કુરઆન મજીદમાં દુરૂદનો હુક્મ

કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો છે, જેમાં અલ્લાહ તઅ઼ાલાએ પોતાના બંદાઓને કેટલાક કામોનો હુક્મ આપ્યો છે, જેમ કે નમાઝ, રોઝા, હજ અને ઝકાત વગેરે.

તેવી જ રીતે કુરઆન મજીદમાં કેટલીક એવી આયતો પણ છે, જેમાં અલ્લાહ તઅ઼ાલા પોતાના કેટલાક ખાસ બંદાઓની ઇજ્જત અફઝાઈ ફરમાવે છે અને તેમની તારીફ કરે છે, જેમ કે અમ્બિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામ વગેરે.

અલબત્તા, દુરૂદ શરીફ સિવાય આખા કુરઆન મજીદમાં કોઈ પણ એવો હુક્મ નથી, જેના વિશે અલ્લાહ તઅ઼ાલા એવું ફરમાવતા હોય કે તે પોતે પણ તે અમલ કરે છે અને પછી ઈમાન વાળાઓને પણ તે અમલ કરવાનો હુક્મ આપે છે.

અલ્લાહ તઅ઼ાલા ફરમાવે છે:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

“બેશક અલ્લાહ અને તેના ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલે છે. એ ઈમાન વાળાઓ! તમે પણ તેમના પર દુરૂદ અને સલામ મોકલો.”

અલ્લાહ તઅ઼ાલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને એવી ઇજ્જત અતા ફરમાવી છે, જે પોતાની મખ્લૂકમાં થી કોઈ બીજા બંદાને અતા નથી ફરમાવી. આ એઝાઝ સિર્ફ નબી મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે જ ખાસ છે, જે અલ્લાહ તઅ઼ાલાની તમામ મખ્લૂકમાં સૌથી અફઝલ છે અને હઝરત આદમ અલૈહિસ્સલામની ઔલાદના ફખ્ર છે.

આ આયતે-કરીમામાં ગૌર કરવાથી માલૂમ થાય છે કે અલ્લાહ તઅ઼ાલાએ સૌથી પહેલાં પોતાની તરફ “સલાત અલન્-નબી” (નબી પર દુરૂદ) ની નિસ્બત કરી છે, પછી ફરિશ્તાઓ તરફ નિસ્બત કરી છે, અને છેલ્લે ઈમાન વાળાઓને હુક્મ આપ્યો છે કે તેઓ પણ નબી પર દુરૂદ અને સલામ મોકલે.

આયતના શુરૂમાં અલ્લાહ તઅ઼ાલાએ લફ્ઝ “ઇન્ન” (اِنَّ) નો ઇસ્તેમાલ ફરમાવ્યો છે, જે ઝબરદસ્ત તાકીદ (જોર આપવા) પર દલાલત કરે છે. સાથે જ, અલ્લાહ તઅ઼ાલાએ ફે’લે-મુઝારે (વર્તમાન અને ભવિષ્ય કાળ) નો ઇસ્તેમાલ ફરમાવ્યો એટલે કે ‘યુસલ્લૂન’ (يُصَلُّونَ) લફ્ઝનો ઇસ્તેમાલ કર્યો, જે અરબી ઝબાનમાં ‘દવામ અને ઇસ્તિમ્રાર’ (હંમેશા અને લગાતાર જારી રહેવા) ને ઝાહિર કરે છે.

બીજા લફ્ઝોમાં આયતનો મફહૂમ એ છે કે યકીનન અલ્લાહ તઅ઼ાલા અને તેના ફરિશ્તાઓ હંમેશા હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલતા રહે છે. હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે આનાથી વધીને બીજી શું ફઝીલત હોય શકે કે ઈમાન વાળાઓને આ હુક્મ આપવામાં આવ્યો છે કે તેઓ આ મુબારક કામમાં અલ્લાહ અને તેના ફરિશ્તાઓ સાથે શરીક થઈ જાય.

અહીંયા એક કાબિલે-ગૌર નુક્તો એ છે કે આ આયતમાં અલ્લાહ તઅ઼ાલાએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો ઝિક્ર ‘નબી’ ના લફ્ઝથી ફરમાવ્યો છે. તેમનું નામ લઈને એટલે કે મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ) કહીને ઝિક્ર નથી ફરમાવ્યો, જેમ કે બીજા અમ્બિયા અ઼લૈહિમુસ્સલામના મામલામાં છે કે અલ્લાહ તઅ઼ાલા તેમનો ઝિક્ર તેમના નામો સાથે ફરમાવે છે. આ પણ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની બેહદ અઝમત અને બુલંદ શરાફતના લીધે છે.

આ વાત પણ નકલ કરવામાં આવી છે કે જે એઝાઝ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને મળ્યો છે, તે એઝાઝ હઝરત નબી આદમ અલૈહિસ્સલામના એ એઝાઝ કરતાં કેટલાય ગણો વધીને છે, જ્યારે અલ્લાહ તઅ઼ાલાએ ફરિશ્તાઓને તેમની સામે સજદો કરવાનો હુક્મ આપ્યો હતો.

આની વજહ એ છે કે હઝરત નબી આદમ અલૈહિસ્સલામના મામલામાં અલ્લાહ રબ્બુલ-ઇજ્જતે ફક્ત ફરિશ્તાઓને સજદો કરવાનો હુક્મ આપ્યો હતો; જ્યારે કે આપણા રસૂલ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકમાં અલ્લાહ તઅ઼ાલા પોતે પણ મોમિનો અને ફરિશ્તાઓ સાથે મળીને નબી સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલે છે.

Check Also

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન …