હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ

તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખાસ કરીને દુઆ ફરમાવી:

يرحم الله أبا ذر

“અલ્લાહ ત’આલા અબૂ-ઝર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે!” (અલ-મુસ્તદ્રક લિલ-હાકિમ, રકમ: ૪૩૭૩)

આ દુઆનો પસમંઝર

હઝરત અબ્દુલ્લાહ બિન-મસ્’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે:

જ્યારે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ગઝવા-એ-તબૂક (તબૂકની લડાઈ) માટે રવાના થયા, તો કેટલાક લોકો આ લડાઈમાં શામેલ ન થયા અને પાછળ રહી જવાનું પસંદ કર્યું. તેમાંના મોટાભાગના મુનાફિકો હતા.

જ્યારે પણ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમ પાછળ રહી જનારા લોકો વિશે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને જણાવતા, તો આપ જવાબમાં ફરમાવતા: “તેમને છોડી દો! જો તેમનામાં કોઈ ભલાઈ છે, તો અલ્લાહ ત’આલા જલ્દી જ તેમને તમારી સાથે મેળવી દેશે; અને જો તેમનામાં કોઈ ભલાઈ નથી, તો અલ્લાહ ત’આલાએ તેમની સોહબતથી તમારી હિફાઝત ફરમાવી.”

આ દરમિયાન કોઈએ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને જણાવ્યું કે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પાછળ રહી ગયા છે, કારણ કે તેમનો ઊંટ નબળો થઈ ગયો છે અને ચાલી શક્યો નથી.

આ સાંભળીને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “તેમને છોડી દો! જો તેમનામાં કોઈ ભલાઈ છે, તો અલ્લાહ ત’આલા જલ્દી જ તેમને તમારી સાથે મેળવી દેશે; અને જો તેમનામાં કોઈ ભલાઈ નથી, તો અલ્લાહ ત’આલાએ તેમની સોહબતથી તમારી હિફાઝત ફરમાવી.”

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ જ્યાં હતા, જ્યારે તેમણે જોયું કે તેમનો ઊંટ ચાલવાથી બિલકુલ લાચાર થઈ ચૂક્યો છે, તો તેમણે પોતાનો સઘળો સામાન પોતાની પીઠ પર લાદી લીધો અને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પાસે પહોંચવા માટે પૈદલ જ ચાલી નીકળ્યા.

થોડીવાર સફર કર્યા પછી, રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમ આરામ કરવા માટે એક જગ્યાએ રોકાઈ ગયા. જ્યારે બધા લોકો ત્યાં ઠરેલા હતા, તો સહાબામાંથી કોઈએ પાછળ ફરીને જોયું. તેમને દૂરથી કોઈ માણસ પૈદલ ચાલતો આવતો દેખાયો. તેમણે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં અર્ઝ કર્યું: “એ અલ્લાહના રસૂલ! હું દૂરથી એક માણસને પૈદલ આવતો જોઈ રહ્યો છું.”

આ સાંભળીને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ખુશીથી ફરમાવ્યું: “અલ્લાહ કરે કે તે માણસ અબૂ-ઝર જ હોય!” જ્યારે તે પૈદલ આવનારો માણસ થોડો વધુ નજીક આવ્યો અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમે તેમને ગૌરથી જોયા, તો ઓળખી ગયા કે તેઓ ખરેખર હઝરત અબૂ-ઝર હતા. તેથી, બધાએ ખુશીના માર્યા પોકાર્યું: “અલ્લાહની કસમ! આ તો ખરેખર અબૂ-ઝર છે.”

ત્યારપછી રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખાસ દુઆ ફરમાવી: “અલ્લાહ ત’આલા અબૂ-ઝર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે! તેઓ આ વખતે અમારી પાસે એકલા પૈદલ ચાલતા આવી રહ્યા છે, (અને) તેઓ એકલા જ દુનિયાથી રુખસત થશે (વફાત પામશે) અને કિયામતના દિવસે તે જ જગ્યાએથી એકલા જ ઉઠાડવામાં આવશે જ્યાં તેમની વફાત થશે.”

Check Also

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં અલ્લાહ તઅ઼ાલાની સામે હિસાબનો ખોફ

قال سيدنا أبو ذر رضي الله عنه من شدة خشية المحاسبة بين يدي الله: والله …