હઝરત અબૂ-દર્દા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું:
“જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હાજર થતા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમને પોતાના નજીક બેસાડતા; અને જ્યારે તેઓ મોજૂદ નહોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમના વિશે (લોકોથી) દરયાફ્ત ફરમાવતા (પૂછતા) હતા.”
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું શામ અને રબ્ઝહ તરફ મુન્તકિલ (શિફ્ટ) થવું
હઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝુહદ વાળી (દુનિયાથી બેરગ્બતી) જિંદગીને જોઈ હતી. વળી, તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસેથી એવા લોકો વિશે સખત વઈદો (ચેતવણીઓ) પણ સાંભળી હતી, જેઓ માલ-દૌલત તો ભેગી કરે છે પણ તેના હકો અદા નથી કરતા (એટલે કે નથી ઝકાત આપતા કે નથી લોકોના માલી હકો અદા કરતા). આ જ કારણસર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં દુનિયાની માલ-દૌલત માટે સખત નફરત પેદા થઈ ગઈ હતી.
તેમના દિલમાં આ વાત એ હદ સુધી પેદા થઈ ગઈ હતી કે તેઓ પોતાની પાસે જરૂરત કરતાં વધારે માલ રાખતા નહોતા, અને તેમને એ પણ જરાય પસંદ નહોતું કે લોકો પોતાની માલિકીમાં જરૂરતથી વધારે માલ-મિલકત એકઠી કરી રાખે.
માલની આ જ નફરતના લીધે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મદીના-મુનવ્વરાના લોકોને હંમેશાં નસીહત કરતા રહેતા કે તેઓ પોતાની પાસે જરૂરતથી વધારે માલ ન રાખે.
પરંતુ જ્યારે મદીના-મુનવ્વરાના લોકોને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની સતત તન્બીહ (ટોક-ટાક) થી નાગવારી થવા લાગી, તો તેમણે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને શિકાયત કરી; જેથી કરીને હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને કહ્યું કે બહેતર છે કે તમે શામ (સીરિયા) ચાલ્યા જાઓ.
શામના કિયામ (રોકાણ) દરમિયાન પણ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ માટે એ ખૂબજ અઘરું હતું કે તેઓ ત્યાંના લોકોને વધારે માલ-દૌલતની સાથે જુએ, તેના લીધે ત્યાંના લોકોને પણ વધારે માલ રાખવા પર ટોકવા લાગ્યા; ત્યાં સુધી કે શામવાળાઓ માટે પણ તેમની સાથે નિભાવ કરવો મુશ્કેલ થવા લાગ્યો.
છેવટે જ્યારે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને આ વાતની ખબર મળી, તો તેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને પાછા મદીના-મુનવ્વરા બોલાવી લીધા.
પરંતુ મદીના-મુનવ્વરા પાછા ફર્યા પછી જ્યારે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ જોયું કે માલની આ શિકાયતના લીધે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ માટે મદીનાના લોકોની સાથે રહેવું અઘરું થઈ રહ્યું છે, તો છેવટે હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને મકામે-રબ્ઝહ તરફ મુન્તકિલ થઈ જવાનું કહ્યું, જે મદીના-મુનવ્વરાથી થોડા ફાસ્લા પર એક શાંત જગ્યા હતી.
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની પૂરી જિંદગીમાં જે કંઈ પણ થયું (એટલે કે માલની નફરતના કારણે તેમનું એક જગ્યાએથી બીજી જગ્યાએ મુન્તકિલ થવું), તે હકીકતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની એક સાચી પેશીનગોઈ હતી.
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પોતે આ વાકિયો બયાન કરે છે:
એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ મારી પાસે તશરીફ લાવ્યા, જ્યારે કે હું મદીના-મુનવ્વરાની મસ્જિદમાં સૂતો હતો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાના મુબારક કદમથી મને (હળવેથી) જગાડ્યો અને મારાથી ફરમાવ્યું: “શું હું તમને મસ્જિદમાં સૂતા નથી જોઈ રહ્યો?” મેં અર્ઝ કરી: “એ અલ્લાહના રસૂલ! મારા પર ઊંઘ ગાલિબ આવી ગઈ હતી.”
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરી મારાથી પૂછ્યું: “તમે શું કરશો, જ્યારે તમને આ જગ્યા પરથી (એટલે કે મદીના-મુનવ્વરામાંથી) નિકાળવામાં આવશે?” મેં જવાબ આપ્યો: “તો પછી હું અહીંથી શામની મુકદ્દસ (પાક) ઝમીન તરફ મુન્તકિલ થઈ જઈશ.”
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મને ફરમાવ્યું: “તમે શું કરશો, જ્યારે તમને શામમાંથી પણ નિકાળવામાં આવશે?” મેં જવાબ આપ્યો: “પછી હું લૌટીને (પાછો મદીના-મુનવ્વરા તરફ) આવીશ.”
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરી મારાથી ફરમાવ્યું: “તમે શું કરશો, જ્યારે તમને અહીંથી ફરી નિકાળવામાં આવશે (એટલે કે જ્યારે તમને બીજી વખત મદીના-મુનવ્વરામાંથી નિકાળવામાં આવશે, તો તમે શું કરશો)?” મેં જવાબ આપ્યો: “એ અલ્લાહના રસૂલ! મને એ વખતે શું કરવું જોઈએ? શું હું મારી તલવારથી લોકોની સાથે મુકાબલો કરું (અને એ લોકોથી લડું, જે મને નિકાળવા ચાહશે)?”
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “શું હું તમને એ રસ્તો ન બતાવું, જે તમારા માટે આ લડવા કરતાં ક્યાંય બહેતર અને સારો છે?” પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મને એ બહેતર નસીહત ફરમાવી, આપે કહ્યું: “તમને જોઈએ કે તમે અમીર (હાકિમ) ની વાત સાંભળો અને ઇતાઅત (પાલન) કરો અને જે જગ્યા તરફ તેઓ તમને લઈ જાય, તો તમે ત્યાં ચાલ્યા જાઓ.” (મુસ્નદે-અહમદ, રકમ: ૨૧૩८૨)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી