકાઈ ગયા. અમને ખબર ન હતી કે તે સહાબી કોણ છે; ત્યાં સુધી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે અમને ફરમાવ્યું:
من سره أن يقرأ القرآن رطبا كما أنزل فليقرأه على قراءة ابن أم عبد
“જે શખ્સ કુરઆને-મજીદને એ રીતે પઢવા માંગતો હોય જે રીતે તે નાઝિલ થયું છે, તો તેણે જોઈએ કે તે કુરઆને-મજીદને એ રીતે પઢે જે રીતે અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ પઢે છે.”
તે પછી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ નમાઝ પૂરી કરી અને બેસી ગયા, પછી દુઆમાં લાગી ગયા. જ્યારે તેમણે દુઆ શરૂ કરી, તો પહેલા અલ્લાહ ત’આલાની હમ્દ વ સના (તારીફ) કરી, પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દરૂદ પઢ્યા અને પછી અલ્લાહ ત’આલા પાસેથી પોતાની જરૂરિયાતો માંગવા લાગ્યા. જે અંદાજથી તેમણે દુઆ કરી, તેને સાંભળીને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ ખૂબજ ખુશ થયા અને બે વાર ફરમાવ્યું: “તમે જે ચાહો તે માંગો! જે પણ માંગશો, તમને જરૂર મળશે.”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની આ વાત ન હતી સાંભળી, જેમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમની કિરાઅતની તારીફ કરી અને દુઆ કબૂલ થવાની બશારત (ખુશખબરી) આપી હતી.
તેથી હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ પોતાના દિલમાં વિચાર્યું કે કાલે સવારે હું જરૂર તેમની પાસે જઈશ અને તેમને આ વાતની ખુશખબરી આપીશ.
બીજી સવારે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તેમને આ ખુશખબરી આપવા માટે ગયા; પરંતુ જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા, તો જોયું કે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તેમના ઘરમાંથી નીકળી રહ્યા હતા. હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ગયા પછી હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ઘરમાં દાખિલ થયા અને જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને ખુશખબરી સંભળાવી, તો તેમણે જણાવ્યું કે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હમણાં જ મને આ ઇત્તિલા (ખબર) આપી ચૂક્યા છે.
આ સાંભળીને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “અલ્લાહ ત’આલા અબૂ-બક્ર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે! નેક કામોમાં જ્યારે પણ હું તેમનાથી આગળ વધવાની કોશિશ કરું છું, તેઓ હંમેશા મારાથી આગળ નીકળી જાય છે.”
કેટલીક રિવાયતોમાં આવે છે કે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને એ પણ પૂછ્યું કે તેઓ રાતે શું દુઆ માગી રહ્યા હતા?
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ જણાવ્યું કે તેઓ આ દુઆ માગી રહ્યા હતા:
اللهم إني أسألك إيمانًا لا يرتد، ونعيمًا لا ينفد، ومرافقة محمد في أعلى جنة الخلد
“એ અલ્લાહ! હું તારી પાસે એવું ઈમાન માંગું છું જેના પછી મુર્તદ થવાનું ન હોય, એવી નેમતો માંગું છું જે ક્યારેય ખતમ ન થાય, અને હંમેશા રહેવા વાળી જન્નતના સૌથી બુલંદ દરજ્જામાં નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો સાથ માંગું છું.”
તે રાતે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ આ દુઆ પણ કરી હતી:
اللهم لا إله إلا أنت، وعدك حق، ولقاؤك حق، وكتابك حق، والنبيون حق، ومحمد – صلى الله عليه وسلم – حق، والجنة حق، والنار حق، ورسلك حق
“એ અલ્લાહ! તારા સિવાય કોઈ ખુદા નથી. તારો વાદો સાચો છે, (આખિરતમાં) તારી સાથે મારી મુલાકાત હક છે, તારી કિતાબ (કુરઆને-મજીદ) હક છે, તમામ અંબિયા અલૈહિમુસ્સલામ હક છે, મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ હક છે, જન્નત હક છે, જહન્ન્નમ હક છે અને તારા તમામ રસૂલ હક છે.”
(મુસ્નદ અબી યા’લા: ૧૯૪, મુસ્નદ અહમદ: ૪૩૩૮, સુનન તિર્મિઝી: ૫૯૩, મજ્મઉઝ્ઝવાઇદ: ૧૫૫૫૧, ૧૫૫૫૭)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી