હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મહોબ્બત

قال سيدنا عمرو بن العاص رضي الله عنه: سأحدثك برجلين (معينين) مات رسول الله صلى الله عليه وسلم وهو يحبهما عبد الله بن مسعود وعمار بن ياسر (مسند أحمد، الرقم: ١٧٨٠٧)

એક વખત હઝરત અમ્ર બિન-આસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ એક શખ્સથી ફરમાવ્યું:

“હું તમને બે એવી ખાસ શખ્સિયતો વિશે જણાવું છું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ આ દુનિયાથી એ હાલમાં પરદા ફરમાવી ગયા કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ તે બંનેથી ખૂબ મહોબ્બત ફરમાવતા હતા, તે બંને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ અને હઝરત અમ્માર બિન-યાસિર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમા છે.” (મુસ્નદ અહમદ: ૧૭૮૦૭)

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી કુરાન મજીદ સાંભળવાની ફરમાઈશ

એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ કબીલા બની-ઝફર (અંસારનો એક કબીલો) પાસે તશરીફ લાવ્યા. જ્યારે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ તે લોકોને બેસીને ખિતાબ ફરમાવી રહ્યા હતા, ત્યારે આપએ હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી ફરમાવ્યું કે “તમે મને કુરાન મજીદ પઢીને સાંભળાવો.”

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ નિહાયત આજિઝી અને તવાઝુ’ સાથે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી અર્ઝ કર્યું: “એ અલ્લાહના રસૂલ! શું હું આપના સામે કુરાન મજીદ પઢીને સાંભળાવું? જ્યારે કે કુરાન તો આપ પર જ નાઝિલ થયું છે?”

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “હું એ ચાહું છું કે હું કોઈ બીજાથી કુરાનની તિલાવત સાંભળું.”

આના પછી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ સૂરહ નિસાની તિલાવત શરૂ કરી અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પૂરા ધ્યાનથી તેમની તિલાવત સાંભળી રહ્યા હતા. જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ સૂરહ નિસાની એકતાલીસમી (૪૧મી) આયત પર પહોંચ્યા:

فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍۭ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَـٰٓؤُلَآءِ شَهِيدًۭا

પછી તે વખતે શું હાલ થશે, જ્યારે આપણે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ હાજીર કરીશું અને આપને (એ મુહમ્મદ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ) આ લોકો પર ગવાહ બનાવીને રજૂ કરીશું?

તો આ આયત પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું કે “બસ, હવે આટલુ પઢવું કાફી છે.”

જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ પોતાની નજર ઉઠાવી અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ચહેરા-એ-મુબારકને જોયો, તો તેમણે જોયું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મુબારક આંખોથી આંસુ જારી છે (કેમ કે આ આયતની અંદર અલ્લાહ ત’આલાએ હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ઇજ્જત અને બુલંદ મકામને બયાન કર્યો છે, જે કિયામતના દિવસે અલ્લાહ ત’આલા હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને અતા ફરમાવશે). (સહીહ બુખારી: ૫૦૫૫; ફતહુલ-બારી: ૯/૯૯)

Check Also

હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇલ્મે-દીનને ફેલાવવું

لما دخل سيدنا علي رضي الله عنه الكوفة وشاهد علم أهلها، قال: أصحاب عبد الله …