અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી:

اللهم استجب لسعد إذا دعاك (سنن الترمذی، الرقم: ۳۷۵۱)

હે અલ્લાહ! સઅ્દની દુઆ કબૂલ કરજો, જ્યારે તે તમારા થી દુઆ કરે!

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખુસૂસી દુઆ

હઝરત ‘આઇશા બિન્તે સ’અ્દ રદી અલ્લાહુ અન્હા (હઝરત સ’અ્દ રદી અલ્લાહુ’ અન્હુની સાહિબઝાદી,બેટી) તેમના વાલિદ સાહેબ હઝરત સઅ્દ રદિઅલ્લાહુ ‘અન્હુ થી નીચેની ઘટના નકલ કરે છે:

ગઝ્વ-એ-ઉહુદ દરમિયાન (જ્યારે દુશ્મનોએ પાછળથી હુમલો કર્યો અને ઘણા સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ જંગના મેદાનમાં શહીદ થઈ ગયા હતા) સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ ‘અન્હુમ ને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ મળી રહ્યા ન હતા. અને સહાબા રદિઅલ્લાહુ ‘અન્હુમ પરેશાની ના ‘આલમમાં અહીં-તહીં ફરી રહ્યા હતા.

તે સમયે હું એક તરફ ચાલ્યો ગયો અને મારી જાતને કહ્યું કે હું કાફિરો સામે લડતો રહીશ. કાં તો હું લડતા લડતા શહાદત હાસિલ કરીશ અથવા અલ્લાહ તઆલા મને જીવતો રાખશે. જો હું આ જંગમાંથી બચી જઈશ તો હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની ચોક્કસ મુલાકાત કરીશ.

તે જ દરમિયાન, મેં અચાનક એક માણસને જોયો જેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, જેના કારણે હું તેને ઓળખી શક્યો નહીં. કાફિરો તેની તરફ આગળ વધ્યા; ત્યાં સુધી કે મેં મારી જાતને એમ પણ કહ્યું કે આ લોકો તેની પાછળ ગયા અને આખરે તેના સુધી પહોંચી ગયા.

તે જ સમયે તે માણસે તેના હાથને નાના નાના પથ્થરો થી ભરી દીધા અને તેને કાફિરોના ચહેરા પર ફેંકી દીધા, જેના કારણે તેઓ ઉલ્ટા પગે પાછા વળ્યા અને પીછેહઠ કરવા લાગ્યા; અહિંયા સુધી કે તેઓ પહાડ સુધી પહોંચી ગયા. તે વ્યક્તિએ વારંવાર આ કામ કર્યું. (જ્યારે કાફિરોએ તેના પર હુમલો કરવાની કોશિશ કરી.) અને મને ખબર ન હતી કે તે કોણ હતો. (કારણ કે હું તેનો ચહેરો જોઈ શકતો ન હતો).

હઝરત મિકદાદ બિન અસ્વદ રદિઅલ્લાહુ અન્હુ મારી અને તે વ્યક્તિની વચ્ચે હતા. હું હઝરત મિકદાદ રદિઅલ્લાહુ અન્હુને આ પૂછવાનો ઇરાદો જ કર્યો હતો કે આ કોણ અલ્લાહ નો વલી છે; પરંતુ હઝરત મિકદાદ રદિઅલ્લાહુ અન્હુએ મને કહ્યું: ઓ સ’અ્દ (રદિ અલ્લાહુ અન્હુ)! આ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ છે, જે તમને બોલાવી રહ્યા છે!

મેં હઝરત મિકદાદ રદિ અલ્લાહુ અન્હુને પૂછ્યું: રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ક્યાં છે? જવાબમાં હઝરત મિકદાદ રદિ અલ્લાહુ અન્હુએ એ જ વ્યક્તિ તરફ ઈશારો કર્યો.

એ જાણીને કે આ વ્યક્તિ બીજું કોઈ નથી; બલ્કે, અલ્લાહના હબીબ, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ છે તો હું તરત જ મારી જગ્યાએ ઉભો થઈ ગયો અને હદ થી વધારે ખુશીના આલમમાં મને મારા ઘાવની ચિંતા ન રહી.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મને ફરમાવ્યું: ઓ સ’અ્દ! તું હમણાં સુધી ક્યાં હતો? મેં જવાબ આપ્યો: હું તમારાથી થોડોક જ દૂર ઉભો હતો, જ્યાંથી હું તમને જોઈ શકતો હતો (ત્યાં સુધી કે દુશ્મનોએ હુમલો કરી દીધો અને હું તમને જોઈ શક્યો નહીં).

પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મને તેમની સામે બેસાડ્યો અને મેં કાફિરો તરફ તીર ચલાવવાનું શરૂ કર્યું અને કહ્યું: હે અલ્લાહ! આ તીર તમારું છે, તેથી તેને તમારા દુશ્મન પર ચલાવો!

જ્યારે હું તીર ચલાવી રહ્યો હતો ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ મારા માટે દુઆ કરી રહ્યા હતા: હે અલ્લાહ! સ’અ્દની દુઆ કબૂલ કરો! હે અલ્લાહ! સ’અ્દના તીરોને નિશાના પર લગાવો.

પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે મને ફરમાવ્યું: ઓ સ’અ્દ, તીર ચલાવતા રહો! મારા માં-બાપ તારા પર કુરબાન!

મારા દરેક તીર પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ અલ્લાહ તઆલાને દુઆ કરતા રહ્યા કે હે અલ્લાહ, તેનું તીર નિશાના પર લગાવો અને જ્યારે પણ તે તમારા થી દુઆ કરે, તો તેની દુઆ કબૂલ કરો.

છેવટે, જ્યારે મારા તરકશના તમામ તીરો ખલાસ થઈ ગયા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમના તરકશ ના તીરોને ફેલાવી દીધા અને મને એક તીર આપ્યું જેથી હું અલ્લાહના રસ્તામાં તેને ચલાવું.

ઈમામ ઝહરી રહિમહુલ્લાહ એ બયાન કર્યું છે કે હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુએ ઉહુદની જંગમાં એક હજાર તીર ચલાવ્યા હતા.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …