મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો

કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી મોઢું ફેરવીને તેને છોડી દે અને કોઈ બીજા રસ્તા પર ચાલે, તો હકીકતમાં તે બેવકૂફ છે, જે જહાલતના રસ્તા પર ચાલી રહ્યો છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે:

وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ

“હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી કોણ મોઢું ફેરવી શકે છે સિવાય તેના કે જેણે પોતાને બેવકૂફીમાં નાખ્યો હોય. બેશક અમે તેમને દુનિયામાં પસંદ કરી લીધા છે અને તેઓ આખિરતમાં નેક લોકોમાંના હશે.” (સૂરહ બકરહ, આયત: ૧૩૦)

આ આયતથી આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાને છોડનારને બેવકૂફ કહ્યો છે, તો તેનો મતલબ એ છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તા પર ચાલે, તે અક્કલમંદ છે અને હિદાયત પર છે.

કોઈના મનમાં એ વાત આવી શકે છે કે અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતના નજીક હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો કેમ અક્કલમંદીનો રસ્તો છે? અને જે તે રસ્તા પરથી હટે, તે કેમ બેવકૂફી અને જહાલતના રસ્તા પર છે?

તેનો જવાબ એ છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો ઇસ્લામનો રસ્તો છે. ઇસ્લામનો રસ્તો માણસને શીખવે છે કે તે દરેક સમયે અલ્લાહ તઆલાના હુકમોને માને અને તેની નાફરમાનીથી બચે. ઇસ્લામ સિવાય બાકીના તમામ રસ્તાઓ કુફ્ર અને શૈતાનના રસ્તાઓ છે, જે માણસને અલ્લાહ તઆલાની નાફરમાની તરફ બોલાવે છે.

જિંદગીમાં બે રસ્તા

આ દુનિયામાં દરેક ઇન્સાનની સામે બે રસ્તા છે:
૧. પહેલો રસ્તો: અલ્લાહની વાત માનવાનો રસ્તો.
૨. બીજો રસ્તો: નાફરમાનીનો રસ્તો.

અલ્લાહ તઆલાએ નબીઓને દુનિયામાં એટલા માટે જ મોકલ્યા હતા જેથી તેઓ લોકોને જણાવે કે કેવી રીતે ફરમાબરદારી અને તાબેદારીના રસ્તા પર ચાલે અને કેવી રીતે ગુનાહોના રસ્તાથી બચે.

તેથી આના પરથી એ નતીજો નીકળે છે કે અલ્લાહ તઆલાના નેક બંદાઓ એટલે કે નબીઓનો રસ્તો જ અલ્લાહની ઇતાઅતનો રસ્તો છે.
(ઇતાઅત = તાબેદારી)

આ રસ્તાને અક્કલમંદીનો રસ્તો એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે માણસને શીખવે છે કે: (૧) તે પોતાના પેદા કરનાર (ખાલિક)ને ઓળખે. (૨) તેને દરેક સમયે રાજી રાખે. (૩) તેની તમામ નેમતો પર તેનો શુક્ર અદા કરે. (૪) અલ્લાહના હક અદા કરે. (૫) અલ્લાહની બનાવેલી તમામ મખલૂકના હક અદા કરે.

જે વ્યક્તિ આ પાકીઝા જિંદગી વિતાવે છે અને ઇસ્લામના બુલંદ અખ્લાકને અપનાવે છે, અલ્લાહ તઆલા તેનાથી રાજી થાય છે અને તે પૂરી માનવતા માટે ભલાઈ અને રહેમતનું કારણ બને છે.

તેથી ઇસ્લામના રસ્તાને (એટલે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાને) અક્કલમંદીનો રસ્તો કહેવામાં આવ્યો છે, કારણ કે આ રસ્તો માણસને જન્નત અને સફળતા તરફ લઈ જશે.

તેનાથી ઉલટું, જે વ્યક્તિ આ રસ્તાને છોડીને ગુનાહના રસ્તા પર ચાલે તો એવી વ્યક્તિ નાફરમાનીની જિંદગી વિતાવવાને કારણે અલ્લાહ તઆલાના ગુસ્સા અને નારાજગીને વહોરે છે.

એવી વ્યક્તિ ન તો અલ્લાહ તઆલાના હક અદા કરશે અને ન તો લોકોના હક અદા કરશે. તેની જિંદગી તેના પોતાના માટે અને બીજાઓ માટે પણ નુકસાનકારક હોય છે.

તેથી અલ્લાહ તઆલાએ આ રીતની જિંદગીને મૂર્ખાઈ (હિમાકત) અને જહાલતની જિંદગી કહી છે, કારણ કે આ રસ્તો માણસને જહન્નમ અને નાકામી તરફ લઈ જાય છે.

અલ્લાહ તઆલા આ રસ્તાને “હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો” કેમ કહે છે?

એક સવાલ થાય છે કે જ્યારે આ રસ્તો તમામ નબીઓનો હતો, તો અલ્લાહ તઆલાએ તેને ખાસ કરીને “હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો” કેમ કહ્યો?

તેનો જવાબ એ છે કે તમામ નબીઓમાં થી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે સૌથી સુંદર રીતે ઇસ્લામનો ઇઝ્હાર કર્યો.

આ ફાની દુનિયાથી રુખ્સત થતા (જતા) પહેલા પણ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના બાળકોને એ જ નસીહત કરી કે તેઓ છેલ્લા શ્વાસ સુધી ઇસ્લામના રસ્તાને મજબૂતીથી પકડી રાખે.

કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ એ શબ્દોને ટાંક્યા છે, જેના દ્વારા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના બાળકોને સંબોધ્યા છે:

يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ

“એ મારા બાળકો! બેશક અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીન (ઇસ્લામ)ને પસંદ કરી લીધો છે; તેથી તમારું મોત ફક્ત અને ફક્ત મુસલમાન હોવાની હાલતમાં જ આવવું જોઈએ (એટલે કે છેલ્લી ઘડી સુધી ઇસ્લામ પર કાયમ રહેવું).” (સૂરહ બકરહ, આયત: ૧૩૨)

Check Also

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન …