એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું:
نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥)
અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે.
હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ
જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ બૈતુલ-મુકદ્દસને જીતવા માટે મદીના-મુનવ્વરાથી કૂચ કરી ત્યારે રસ્તામાં મુલ્કે-શામમાં રોકાયા; જેથી તે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમને મળી શકે જેઓ ત્યાં સ્થાયી હતા.
તેથી, જ્યારે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ તેમને મળવા હાજર થયા, ત્યારે તેમને પૂછ્યું: મારો ભાઈ ક્યાં છે? સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે પૂછ્યું: તમે કોની તરફ ઈશારો કરી રહ્યા છો? હઝરત ‘ઉમર રદિ અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ.
સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે કહ્યું કે હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ આવી રહ્યા છે. થોડીક વાર પછી હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ એક સાદા ઊંટ પર તશરીફ લાવ્યા.
જ્યારે હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુને મળ્યા ત્યારે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ ઘણીજ ખુશી વ્યક્ત કરી અને તરત જ તેમના થી મુ’આનકા કર્યો.
(મુ’આનકાનો અર્થ છે ગળે મળવું, ભેટવું)
ત્યાર પછી હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ અને ત્યાં હાજર તમામ લોકોની સામે ખુત્બો (ઉપદેશ) આપ્યો.
મુલ્કે-શામમાં રોકાણ દરમિયાન, હઝરાત સાહબ-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુને તેમના ઘરે આવવા દાવત આપી; પરંતુ હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુએ આમંત્રણ ન આપ્યું; કારણ કે તે સમયે તેમની પાસે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ સામે રજૂ કરવા માટે કંઈ ન હતું.
હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ હઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા; તેથી હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુને ફર્માવ્યું, ઓ અબૂ-‘ઉબૈદહ! તમારા સિવાય લશ્કરના દરેક અમીરે (કમાન્ડરે) મને તેમના ઘરે બોલાવ્યો.
હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમને કહ્યું: ઓ અમીરુલ-મૂમિનીન! જો તમે મારા ઘરે તશરીફ લાવો તો ચોક્કસ તમારી આંખોમાં આંસુ આવી જશે.
આમ કહેવા છતાં, હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ આ ઉચ્ચ દરજ્જાના સહાબીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી; તેથી, હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમને મહેમાન તરીકે તેમના ઘરે આવવા આમંત્રણ આપ્યું.
જ્યારે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ તેમના ઘરમાં દાખલ થયા, ત્યારે આ જોઈને તાજુબમાં પડી ગયા કે તેમની પાસે કંઈ જ નહોતું; સિવાય સૂકી રોટી ના થોડા ટુકડાઓ, પાણી માટે નો મશ્કીઝો, એક તલવાર, એક ઢાલ, ઝીન નો થેલો અને ઝીન જેનો ઉપયોગ તે રાત્રે સૂતી વખતે બિસ્તર અને તકિયા તરીકે પણ કરતા હતા.
(મશ્કીઝા અર્થ ચામડાની બોટલ)
(ઝીન અર્થ નાનું ગોદડું જે ઘોડા ની પીઠ પર મુકવામાં આવે છે.)
જ્યારે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ આ જોયું તો તેઓ રડવા લાગ્યા અને હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુને ગળે લગાવીને કહ્યું:
ખરેખર, તમે મારા ભાઈ છો. હું જોઉં છું કે તમારા સિવાય, મારા સાથીઓમાંથી જેને પણ હું મળ્યો છું દુનિયાએ તેમને (કુછ ન કુછ) પોતાની તરફ આકર્ષિત કર્યા છે (કારણ કે તેઓએ દુનિયાની વસ્તુઓમાંથી કંઈ ને કંઈ લાભ મેળવ્યો છે.)
હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો, હે અમીરુલ-મુમીનીન! મેં તમને નહોતું કહ્યું? કે તમે મારા ઘરે આવશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે. (તેમાં કોઈ દુન્યવી સામાન ન હોવાને કારણે.)
એક રિવાયતમાં છે કે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ પછી તેમને ફર્માવ્યું કે, તમે (તમારી જરૂરિયાતો માટે) થોડો દુન્યવી સામાન કેમ ન રાખો?
હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: ઓ અમીરુલ-મુમીનીન! મારો આ સામાન આ દુન્યવી સફર માટે પૂરતો છે; અહિંયા સુધી કે હું મારી કબરમાં પહોંચી જાઉં.