હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – ઇસ્લામના પહેલા મુઅઝ્ઝિન

ذكر العلامة ابن الأثير رحمه الله أن سيدنا بلالا رضي الله عنه كان أول من أذن في الإسلام. وكان يؤذّن لرسول صلى الله عليه وسلم في حياته سفرا وحضرا (أسد الغابة ١/٢٤٣)

‘અલ્લામા ઇબ્ને-અસીર રહ઼િમહુલ્લાહે ઉલ્લેખ કર્યો છે કે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ ઇસ્લામમાં સૌથી પહેલા મુઅઝ્ઝિન હતા, અને તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની જિંદગીમાં સફર અને હઝર બંને હાલતોમાં આપના માટે અઝાન આપતા હતા.

હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના શિરે અઝાન આપવાની ખિદમત

જ્યારે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હિજરત કરીને મદીના-મુનવ્વરા પહોંચ્યા, ત્યારે ત્યાં તેમણે મસ્જિદ (મસ્જિદ-એ-નબવી) બંધાવી. મસ્જિદ તૈયાર થયા પછી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ સાથે લોકોને નમાઝ માટે બોલાવવાની રીત વિશે મશ્વરો કર્યો. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની દિલી-ખાહિશ હતી કે તમામ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ મસ્જિદમાં એક સાથે બા-જમાઅત નમાઝ પઢે. આપને એ વાત જરાય પસંદ નહોતી કે લોકો અલગ-અલગ સમયે કે ઘરે ફર્ઝ નમાઝ પઢે.

સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમે લોકોને જમા કરવા માટે અલગ-અલગ રાય આપી:
એક રાય આ હતી કે આગ પ્રગટાવવામાં આવે અથવા ઝંડો લહેરાવવામાં આવે, જેથી લોકો સમજી જાય કે નમાઝનો સમય થઈ ગયો છે.

બીજી રાય હતી કે સૂર ફૂંકવામાં આવે અથવા નાકૂસ મારવામાં આવે (નાકૂસ = લાકડીનો ઘંટો).આ બધી રીતો તે સમયના યહૂદીઓ, ઇસાઇઓ અને કાફિરોમાં પ્રચલિત હતી. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ રીતો પસંદ ન આવી, કારણ કે આ રીતોને અપનાવવામાં છેવટે કુફ્ફારની સાથે મુશાબહત થાત અને સાથે સાથે નમાઝના સમયમાં અડચણ પેદા થાત; કારણ કે કુફ્ફાર તેમના ધાર્મિક સ્થળો તરફ બોલાવવા માટે આજ રીતો અપનાવતા હતા; અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ વાત જરાય ગવારા ન હતી કે મારી ઉમ્મત દીની કે દુન્યવી કામમાં યહૂદી, નસરાની કે કાફિરની નકલ ઉતારે અને તેમના રીત-રિવાજો અપનાવે.

ખુલાસા-એ-કલામ એ છે કે મશવરામાં કોઈ ફાઇનલ ફૈસલો ન થયો, ત્યારે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં આ રાય પેશ કરી કે જ્યાં સુધી ફૈસલો ન થઈ જાય, ત્યાં સુધી કોઈ સહાબીને એ ખિદમત સોંપવામાં આવે કે તેઓ નમાઝના સમયે મહોલ્લાઓમાં જઈને લોકોને નમાઝ માટે બોલાવે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ રાય પસંદ આવી અને આ જવાબદારી હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને સોંપવામાં આવી. જ્યારે નમાઝનો ટાઇમ થઈ જતો ત્યારે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ મદીના-મુનવ્વરાની ગલીઓમાં ગશ્ત કરીને જાણ કરતા હતા કે જમાઅત ઊભી થવા જઈ રહી છે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ફિકર જોઇને સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ પણ ખૂબ ફિકરમંદ થઈ ગયા. ​થોડા દિવસો પછી હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ રાત્રે એક સ્વપ્ન જોયું. તેમણે જોયું કે લીલા કપડાં પહેરેલો માણસના રૂપમાં એક ફરિશ્તો હાથમાં “નાકૂસ” લઈને ઊભો છે. તેમણે ફરિશ્તાને પૂછ્યું: અલ્લાહના બંદા! “શું તમે નાકૂસ વેચી રહ્યા છો? ફરિશ્તાએ કહ્યું: તમે આનાથી શું કરવા માંગો છો? હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: મારે આના દ્વારા લોકોને નમાઝ માટે બોલાવવા છે.”
ફરિશ્તાએ કહ્યું: “શું હું તમને લોકોને નમાઝ માટે બોલવવા નાકૂસથી પણ સારી રીત ન બતાવું?” તેમણે દર્યાફત કર્યું: કયો તરીકો બેહતર છે? ફરિશ્તાએ જવાબ આપ્યો: તમે અઝાન આપા કરો. તે પછી તેમને અઝાન શીખવી.

​જ્યારે સવારે હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ ખ્વાબ વિશે જણાવ્યું, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “બેશક, આ એક સાચો ખ્વાબ છે.” તમે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે ઊભા થઈ જાઓ અને તેમને અઝાન શીખવો, જે તમને ખ્વાબમાં બતાવવામાં આવી છે જેથી કરીને તે અઝાન આપી શકે કારણ કે તેમનો અવાજ તમારા કરતા વધુ ઊંચો અને બુલંદ છે, જેથી અવાજ દૂર સુધી પહોંચે.

​જ્યારે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુની અઝાન સાંભળી, ત્યારે તેઓ તેમની ચાદર લઈને દોડયા અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થઈને બા-અદબ અર્ઝ કર્યું: “હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! તે જાતની કસમ, જેમણે આપને ઇસ્લામની તબ્લીગ માટે રસૂલ બનાવીને મોકલ્યા છે, મેં પણ બરાબર આવો જ ખ્વાબ જોયો છે.” આ સાંભળીને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ખુશ થયા. અને ફરમાવ્યું: જ્યારે એકથી વધારે લોકોએ આ રીતનો ખ્વાબ જોયો તો આ વાત વધારે મજબૂત થઈ ગઈ કે આ અલ્લાહ તઆલા તરફથી એક સાચો ખ્વાબ છે.

​રિવાયતોથી માલૂમ થાય છે કે, હઝરત અબુબક્ર રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ સહિત લગભગ દસથી વધુ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમે આવી જ રીતનો ખ્વાબ જોયો હતો, અને ખ્વાબમાં જ તેમને અઝાન શીખવવામાં આવી હતી.

Check Also

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ચાર મુઅઝ્ઝિન

حظي أربعة من الصحابة رضي الله عنهم بشرف كونهم مؤذني رسول الله صلى الله عليه …