રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ
રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત કરવા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ અહમ અને મહાન મકસદને પૂરો કરવા માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ચાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ ચાર જવાબદારીઓ દીનની સ્થાપના અને દીનની હિફાજત માટે જવાબદાર છે; તેથી, જો મુસ્લિમ ઉમ્મતે-મુસ્લિમા પોતાના જીવનમાં અને અન્યના જીવનમાં દીન કાઇમ કરવા માંગે છે, તો તેમના માટે આ જવાબદારીઓને નિભાવવી જરૂરી છે.
કુરાને-કરીમમાં, અલ્લાહ તઆલાએ નબી ઇબ્રાહિમ અલૈહિસ્સલામની દુઆનું વર્ણન કરતા ફરમાવ્યું:
હે અમારા પાલનહાર! મોકલ તેઓની અંદર એક રસૂલ (મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેમનામાંથી, જે તિલાવત કરે (પાઠ કરે) તેઓની સામે તમારી આયતો, અને જે શીખવે તેમને કિતાબ (કુરાન) અને હિકમત (હદીસ) , અને જે તઝ્કિયા કરે તેમને (રૂહાની બીમારીઓથી પાક-સાફ કરે) જ્યારે આપણે આ આયતે-કરીમા ને જોઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ આયતમાં અલ્લાહ તઆલાએ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી જવાબદારીઓ બયાન કરી છે:
(૧) આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને કુરાને-મજીદની તિલાવતનો સહી તરીકો શીખવવાનો હુકમ આપવામાં આવ્યો છે.
(૨) આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને કુરાન-પાકના જે હુકમો આપની ઉપર અવતરિત કરવામાં આવ્યા છે તેને શીખવવાનો હુકમ આપવામાં આવ્યો છે.
(૩) આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ઉમ્મતને તેમની સુન્નત શીખવવાનો હુકમ આપવામાં આવ્યો છે, જેને “હિકમત” નામથી સંબોધન કરવામાં આવ્યું. ઉમ્મતને સુન્નત શીખવવુ જરૂરી છે કારણ કે સુન્નતના ઇલ્મ વિના, શરિયતના તમામ હુકમોનું પાલન કરવું શક્ય નથી, પછી ભલે આ હુકમો અલ્લાહના હક સાથે સંબંધિત હોય કે લોકોના હક સાથે.
(૪) આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને હુકમ આપવામાં આવ્યો છે કે તમે ઉમ્મતને ઝાહિરી (બાહ્ય,બાહર ની) અને બાત઼િની (આંતરિક, અંદરની) ગંદકીથી પાક-સાફ કરો અને તેમને બુલંદ અખ્લાક અને ચારિત્ર્યથી સજ્જ કરો.
(અખ્લાક = સારી આદત-ટેવ, સંસ્કાર, ચાલચલગત, માણસાઈ)
જ્યાં સુધી અમ્ર-બિલ-મારુફ (નેક કામનો હુકમ) અને નહી-અનિલ-મુન્કર (ગુનાહના કામથી રોકવુ)ની ફરજનો સંબંધ છે, તો ઉપર જણાવેલ બાબતો વિના તેમને બજાવવું શક્ય નથી, તેથી આપણા માટે આ બાબતોનું ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે. જેથી આપણે શરિયતનું પાલન કરી શકીએ અને સંપૂર્ણ રીતે તેના પર અમલ કરી શકીએ. અને લોકોને સારી રીતે ગાઇડ કરી શકીએ.
કુરાન-કરીમની સહી તિલાવત (પઠન) શીખવું અને કુરાન અને હદીસ પર યોગ્ય રીતે અમલ કરવું
જો કોઈ વ્યક્તિ સહી તલફ્ફુઝ (ઉચ્ચાર) અને તજ્વીદ સાથે કુરાન પઢવાનું શીખે નહીં, તો તેની નમાઝ દુરુસ્ત ન થશે; કારણ કે તે કુરાને-કરીમ પઢવામાં એવી ભૂલો કરી શકે છે, જેના કારણે નમાઝ ફાસિદ (અમાન્ય) કરી દેવામાં આવે છે અને જો તે આવી જ રીતે નમાઝ અદા કરતો રહેશે તો તેના જીવનનો મોટો ભાગ એવા હાલમાં પસાર થઈ જશે કે તેની નમાઝ છે તે યોગ્ય નથી અને તે આખિરતમાં સજાનો હકદાર બનશે.
આ જ કારણ છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે, સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ અને ઉમ્મતને કુરાન-મજીદને ખરી તજ્વીદ સાથે પઢવાનું શીખવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
(પ્રોત્સાહિત = સારી રીતે ઉત્સાહ આપેલું; ખૂબ હિંમત અપાયેલું)
એક હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “કુરાન શીખો, પઢો અને બીજાઓને શીખવો.” (તિર્મિઝી-શરીફ)
તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ કિતાબ અને સુન્નતનું ઇલ્મ (નૉલેજ) ન મેળવે તો તે દીનના હુકમો પર યોગ્ય રીતે અમલ કરી શકતો નથી. આ જ હેતુ માટે, અલ્લાહે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મોકલ્યા; જેથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમની મુબારક સુન્નત દ્વારા લોકોને કુરાને-મજીદ સમજાવે અને તેની તશરીહ઼ કરે.
(તશરીહ = વિવરણ, સ્પષ્ટીકરણ, ખુલ્લી સમજ પડી જાય એમ કરવું કે કહેવું)
આ બતાવે છે કે જ્યાં સુધી કોઈને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક સુન્નતનું જ્ઞાન (ઇલ્મ) ન હોય, ત્યાં સુધી કોઈ વ્યક્તિ કુરાને-મજીદને યોગ્ય રીતે સમજી શકે નહીં.
હઝરત ઈમરાન બિન હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુની ઘટના
એકવાર એક માણસ હઝરત ઈમરાન બિન હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને એક મસ્અલા વિશે પૂછ્યું.
હઝરત ઈમરાન બિન હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુએ એક હદીસ-શરીફની રોશનીમાં તે મસ્અલાનો જવાબ આપ્યો; પરંતુ તે માણસ મુત઼્મઈન (સંતુષ્ટ) ન થયો અને કહ્યું કે તમે મને તે જવાબ આપો જે કુરાને-કરીમમાં છે.
હઝરત ઈમરાન બિન હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુએ આ માણસને સમજાવ્યું કે દીનના ઘણા હુકમોની વિગતો કુરાને-મજીદમાં ઉલ્લેખિત નથી. બલ્કે હદીસ-શરીફમાં તેનો ઉલ્લેખ છે.
ઉદાહરણ તરીકે, કુરાન-કરીમ આપણને નમાઝ પઢવાનો હુકમ આપે છે, પરંતુ આપણને કુરાન-કરીમમાં નમાઝની તફસીલ (વિવરણ) મળતી નથી; બલ્કે તે હદીસ-શરીફમાં જોવા મળે છે. એ જ રીતે કુરાન-કરીમમાં ઝકાત આપવાનો હુકમ આપવામાં આવ્યો છે; પરંતુ કુરાન-કરીમમાં ઝકાત આપવા વિશે તફસીલની સાથે બયાન નથી; બલ્કે તેની વિગતો મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે.
તેથી, જો કોઈ માણસ ફક્ત કુરાન-પાકને મજબૂતી સાથે પકડી રાખે અને હદીસ-શરીફને છોડી દે, તો તે દીન પર યોગ્ય અને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ક્યારેય કામયાબ થશે નહીં.
આ જ કારણ છે કે અલ્લાહ તઆલાએ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને મોકલ્યા; જેથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમની મુબારક સુન્નત દ્વારા લોકોને કુરાન-મજીદના હુકમોની વિગતો સમજાવી શકે.
જ્યારે આ માણસે હઝરત ઈમરાન બિન હુસૈન રઝ઼િયલ્લાહુ અન્હુની વાત સાંભળી, તો તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તરત જ તેમની વાત માની લીધી.