
જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલની ખબર મળી, તો તેઓ બહુ રડ્યા અને ફરમાવ્યું:
أخي وخليلي، عاش وحده (في الربذة)، ومات وحده، ويبعث وحده (من الربذة)، طوبى له (البشارة بالجنة). (الاستيعاب ١/٢٥٣)
“તેઓ (એટલે કે હઝરત અબૂ-ઝર) મારા ભાઈ અને મારા કરીબી દોસ્ત હતા. તેઓ (રબ્ઝહમાં) એકલા રહ્યા, એકલા જ તેમનો ઇન્તેકાલ થયો અને તેઓ (રબ્ઝહથી) એકલા જ કિયામતના દિવસે ઉઠાડવામાં આવશે. તેમના માટે (જન્નતની) ખુશખબરી છે.”
હઝરત અબૂ-ઝર રઝિયલ્લાહુ અન્હુની છેલ્લી ઘડીઓ
જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મોતનો સમય નજીક આવ્યો, તો તેમની પાસે તેમની બીવી અને ગુલામ સિવાય કોઈ ન હતું. તેમણે તે બંનેને હુકમ આપ્યો:
“(જ્યારે મારો ઇન્તેકાલ થઈ જાય,) તો મને ગુસ્લ આપજો અને કફન પહેરાવજો. પછી મારો જનાઝો રસ્તા પર મૂકી દેજો. સૌથી પહેલો જે કાફલો ત્યાંથી પસાર થાય, તેમને કહેજો કે આ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના સહાબી અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ છે, તેમનો ઇન્તેકાલ થઈ ગયો છે; તેમની તદ્ફીન (દફનાવવા)માં અમારી મદદ કરો.”
જ્યારે તેમનો ઇન્તેકાલ થઈ ગયો, તો તે બંનેએ તેમના હુકમ પર અમલ કર્યો (એટલે કે તેમને ગુસ્લ આપ્યું, કફન પહેરાવ્યું અને પછી જનાઝાને રસ્તા પર મૂકી દીધો).
સૌથી પહેલો કાફલો જે ત્યાંથી પસાર થયો, તે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો કાફલો હતો. તેઓ ઇરાકથી કેટલાક લોકો સાથે ઉમરાહ કરવા માટે મક્કા-મુકર્રમા જઈ રહ્યા હતા.
જ્યારે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તો રસ્તા પર એક જનાઝો જોઈને હેરાન થઈ ગયા; ત્યાં સુધી કે તેમને અંદેશો થયો કે ઊંટ તેના પર પગ ન મૂકી દે કે તેને કચડી ન નાખે. એ જ દરમિયાન હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો ગુલામ આગળ આવ્યો અને કાફલા વાળાને કહ્યું: “આ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના સહાબી અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો જનાઝો છે. તેમને દફન કરવામાં અમારી મદદ કરો.”
આ સાંભળીને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રડવા લાગ્યા અને ફરમાવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે (ગઝવા-એ-તબૂકના સમયે) સાચું ફરમાવ્યું હતું. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને ફરમાવ્યું હતું: “એ અબૂ-ઝર! તમે એકલા પૈદલ ચાલી રહ્યા છો (ગઝવા-એ-તબૂકમાં શામેલ થવા માટે). તમે એકલા જ મરશો અને એકલા જ (કિયામતના દિવસે) ઉઠાડવામાં આવશે.”
પછી તેઓ પોતાના ઊંટો પરથી ઉતર્યા અને તેમને દફન કરવા માટે આગળ વધ્યા.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી