બાગે-મોહબ્બત (ભાગ-૮૦)

ઇસ્લામની કરન્સી

આ દુનિયાના જીવનમાં માણસની એક મૈન ફિકર ‘માલ’ (રૂપિયા,પૈસા વગેરે) મેળવવાની છે. તેનું કારણ એ છે કે માણસ માલને આ દુનિયાની કરન્સી સમજે છે અને તે એ પણ જાણે છે કે તે આ માલ દ્વારા કેટલાય ફાયદાઓ હાસિલ કરી શકે છે.

ઇન્સાન વિચારે છે કે જો તેની પાસે ઘણા બધા પૈસા હશે તો તે એક આલીશાન ઘર અને એક સારી ગાડી ખરીદી શકશે.

તે એ પણ વિચારે છે કે જો તેની પાસે સારા એવા પૈસા હશે તો તે ટેસ્ટી પકવાન ખાઈ શકશે અને રજાઓ ગાળવા માટે ખૂબસૂરત જગ્યાઓ પર જઈ શકશે.

એવી જ રીતે તે એવું સમજે છે કે જો ગજવું ગરમ હશે તો તે લોકોની નજરમાં માલદાર અને કામયાબ ગણાશે. આ જ કારણ છે કે માણસ દૌલત હાસિલ કરવા માટે દિવસ-રાત સખત મહેનત અને કોશિશ કરે છે.

જે રીતે માણસ માલને આ દુનિયાની કરન્સી અને કામયાબીનો પાયો સમજે છે, તેવી જ રીતે આખિરતમાં પણ એક પ્રકારની “કરન્સી” છે, જે માણસની સફળતા અને નજાતનો આધાર છે. આ કરન્સી ઇસ્લામની કરન્સી છે.

કયામતના દિવસે જો કોઈ વ્યક્તિ આ કરન્સી એટલે કે “ઇસ્લામની કરન્સી” લઈને આવશે, તો તે કામયાબ થશે અને જન્નતમાં દાખલ થશે.

તેનાથી વિપરીત, જો તે ઇસ્લામની કરન્સી લઈને નહીં આવે, તો તે પૂરેપૂરો નાકામયાબ થશે અને તેને જહન્નમની આગમાં નાખી દેવામાં આવશે, જ્યાં તે હંમેશા રહેશે.

આખિરતમાં ઇસ્લામની આ કરન્સીની બાબતમાં લોકો અલગ-અલગ દરજ્જા પર હશે:

જે લોકોનો ઇસ્લામ ઉચ્ચ દરજ્જાનો હશે, તેઓ કયામતના દિવસે ‘માલદાર વર્ગ’ માં ગણવામાં આવશે અને તેમને જન્નતમાં ઉચ્ચ સ્થાનો આપવામાં આવશે.

અને જે લોકો ઇસ્લામનો સૌથી નીચો દરજ્જો લઈને આવશે, તેમને તેમના દરજ્જા મુજબ મકામ (સ્થાન) આપવામાં આવશે.

અલ્લાહની સામે ઇસ્લામની સિફારિશ

હઝરત અબૂ-હુરૈરહ રઝ઼િયલ્લાહુ અન્હુ બયાન કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: કયામતના દિવસે માણસના અલગ-અલગ નેક અમલ (અલ્લાહની સામે તે માણસની સિફારિશ કરવા માટે) આવશે.

નમાઝ આવશે અને કહેશે: એ અલ્લાહ! હું આ માણસની નમાઝ છું! અલ્લાહ તઆલા તેના જવાબમાં ફરમાવશે: “તું ખૈર (ભલાઈ) પર છે.” (એટલે કે નમાઝ પઢનારને તેનો બદલો મળશે, પરંતુ માત્ર નમાઝ જ તેની નજાત અને છૂટકારા માટે બુનિયાદી વાત ન હશે).

એવી જ રીતે સદકો (ઝકાત) આવશે અને કહેશે: “એ અલ્લાહ! હું આ માણસનો સદકો છું!” અલ્લાહ તઆલા જવાબ આપશે: “તું ખૈર પર છે.”

પછી (રમઝાનના) રોઝા આવશે અને કહેશે: “એ અલ્લાહ! હું આ માણસના રોઝા છું!” અલ્લાહ તઆલા જવાબ આપશે: “તું ખૈર પર છે.”

ત્યારપછી બાકીની નેકીઓ પણ આ જ રીતે આવશે (જેમ કે જિહાદ, હજ, દીનનું ઇલ્મ હાસિલ કરવું અને બીજા નેક કામો). તે અલ્લાહ તઆલા સાથે વાત કરશે અને અલ્લાહ તઆલા તરફથી એ જ જવાબ આપવામાં આવશે.

ત્યારપછી ઇસ્લામ આવશે અને કહેશે: “એ અલ્લાહ! આપ ‘સલામ’ છો (એટલે કે આપના નામો અને સુંદર ગુણોમાંનું એક નામ અને ગુણ સલામ છે અને આપ અમન-સલામતીના સર્જક પણ છો)

અને હું ‘ઇસ્લામ’ છું (એટલે કે તમારો અમન-સલામતી વાળો દીન). તેથી હું તે લોકો માટે સિફારિશ કરું છું જેમણે મને મજબૂતીથી પકડ્યો હતો, કે આપ તેમને આપના ઘર ‘દારુસ્સલામ’ (જન્નત) માં દાખલ કરો.”

અલ્લાહ તઆલા ફરમાવશે: “તું ખૈર પર છે. આજે તું જ તે પાયો અને માપદંડ (Criteria) છે, જેના આધારે હું લોકોની પકડ કરીશ (અને તેમને જહન્નમમાં નાખીશ) અને આજે તું જ તે પાયો અને માપદંડ છે, જેના આધારે હું લોકોને સવાબ આપીશ (અને તેમને જન્નતમાં દાખલ કરીશ.)

ત્યારપછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે કુરઆન-મજીદની આ આયતની તિલાવત કરી, જેમાં જણાવવામાં આવ્યું છે કે આખિરતમાં કામ્યાબીનો એકમાત્ર રસ્તો ઇસ્લામ જ છે:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

જે કોઈ ઇસ્લામ સિવાય (બીજા કોઈ ધર્મને) પોતાનો દીન બનાવશે, તો તેની પાસેથી તે ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ પૈકી હશે.

Check Also

કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ

પ્રથમ ભાગ: દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ જ્યારે દજ્જાલ લોકો સામે હાજર …