قال رسول الله صلى الله عليه وسلم للصحابة رضي الله عنهم: إن الله أمرني بحب أربعة وأخبرني أنه يحبهم، قيل: يا رسول الله سمّهم لنا
فقال صلى الله عليه وسلم: علي منهم يقول ذلك ثلاثا وأبو ذر والمقداد وسلمان أمرني بحبهم وأخبرني أنه يحبهم (سنن الترمذي، الرقم: ٣٧١٨)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમથી ફરમાવ્યું:
“અલ્લાહ ત’આલાએ મને ચાર માણસો સાથે મોહબ્બત કરવાનો હુકમ આપ્યો છે અને મને જણાવ્યું છે કે તે (અલ્લાહ) પણ તેમની સાથે મોહબ્બત કરે છે.” અર્ઝ કરવામાં આવ્યું: “એ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ)! તેમના નામ અમને જણાવી દો.”
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ત્રણ વાર ફરમાવ્યું: “અલી તેમનામાંના એક છે.” પછી આપે બાકીના ત્રણ વિશે ફરમાવ્યું: “અને અબૂ-ઝર, મિકદાદ (બિન ‘અમ્ર) અને સલમાન (ફારસી) છે; અલ્લાહએ મને તેમની સાથે મોહબ્બત કરવાનો હુકમ આપ્યો છે અને જણાવ્યું છે કે તે પોતે પણ તેમની સાથે મોહબ્બત કરે છે.”
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુનું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની હિદાયત પર પાબંદીથી અમલ
મ’રૂર બિન-સુવૈદ રહ઼્મતુલ્લાહી ‘અલૈહ બયાન કરે છે:
અમે એક વખત ‘રબ્ઝહ’ (જગ્યાનું નામ) માં હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પાસેથી પસાર થયા, તો અમે જોયું કે તેઓએ બે કપડાં પહેરેલા હતા—એક કપડું જૂનું હતું અને બીજું નવું હતું. તેમના ગુલામ પણ ઠીક આ જ પ્રકારના બે કપડાં પહેરેલા હતા, જેમાંનું એક નવું હતું અને બીજું જૂનું.
તેથી અમે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુને કહ્યું: “એ અબૂ-ઝર! જો આપ આ બંને નવા કપડાં પોતે પહેરી લો (એટલે કે તમારું જૂનું કપડું ગુલામને આપી દો અને તેનું નવું કપડું તમે લઈ લો), તો આ એક આખો નવો જોડો બની જશે.”
આના જવાબમાં હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુએ અમારી આ વાત સ્વીકારી નહીં અને પોતાના ગુલામ સાથે આ રીતે (બરાબરીનું) વર્તન કરવાનું કારણ જણાવતા ફરમાવ્યું:
એક વાર મારા અને હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ વચ્ચે કોઈ ઝગડો થઈ ગયો. ઝગડા દરમિયાન મેં તેમને તેમની વાલિદાનો તાનો (મેણું) મારી દીધો. મેં તેમને કહી દીધું: “તું એક કાળી ઔરતનો દીકરો છે.” આ વાતથી હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ ‘અન્હુને બહુ દુખ પહોંચ્યું અને તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પાસે આ વાતની શિકાયત કરી દીધી.
પછીથી જ્યારે હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયો, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે મને ફરમાવ્યું: “એ અબૂ-ઝર! તું એવો માણસ છે, જેના અંદર હજી પણ જાહિલિયતની આદત (એટલે કે ઘમંડ/તકબ્બુર) મોજૂદ છે.” હું હેરાન થઈ ગયો અને અર્ઝ કર્યું: “શું સાચેજ મારામાં જાહિલિયતની વાત હજી પણ બાકી છે?”
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “હા, તારા અંદર હજી પણ જાહિલિયતની અસર છે (એટલા માટે જ તેં પોતાને બિલાલ કરતાં સારો સમજ્યો).”
જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પાસેથી આ વાત સાંભળી, તો તેઓ એટલા બધા શરમિંદા થયા અને તેમના દિલ પર એટલી ઊંડી અસર થઈ કે તેઓ તુરંત જ જમીન પર આડા પડી ગયા અને ફરમાવ્યું: “હું ત્યાં સુધી મારો ગાલ જમીન પરથી નહીં ઉઠાવું, જ્યાં સુધી બિલાલ પોતાનો પગ મારા ગાલ પર ન મૂકી દે, જેથી મને તે વાતની સજા મળી જાય જે મેં તેમને કહી હતી.” જ્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ ‘અન્હુએ પોતાનો પગ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુના ગાલ પર મૂક્યો, ત્યારે જઈને તેમને ઇત્મિનાન (શાંતિ) થયો અને તેઓ જમીન પરથી ઊભા થયા.
ત્યારપછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુને બહુ જ મોહબ્બતભર્યા અંદાજમાં નસીહત ફરમાવી કે તેમણે પોતાના ગુલામો સાથે કેવો સુલૂક કરવો જોઈએ. આપે ફરમાવ્યું: “આ તમારા ભાઈઓ અને ગુલામ છે, જેમને અલ્લાહ ત’આલાએ તમારા કબ્જામાં (તાબામાં) કરી દીધા છે; તેથી તમે તેમને એ જ ખાવાનું ખવડાવો જે તમે પોતે ખાઓ છો, અને તેમને એવા જ કપડાં પહેરાવો જેવા તમે પોતે પહેરો છો. તેમના પર કામનો એટલો બોજ ન નાખો જે તેમની બરદાશ્ત (સહન) બહાર હોય; અને જો ક્યારેય કામ વધારે હોય, તો કામ પૂરું કરવામાં તેમની મદદ કરો.”
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની આ નસીહતને દિલથી કબૂલ કરી અને આખી જિંદગી પોતાના ગુલામો સાથે હંમેશાં આવો જ બરાબરીનો વર્તન રાખ્યો.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી