પરીચય

باسمہ تعالیٰ                           

કુરઆને-કરીમમાં અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતનો ઇરશાદ છે:

اَلْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا.(سورہ مائدہ)

“આજે મેં તમારા માટે તમારો દીન મુકમ્મલ કરી દીધો અને તમારા ઉપર મારી નેમત પૂરી કરી દીધી અને તમારા માટે દીન તરીકે ‘ઇસ્લામ’ ને પસંદ કર્યો.”

આ આયતે-કરીમા હજ્જતુલ-વદા’ ના મૌકા પર નાઝિલ થઈ હતી. આ આયતે-કરીમા આપણને સ્પષ્ટ રીતે જણાવી રહી છે કે આપણો દીન કામિલ અને મુકમ્મલ છે અને અલ્લાહ રબ્બુલ-ઇઝ્ઝતનો મનપસંદ દીન “દીને-ઇસ્લામ” છે, જે ઇન્શાઅલ્લાહ કયામત સુધી પોતાની અસલી હાલત પર બાકી રહેશે.

અલ્લાહ તઆલાએ દીને-ઇસ્લામની હિફાઝત માટે દરેક યુગમાં કેટલાક લોકોને મુન્તખબ (પસંદ) કર્યા છે, જેમણે કુરઆન અને હદીસની તાલીમને આમ કરી, અકાઇદે-હક્કાનો પ્રચાર કર્યો અને દીનને પૂર્ણપણે તે જ નહજ (તરીકા) પર ફેલાવ્યો જે તેમના સુધી સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ અને સલફે-સાલિહીનના માધ્યમથી પહોંચ્યો હતો.

આ વેબસાઇટનો મકસદ પણ એ જ છે કે આપણે દીને-ઇસ્લામની સાચી તાલીમ પ્રમાણિત દલીલો અને વિશ્વસનીય હવાલા (સંદર્ભો) સાથે રજૂ કરીએ. અલ્લાહ તઆલા આપણી આ હકીર કોશિશને સ્વીકારે અને ઉમ્મતને તેના દ્વારા ફાયદો પહોંચાડે. આમીન

સ્પષ્ટ રહે કે આ વેબસાઇટ હઝરત મુફ્તી ઇબ્રાહીમ સાલેહજી સાહેબ (મોહતમીમ મદ્રેસા તાલીમુદ્દીન, સ્પંગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રિકા) ની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

હઝરત મુફ્તી ઇબ્રાહીમ સાલેહજી સાહેબનો ટૂંકો પરિચય:

હઝરત મૌલાના મુફ્તી ઇબ્રાહીમ સાલેહજી સાહેબ (દામત બરકાતુહુમ) દારુલ-ઉલૂમ દેવબંદના નુમાયાં અને નામી ફાઝિલ છે. હઝરત મૌલાના મસીહુલ્લાહ ખાન સાહેબ જલાલાબાદી રહ઼મતુલ્લાહી અલૈહિ અને હઝરત ફકીહુલ-ઉમ્મત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહ઼મતુલ્લાહી અલૈહિના જલીલુલ-કદ્ર ખલીફા છે. આપે દારુલ-ઉલૂમ દેવબંદમાં હઝરત હકીમુલ-ઇસ્લામ કારી તૈયબ સાહેબ રહ઼મતુલ્લાહી અલૈહિ, હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહ઼મતુલ્લાહી અલૈહિ અને હઝરત મૌલાના અન્ઝર શાહ કશ્મીરી રહ઼મતુલ્લાહી અલૈહિ જેવા ઇલ્મ અને અમલના દિગ્ગજો પાસેથી તાલીમ હાસિલ કરી છે.

આપ તાલીમ, તરબિયત અને તઝકિયા, તસવ્વુફના મૈદાનમાં અમૂલ્ય ખિદમત આપી રહ્યા છો. આપની સરપરસ્તીમાં સેંકડો મકાતિબ અને ઘણી સંસ્થાઓ કિતાબ અને સુન્નતના પ્રચારમાં લાગેલી છે. ઘણા લોકોનો આપની સાથે ઇસ્લાહી સંબંધ છે, જેઓ નિયમિતપણે આપની ઇસ્લાહી મજલિસોમાં ભાગ લઈને પોતાના ઇમાન અને અમલને મજબૂત કરી રહ્યા છે.

હઝરત મૌસૂફે દારુલ-ઉલૂમ દેવબંદથી ફરાગત પછી પોતાના વતન દક્ષિણ આફ્રિકા આવીને પોતાના મકાનથી તાલીમુદ્દીન (تعلیم الدین) નામના મદ્રેસાની શરૂઆત કરી હતી, જે આજકાલ દક્ષિણ આફ્રિકાના મોટા મદ્રેસાઓમાં ગણાય છે. અલ્હ઼મદુલિલ્લાહ, સેંકડો તાલિબે-‘ઇલ્મ આ મદ્રેસામાંથી દીની ‘ઇલ્મ હાસિલ કરીને દુનિયાના વિવિધ ભાગોમાં દીન ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તઆલા હઝરત મુફ્તી સાહેબ (અલ્લાહ તેમની છત્રછાયા લાંબા સમય સુધી આપણા પર કાયમ રાખે) ને સ્વાસ્થ્ય અને આફિયત સાથે લાંબી ઉંમર અર્પે અને ઉમ્મતને તેમની મુબારક હસ્તીથી ખૂબ ખૂબ ફાયદો પહોંચાડે. આમીન