રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:
સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી છે.)
ઈસ્લામ કબૂલ કરવા પહેલા હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુનો ખ્વાબ
હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુ ફરમાવે છે:
ઇસ્લામ કબૂલ કરવા પહેલા, મેં એક સ્વપ્ન જોયું જેમાં મેં જોયું કે હું એકદમ અંધારામાં હતો અને હું કંઈપણ વસ્તુ જોઈ શકતો ન હતો. અચાનક એક ચાંદ દેખાયો, જે રાતને રોશન કરવા લાગ્યો, પછી મેં રોશની ની પાછળ પાછળ ગયો; ત્યાં સુધી કે હું ચાંદ સુધી પહોંચી ગયો.
મેં ખ્વાબમાં કેટલાક એવા લોકોને જોયા જે મારા પહેલા ચાંદ સુધી પહોંચી ગયા હતા. મેં ઝૈદ બિન હારીષા, અલી બિન અબી તાલિબ અને અબુ બકર રદિઅલ્લાહુ અન્હુમને ચાંદની નજીક જોયા.
મેં તેને પૂછ્યું, તમે અહીં (ચાંદ પર) ક્યારે પહોંચ્યા?
તેમણે જવાબ આપ્યો કે અમે હમણાં જ અહીં પહોંચ્યા છીએ.
જ્યારે હું ખ્વાબથી બેદાર થયો, ત્યારે મને બતાવવામાં આવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નુબુવ્વત નો દાવો કરી રહ્યા છે અને અંદરખાને ઇસ્લામની દાવત આપી રહ્યા છે; તેથી હું આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની પાસે ગયો અને મક્કા મુકર્રમાની ખીણોમાં તેમને મળ્યો.
જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં જોયું કે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હમણાં જ થોડી નમાજ અદા કરી હતી, પછી મેં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ના હાથ પર ઇસ્લામ કબૂલ કર્યો.
આ સહાબા એ કિરામ (ઝૈદ બિન હારીષા, ‘અલી બિન અબી તાલિબ અને અબુ બકર રદિ અલ્લાહુ અન્હુમ) સિવાય મારા પહેલા કોઈએ ઈસ્લામ કબૂલ કર્યો ન હતો.
નોટ:
(૧) હઝરત સ’અ્દ રદિઅલ્લાહુ અન્હુના ખ્વાબમાં અંધકાર થી મુરાદ કુફ્ર નો અંધકાર છે. ચાંદ અને તેની રોશની થી મુરાદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ છે, જેમને ઇસ્લામની રોશની સાથે મોકલવામાં આવ્યા હતા; જેથી આપ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમ દુનિયામાંથી કુફ્ર ના અંધકારને દૂર કરે.
(૨) આ રિવાયતમાં, હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુએ બયાન કર્યું છે કે તેઓ ઇસ્લામ લાવવા પહેલા, હઝરત ઝૈદ બિન હારીષા, હઝરત અલી બિન અબી તાલિબ અને હઝરત અબુ બકર રદિ અલ્લાહુ ‘અન્હુમે ઇસ્લામ કબૂલ કર્યો હતો. આ ત્રણ સહાબાઓ સિવાય બીજા કોઈએ ઈસ્લામ કબૂલ કર્યો ન હતો.
જણાવી દઈએ કે હઝરત સઅ્દ રદિ અલ્લાહુ અન્હુનું આ નિવેદન તેમની જાણકારી મુજબ હતું; નહિંતર, અન્ય રિવાયતો થી સાબિત થાય છે કે તેમના પહેલા બીજા કેટલાક સહાબાએ કિરામ રદિઅલ્લાહુ અન્હુમે ઈસ્લામ કબૂલ કર્યો હતો.